પેસિફિક મહાસાગરમાં ઓસ્ટ્રેલિયાથી નજીક મનોહર ટાપુઓથી બનેલા ન્યૂ ઝીલેન્ડની બે મસ્જિદોમાં થયેલા આતંકવાદી હુમલામાં ૫૦થી વધુ નિર્દોષ લોકોએ જિંદગી ગુમાવી છે. ન્યૂ ઝીલેન્ડના ક્રાઇસ્ટ ચર્ચ શહેરમાં બે મસ્જિદોમાં નમાઝ પઢતા મુસ્લિમો પર ઘૃણાસ્પદ હુમલાની ઘટનાએ સમગ્ર વિશ્વને હચમચાવી દીધું છે. ઈશ્વરની બંદગી કરનારા નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતારવા કોઈ પણ રીતે બહાદુરીનું કાર્ય નથી. આ જઘન્ય અને દુઃખદ આતંકી હુમલામાં પાંચ ગુજરાતી સભ્યો-મહાબૂબભાઈ ખોખર (અમદાવાદ), આસિફભાઈ વોરા(વડોદરા), રમીઝ વોરા (વડોદરા), હાફિઝ મૂસા વલી પટેલ (ભરુચ) અને જુનૈદ કારા (નવસારી) સહિત નવ ભારતીયોનાં પણ કરુણ મોત નીપજ્યાં છે. ક્રાઈસ્ટચર્ચ સહિત સમગ્ર વિશ્વની મુસ્લિમ કોમ્યુનિટી આ હિંસક હુમલાની દર્દનાક અસરમાંથી બહાર આવી રહી છે ત્યારે આપણે સહુ તેમના દુઃખ અને શોકમાં સહભાગી બનીએ તે માનવી તરીકે પરમ ફરજ છે.
વીડિયો ગેઈમનો શોખીન ૨૮ વર્ષનો હુમલાખોર બ્રેન્ટન ટેરન્ટ ઓસ્ટ્રેલિયન છે. તેની માન્યતા વિશ્વમાં શ્વેત લોકો સર્વશ્રેષ્ઠ માનવ અથવા તો ‘વ્હાઈટ સુપ્રમસી’ હોવાની છે. આવું જ લગભગ ૯૦ વર્ષ પહેલા જર્મનીના એડોલ્ફ હિટલરે ‘આર્યન પ્રજાતિ શ્રેષ્ઠ’ હોવાની નાઝીવાદી માન્યતા આગળ વધારી વિશ્વને મહાયુદ્ધમાં ઘસેડી ૬૦ લાખ જેટલા યહુદીઓનું નિકંદન કાઢી નાખ્યું હતું. આતંકવાદી બ્રેન્ટને હત્યાકાંડ પહેલાં ટ્વીટર પર મૂકેલા ૮૭ પેજના મેનિફેસ્ટોમાં ૨૦૧૧માં નોર્વેના સામૂહિક હત્યાકાંડના આરોપી એન્ડર્સ બ્રેવિકથી પ્રભાવિત હોવાનું તેમજ લઘુમતીઓ તરફની નફરત વિશે સ્પષ્ટ લખ્યું છે.
તેણે એમ પણ લખ્યું છે કે એશિયનો અને આફ્રિકનો ભવિષ્યમાં યુરોપને ગળી જશે. તેની માન્યતા પ્રમાણે યુરોપિયનો જ આ યુરોપમાં સર્વશ્રેષ્ઠ પ્રજા તરીકે વસી શકે. ટેરન્ટના કહેવાનો સીધો અર્થ એ થાય છે કે ઓસ્ટ્રેલિયા અને ન્યૂ ઝીલેન્ડમાં જે વિદેશીઓ વતની બન્યા છે અને હજુ વતની બની રહ્યા છે તેમણે એ દેશોમાંથી ઉચાળા ભરી પોતાના મૂળ વતન પાછા ફરી જવું. વિશ્વની આવી ઘણી ઘટનાઓમાં શ્વેત-અશ્વેતનો ભેદ, અમે તમારાથી શ્રેષ્ઠ છીએની ખોટી માન્યતા તેમજ અસહિષ્ણુતા ફરી વાર સપાટી પર આવી રહ્યા છે.
અધૂરામાં પુરુ તે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને પોતાની પ્રેરણામૂર્તિ ગણાવે છે. ટ્રમ્પે અમેરિકા ફર્સ્ટનું જે ભૂત ધુણાવ્યું તેનો જ વરવો ચહેરો ક્રાઇસ્ટ ચર્ચમાં બહાર આવ્યો હોવાનું કહી શકાય. મૂળ તો આ મુદ્દો વતનીઓ વિરુદ્ધ વિદેશીઓ અથવા ઈમિગ્રન્ટ્સનો જ છે. કોઈ પણ દેશમાં ઈમિગ્રન્ટ્સનો વસવાટ થાય ત્યારે સમયાંતરે મૂળ વતનીઓને તેમની પાસેથી કશું ખૂંચવાઈ ગયાની લાગણી પેદા થાય છે. છેલ્લાં થોડાં વર્ષોમાં યુકે, યુએસ સહિતના સમૃદ્ધ દેશોમાં ઈમિગ્રન્ટ્સનું પ્રમાણ વધ્યું છે. આ દેશોને ઈમિગ્રન્ટ માનવધન જરૂરી પણ બન્યું છે. આ સમૃદ્ધ દેશોમાં વિપૂલ તક મળી રહે છે જે ઈમિગ્રન્ટ્સને પોતાના દેશોમાં વધુ વસ્તી, ગરીબી, ભ્રષ્ટાચાર, સરમુખત્યારી અથવા દમન સહિતના કારણોસર મળતી નથી. ન્યૂ ઝીલેન્ડની લગભગ ૪.૩ મિલિયનની વસ્તીમાં આશરે ૫૦,૦૦૦ જેટલા મુસ્લિમોનો સમાવેશ થાય છે.
જોકે, ઈમિગ્રન્ટ્સ સમૃદ્ધ થયા છે તો તેમના કારણે યુકે, યુએસ સહિતના દેશોની સમૃદ્ધિ પણ વધી જ છે. આ દેશોના વિકાસમાં વસાહતી લોકોનું યોગદાન ઓછું નથી. આમ છતાં, વર્ષો જતાં વિપરીત અસરો પણ જોવાં મળે છે. આવા સમયે યુકે જેવા દેશો સમયસર નિયંત્રણો મૂકી વસાહતીઓનો પ્રવાહ ઘટાડવાનો માર્ગ લે છે. પ્રમુખ ટ્રમ્પે એક ઝાટકે વિદેશીઓને આવવાના માર્ગો બંધ કરવાની જાહેરાત કરી તેની અવળી અસર પણ જોવાં મળી છે. જોકે, વ્હાઈટ હાઉસે સ્પષ્ટતા કરી છે કે ટ્રમ્પ ‘વ્હાઈટ સુપ્રમસી’ના તરફદાર નથી.
ન્યૂ ઝીલેન્ડ મસ્જિદ હુમલાના ગણતરીના કલાકો પછી ઈસ્ટ લંડનની મસ્જિદની બહાર પણ હુમલાખોરો ત્રાટક્યા હતા અને એક નમાઝીનું હુમલામાં મોત થયું હતું. મસ્જિદ પાસેથી પસાર થતાં શ્વેત યુવકોના જૂથે ઈસ્લામવિરોધી સૂત્રોચ્ચાર કરવા સાથે નમાઝીઓને ‘ત્રાસવાદીઓ’ કહ્યા હતા. બીજી તરફ, નેધરલેન્ડના ઉટ્રેક્ટ શહેરમાં સોમવારે ટ્રામમાં અંધાધૂંધ ફાયરિંગ સાથે સંભવિત આતંકી હુમલામાં ત્રણ વ્યક્તિનાં મોત થવા સાથે સંખ્યાબંધને ઈજા પહોંચી છે.
બ્રેન્ટનને આજીવન જેલમાં રખાશે તેનાથી ૫૦ લોકોની જિંદગી પાછી આવવાની નથી. આપણે ભલે એમ કહીએ કે આતંકવાદીનો કોઈ ધર્મ હોતો નથી પરંતુ, તેની સ્પષ્ટ માન્યતા તો હોય જ છે. આવી ખોટી માન્યતા રાષ્ટ્ર કે ધર્મપ્રેરિત પણ હોઈ શકે તે આપણે સ્વીકારવું રહ્યું.
