માર્ચની વસંતને આ વખતે ચૂંટણી-જંગનો પડછાયો સંગાથ આપી રહ્યો છે. આ અંક છપાશે ત્યારે મોટા ભાગના મુરતિયાઓ પર હાઈ કમાન્ડની મહોર લાગી ગઈ હશે. દરેક ઉમેદવારને એવું જ લાગે છે કે આપણે જીતી જશું! પણ, દ્રાક્ષ ખાટી પણ હોઈ શકે છે એટલે જરીકેય ચૂક રાખ્યા વિના નાત-જાત-કોમ-નાણાં-આરોપ જેવા તમામ શસ્ત્રોનો પૂરો ઉપયોગ થશે. ભઈ, ચૂંટણી છે, દામોદર કુંડે બેસીને ‘વૈષ્ણવ જન તો તેને કહીએ...’ ભજન તો ગાવાનું નથી!
આ દલીલ હોવા છતાં પણ સાવ નાસીપાસ થવાય નહીં. કાચી-પાકી તો યે લોકશાહી છે અને પ્રજા પણ ગણતરીપૂર્વક મતદાન કરતી થઈ ગઈ છે. આ વખતે તેની સામે હજાર ભજવણી છે!! બે મોટા પક્ષોની તૈયારી લગભગ યુદ્ધ જેવી છે અને જો ચૂંટણી એ યુદ્ધ હોય તો ‘પ્રેમ અને યુદ્ધમાં બધું જાયજ છે’ એ ઉક્તિ સાચી ઠેરવવાના પ્રયત્નો વધુ થાય તે સ્વાભાવિક છે. બે મોટા પક્ષો ઉપરાંત દેશભરમાં બીજા ૨૦૦ જેટલા નાના મોટા પક્ષો નસીબ અજમાવશે. તેમણે ‘ન્યૂસન્સ વેલ્યુ’ પૂરવાર કરીને ‘બાર્ગેનિંગ’ કરવું એ એજન્ડા છે. જેટલી સીટો મળી એના પર લડવું, જીતવું અને કેન્દ્ર સરકારમાં પ્રધાનપદ મેળવવું એ મુખ્ય કાર્યક્રમ! પણ વાત ત્યાં જ પૂરી થતી નથી. ડઝનબંધ નેતાઓ તો વડા પ્રધાન બનવાનાં સપનાં સેવી રહ્યાં છે. ન કરે નારાયણ અને મહાગઠબંધન વત્તા કોંગ્રેસને વધુ બેઠકો મળે તો આવા ચાન્સ વધારે છે.
કોણ છે આ વડા પ્રધાનપદના મહત્ત્વાકાંક્ષીઓ?
સર્વપ્રથમ તો નેહરુ-ગાંધી વંશના નામદાર હાજર છે. રાહુલ ગાંધીએ એટલે તો ‘મોમ’ને વિનંતી કરી કે પ્રિયંકાને પણ પક્ષમાં સક્રિય કરો. વાત માનવામાં આવી. કહે છે કે બિમાર સોનિયાએ કચવાતા મને પ્રિયંકાને મંજૂરી આપી છે તેમને તો રાહુલને આગળ વધવાની એટલે કે પતિની જેમ વડા પ્રધાન પદનું સિંહાસન સર કરે એટલા પૂરતો જ ભારતનાં રાજકારણમાં રસ છે. (જીવનીકારો લખે છે કે ૧૯૭૫ પછી સોનિયા ગાંધીએ પતિ રાજીવને સલાહ આપી હતી કે ચાલો ક્યાંક બીજે આ દેશની બહાર ચાલ્યા જઈએ અને નિરાંતે જિંદગી બસર કરીએ.)
પણ હવે વાત બદલાઈ છે. આટલા અધધધ વર્ષો સુધી કોંગ્રેસના સિનિયર નેતાઓ પણ ગાંધી-નેહરુ પરિવારની નેતાગીરી સામે વિરોધનો હરફ ઉચ્ચારતા નથી તો ભારતીય સંસદમાં બહુમતી મેળવવી અને ઝંડો ફરકાવવો એવી અભિલાષા જાગી અને રાહુલ-પ્રિયંકાને ચૂંટણી જંગમાં ઉતાર્યાં.
પણ રસ્તો સહેલો નથી. આ મહાગઠબંધનના બસપા (બહુજન સમાજ પાર્ટી) અને સપા (સમાજવાદી પાર્ટી) - એ અલગ ચોકો કર્યો, બીજા પ્રદેશોમાં અન્ય પક્ષો સાથે મેળ પડે તેમ નથી એટલે મહદ્અંશે ચૂંટણી તો કોંગ્રેસે એકલા લડવી પડશે. મધ્ય પ્રદેશ – રાજસ્થાન – છત્તીસગઢ સરકારોમાં જીત્યા પછી વિશ્વાસ દૃઢ થયો છે, પણ આ ત્રણ જ પ્રદેશ એટલે ભારત થોડું છે?
મહાગઠબંધનને બીજી કોઈ તકલીફ નથી. માત્ર વડા પ્રધાન પદનું સિંહાસન કોને મળે તેનો પ્રશ્ન છે. જેને વડા પ્રધાન બનવું છે તે નામો પણ જગજાણીતા છે. તેઓ ‘ના રે, મારી કોઈ મહત્ત્વાકાંક્ષા નથી...’ એવું પણ કહે છે. શરદ પવારે તો આ વખતે ચૂંટણી ન લડવાની જાહેરાત કહી દીધી છે. પણ કેટલીક વાર ચૂંટાયા ના હોય તેવા મુરતિયા પણ વડા પ્રધાન બની જાય છે તેની શરદ પવારને તેમના લાંબા સમયનાં રાજકીય અનુભવમાં ખબર છે.
આ ‘નેતાઓ’ છે તો પ્રાદેશિક, પણ ‘રાષ્ટ્રીય’ થવા થનગને છે.
એક છે પશ્ચિમ બંગાળના મમતા બેનરજી.
બીજા આંધ્ર પ્રદેશના ચંદ્રાબાબુ નાયડુ.
ત્રીજા જેલવાસી લાલુ પ્રસાદ યાદવ.
ચોથા સમાજવાદી નેતા અખિલેશ યાદવ.
પાંચમા બસપાના માયાવતી.
અને જો કોઈ ઇચ્છા રાખે તો બીજા સાતેક લાઈનમાં ઊભા છે. આને તમે લોકતંત્રની શોભા અને વિશેષતા ગણો તો તેમ, અન્યથા લોકશાહીની નબળાઈમાં પણ ખપાવી શકો. દેશની સંસદીય લોકશાહીમાં ૩૭૦૦ જેટલા રાજકીય પક્ષો અસ્તિત્વ ધરાવે છે અને તેમાંના કેટલાક ચૂંટણી પંચના ચોપડે રજિસ્ટર્ડ પણ નથી થયા. કેટલાકને પંચે નિયમો પ્રમાણે ન ચાલનારા હોઈ રદ કર્યા છે. પણ મજાની વાત તો એ છે કે તેઓ ચૂંટણી તો જરૂર લડે છે!
ભાજપનું સુખ એ છે કે તેની પાસે ‘સંમત નેતા’ છે. પહેલાં પણ એવું જ હતું. અટલ બિહારી વાજપેયી વડા પ્રધાન બન્યા તે ત્રણ વારની ચૂંટણીમાં ભાજપનો કાર્યકર્તા તેમને જ ઇચ્છતો હતો. હવે ૨૦૧૪થી તેવી વારસદારી નરેન્દ્ર મોદીની રહી છે. કેટલાક તો સ્પષ્ટ કહી રહ્યા છે કે ‘અમે ઉમેદવારો નહીં, એક માત્ર નરેન્દ્ર મોદી ચૂંટણી લડી રહ્યા છે.’ કેટલાક ઉન્નત-ભ્રૂ તેને ‘ભાજપની સરમુખત્યારશાહી’ તરીકે ગણે છે. પણ ભારતમાં ચૂંટણી એ માત્ર મતદાન નથી, રાષ્ટ્રીય પસંદગીનું ‘રેફરેન્ડમ’ પણ છે. તેમાં નરેન્દ્ર મોદીની તુલનાએ અન્ય પક્ષોમાંથી કોઈ આવી શકે તેવું નથી.
આગામી દિવસો આ મોટા ઉહાપોહથી તરબતર ચૂંટણીપ્રચારના રહેશે.

