ઇન્સ્ટાગ્રામ પર નવી ઇન્દ્રન પિલ્લૈ નામનું હેન્ડલ ધરાવતી વૈષ્ણવી પુવેન્દ્રન નામની સ્ત્રીએ તાજેતરમાં બ્રાઇડર ફોટોશૂટ કરીને તસવીરો શેર કરી છે અને દિવસે ને દિવસે આ તસવીરો વાયરલ થઈ રહી છે. વાત એમ છે કે વૈષ્ણવીને બ્રેસ્ટ-કેન્સર થયું હતું અને એની સારવારમાં કીમોથેરપી લીધા બાદ તેના માથાના વાળ ખરી પડ્યા હતા. વૈષ્ણવી ઇન્સ્ટાગ્રામ પર લખે છે કે, કોઈ પણ છોકરી પોતાના લગ્ન વિશે વિચારતી હોય ત્યારે તેની એક જ ઇચ્છા હોય છે કે તે એ દિવસે સૌથી સુંદર દેખાય, પણ જ્યારે લગ્ન પહેલાં જ કેન્સર જેવી બીમારી આવી પડે તો તમામ સપનાં ચકનાચૂર થઈ જાય છે. કેન્સરને કારણે વાળ જતા રહે છે ત્યારે તે પોતાને બહુ જ અનકમ્ફર્ટેબલ મહેસૂસ કરે છે. તેનું લગ્ન કરવાનું અને લગ્નમાં સુંદર દેખાવાનું સપનું મરી પરવારે છે.
બ્રેસ્ટ-કેન્સર સામે બહાદુરીપૂર્વક લડનારી વૈષ્ણવીએ તાજેતરમાં માથે ખૂબ જ પાંખા વાળ સાથે બ્રાઇડલ ફોટોશૂટ કરાવ્યું છે. લાલચટક સાડી, હાથ-પગમાં મેંદી અને દુલ્હન જેવો સાજશણગાર સજ્યા પછી તે ખૂબ સુંદર લાગે છે. વૈષ્ણવીએ એક વાર બ્રેસ્ટ-કેન્સરની સારવાર કરાવી હતી અને જ્યારે લાગ્યું કે હવે તે ઠીક થઈ ગઈ છે એના થોડા જ વખતમાં ખબર પડી કે કેન્સર લિવર અને કરોડનાં હાડકાંમાં પણ ફેલાઈ ચૂક્યું છે. તે ફરીથી કેન્સરની સારવાર હેઠળ ગઈ.
પાંચ વર્ષની સારવાર પછી ૨૦૧૮માં તેને ફરીથી કેન્સર-ફ્રી જાહેર કરવામાં આવી. વૈષ્ણવીનું કહેવું છે કે, વાળ જતા રહ્યા એ સત્ય સ્વીકારવું મારા માટે સૌથી મોટો પડકાર હતો. મને એવું લાગતું હતું કે હવે હું સુંદર નથી કે કોઈ મને પ્રેમ કરી શકે. મને લાગવા લાગેલું કે વાળ વિના મને કદી દુલ્હન જેવી દેખાવાનું કે દુલ્હન જેવું ફીલ કરવાનું ભાગ્ય નહીં મળે.
પોતાના જ કોમ્પલેક્સને દૂર કરવા માટે તેણે બ્રાઇડલ ફોટોશૂટ કરાવ્યું અને હવે એ વાઇરલ થઈ રહ્યું છે. હજારોમાં તેના ફોટોગ્રાફને લાઈક્સ અને કમેન્ટ્સ મળી રહી છે.

