નાઈફક્રાઈમને લીધે સ્વરક્ષણના પાઠ શીખવતા ક્લાસીસમાં બાળકોને મુકતા વાલીઓની સંખ્યામાં ભારે વધારો થયો હોવાનું માર્શલ આર્ટ એસોસિએશન દ્વારા જણાવાયું હતું. ૨૦૧૭ અને ૨૦૧૮ વચ્ચે ઈંગ્લેન્ડના લગભગ ૧૦ ટકા બાળકોએ જુડો, કરાટે અને ટેકવોન્ડો શીખવા નોંધણી કરાવી હતી. આ સંખ્યા અગાઉના વર્ષ કરતાં ૬.૪ ટકા વધુ હતી.
• બાળકોને રોબોટ ટીચર્સ પાસે ભણવાનું વધુ પસંદ
બાળકોને રોબોટ્સ અભ્યાસ કરાવે તો તે વધુ ગમે છે કારણ કે તેમનામાં વાસ્તવિક ટીચરો જેટલી નિર્ણયશક્તિ અને હતાશા હોતી નથી. મેલબોર્ન એજ્યુકેશન રિસર્ચ ઈન્સ્ટિટ્યુટના ડિરેક્ટર જહોન હેટ્ટીએ જણાવ્યું હતું કે બાળકો રોબોટને એક જ પ્રશ્ર વારેઘડીએ પૂછી શકે છે અને તે સહેજ પણ ખીજાતો નથી. રોબોટને બાળકોએ ગઈકાલે તોફાન કર્યું હતું અથવા તે બાળકને કોઈ રોગ અથવા સમસ્યા છે તેની પણ ખબર હોતી નથી.
• યુકેમાં અજાણી કંપનીઓની £૧૦૦ બિલિયનની સંપતિ
ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ૧૦૦ બિલિયન પાઉન્ડ કરતાં વધુ રકમની સંપત્તિ ટેક્સ હેવન્સમાં નોંધાયેલી અજાણી કંપનીઓની માલિકીની હોવાનું લેન્ડ રજિસ્ટ્રી ડેટાના વિશ્લેષણમાં જણાયું હતું. આવી ૮૭,૦૦૦ પ્રોપર્ટીઓમાંથી ૪૦ ટકા લંડનમાં આવેલી છે. જેમાં ૧૩૪ પ્રોપર્ટી નાઈટ્સબ્રિજના કેડોગન સ્ક્વેરમાં આવેલી છે. આ વિસ્તારમાં પ્રોપર્ટીની સરેરાશ કિંમત૩ મિલિયન પાઉન્ડ હોય છે.
• પ્રવાસીઓ વિમાનમાં શરાબ પી શકશે નહીં
શરાબનું સેવન કર્યા બાદ વિમાનમાં બનતી ઘટનાઓમાં વધારો થતા ચિંતાજનક પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તેને લીધે હવાઈ મુસાફરી કરતાં પ્રવાસીઓને ફ્લાઈટમાં ડ્યૂટી ફ્રી વાઈન અને સ્પિરિટ્સ પીવા પર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે. હવેથી એરપોર્ટ પર વિમાન યોગ્ય રીતે લેન્ડ થાય પછી જ પ્રવાસીઓ બોટલ ખોલી શકે તે માટે તમામ ડ્યૂટી ફ્રી આઈલ્કોહોલને સીલબંધ બેગમાં રાખવાનો નિયમ અમલી બનાવી દેવાયો છે.
• ક્વિનના મહિલા સૈનિકોને સ્કર્ટ પહેરવાની પરવાનગી
ક્વિનનું રક્ષણ કરવાની જવાબદારી સંભાળી રહેલા મહિલા સૈનિકોને તેમના યુનિફોર્મના ભાગરૂપે સ્કર્ટ પહેરવાની પરવાનગી મળી શકે છે. પરંતુ તેઓ ગાર્ડ્સમેન તરીકે જ ઓળખાશે. આ વર્ષમાં પહેલી વખત મહિલા સૈનિકોની ભરતીને લશ્કર દ્વારા આવકાર અપાયો હતો. તેઓ બકિંગહામ પેલેસ અને વિન્ડસર કેસલ ખાતે ચેન્જિંગ ધ ગાર્ડમાં ભાગ લેતી વખતે સ્કર્ટ અથવા કિલ્ટ પહેરશે.
• રાત્રે બે વખત લેવેટરીની મુલાકાતથી અર્થતંત્રને ભારે નુક્સાન !
રાત્રે કોઈ વ્યક્તિ બે અથવા વધુ વખત લેવેટરીની મુલાકાત લે તો તેને લીધે અર્થતંત્રને વર્ષે ૪.૫ બિલિયન પાઉન્ડનું નુક્સાન થતું હોવાનું અભ્યાસમાં જણાયું હતું. અભ્યાસમાં ચેતવણી અપાઈ હતી કે રાત્રે બે વખત પણ જાગી જવાય તો બીજા દિવસે થાક બહુ લાગે છે અને કામ કાજની ઉત્પાદકતા ઘટે છે. અભ્યાસમાં જણાયું હતું કે ૧૪ ટકા બ્રિટિશર્સ આ સ્થિતિથી પીડાય છે તેને લીધે એક વર્ષમાં સાત વર્કિંગ ડેનો વ્યય થાય છે.
• બ્રેક્ઝિટ અગાઉ સાઉથ એશિયન ઈમિગ્રેશનમાં વધારો
ઈયુ નાગરિકો નોકરી છોડીને જતા રહ્યા હોવાથી ઝડપથી વિકાસ પામી રહેલા આઈ ટી ઉદ્યોગ અને NHSમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાના પ્રયાસમાં ભારતીય ઉપખંડથી ઈમિગ્રેશનમાં ભારે વધારો નોંધાયો હતો. યુકેમાં નેશનલ ઈન્સ્યુરન્સની ચૂકવણી કરવા માટે નોંધણી કરાવનારા સાઉથ એશિયનોની સંખ્યા ૨૦૧૭માં ૫૨,૪૯૪ હતી તે ૩૦ ટકા વધીને ૬૮,૩૮૧ પર પહોંચી હતી.
• ૧૯ વર્ષીય વિદ્યાર્થી હુમલાની યોજના ઘડવાનો દોષી
ઈસ્લામિક સ્ટેટમાં રસ ધરાવતા ૧૯ વર્ષીય વિદ્યાર્થી હૈદર એહમદને કિંગ્સ્ટન ક્રાઉન કોર્ટે આતંકવાદી હુમલો કરવાની યોજના ઘડવાનો દોષી ઠેરવ્યો હતો. તે સરેના રેડહિલમાં તેના માતાપિતા સાથે રહેતો હતો ત્યારે તેણે હુમલો કરવા માટે હંટિંગ નાઈફ ખરીદી હતી. પોલીસે જણાવ્યું હતું કે તેને ઓનલાઈન ઉદ્દામવાદી બનાવાયો હતો. તેણે ‘વિકૃત વિચારધારા’ અપનાવી હતી. તેને આગામી ૧૫ એપ્રિલે સજા સંભળાવવામાં આવશે.
• નવી એન્ટિ- સ્નૂપીંગ ટેક્નોલોજીથી પોલીસ કાર્યવાહીને અસર
એપલ નવી એન્ટિ-સ્નૂપીંગ ટેક્નોલોજી વિક્સાવી રહ્યું છે, જે પોલીસની મોબાઈલ ફોન યુઝર્સનું લોકેશન અને મેસેજિસ શોધી કાઢવાની ક્ષમતાને બિનઅસરકારક બનાવી દેશે. એપલે ફોન અને મોબાઈલ ટાવર્સ વચ્ચે મોકલવામાં આવતા સિગ્નલ્સને એન્ક્રિપ્ટ કરવાના ઉપાયની પેટન્ટ કરાવી છે. તેને લીધે મોબાઈલ હેન્ડસેટની ઓળખ થઈ શકશે નહીં.
