જાણીતી સાઉથ આફ્રિકન ડાન્સર ઝોવા વબાન્તુએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર તસવીરો અપલોડ કરી છે. ફોટોઝમાં તે એક કોફીનમાં સૂઇને પોઝ આપે છે. આ બહેને સોશિયલ મીડિયા પર કહ્યું કે, તે ક્ષેમકુશળ છે અને હમણાં મરવાની નથી. કોફીન ખરીદી એટલે કરી કે, પોતાની મમ્મીના મૃત્યુ વખતે થયેલી ઘટનાનું પુનરાવર્તન ન થાય. વર્ષો પહેલાં જયારે તેની મમ્મીનું મૃત્યુ થયું ત્યારે તેને ખૂબ જ સસ્તા કોફીનમાં વિદાય અપાઈ હતી. હવે ઝોવાની આર્થિક પરિસ્થિતિ સારી છે અને સારું કોફીન ખરીદી શકે છે તેથી તેણે અત્યારે જ કોફીન ખરીદી લીધું છે. તે કહે છે કે, માના મોત વખતે દુઃખ થયેલું અને બીજાં લોકોએ કહ્યું હતું કે તારે પણ આનાથી વધુ સપનાં ન જોવાં જોઇએ. તેથી એ લોકોને આ કોફીન જવાબ છે. તેનું એ પણ કહેવું છે કે મારા મોત પાછળ દીકરાને કોઇ આર્થિક બોજો ન આવે એ માટે પણ આ જરૂરી છે. મારે આખરી વિદાય શેમાં લેવી એટલું નક્કી કરવાની છૂટ તો મને હોવી જ જોઇએ ને?

