અયોધ્યા ભૂમિવિવાદઃ વિખવાદી અધ્યાયનો અંત

સી. બી. પટેલ Wednesday 20th November 2019 04:58 EST
 
 

વડીલો સહિત સૌ વાંચકમિત્રો,
ગત સપ્તાહે ભારતની સુપ્રીમ કોર્ટે દાયકાઓ જૂના અયોધ્યા ભૂમિવિવાદ કેસનો ઐતિહાસિક ચુકાદો આપવા સાથે એક વિખવાદી અધ્યાયનો અંત આવ્યો છે. ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ દ્વારા તેના વિશે વિસ્તૃત અહેવાલો પણ આપવામાં આવ્યા છે. બહુમતી ભારતીયોની માફક હું પણ આ ચુકાદાને આવકારું છું. આ વિવાદ સમગ્ર દેશના સામજિક તાણાવાણાને છિન્નભિન્ન કરી રહ્યો હોવાથી તેનો અંત લાવવાની તાતી જરૂરિયાત હતી. મારી સમજ અનુસાર આ વિભાજિત વિશ્વમાં આવા વિવાદનું સ્થાન પુસ્તકોમાં જ મર્યાદિત રહે તે સારું ગણાય.
જે લોકો મારો ઈશારો શેના તરફ છે તે સમજી ન શક્યાં હોય તેમના માટે હું જરા વિસ્તારથી સમજાવું. ૧૯૯૨ની છઠ્ઠી ડિસેમ્બરે તોફાનોમાં પ્રસરી ગયેલા એક રાજકીય સરઘસ દરમિયાન બાબરી મસ્જિદનો વિધ્વંસ કરાયો, જેના વળતા પ્રહાર તરીકે ઈસ્લામિક કટ્ટરવાદીઓએ ભારતના અનેક શહેરોને બોમ્બ વિસ્ફોટોથી ધણધણાવી મૂક્યાં. આ વિધ્વંસની અસર એટલી ભયાનક રહી કે પડોશી દેશ પાકિસ્તાનમાં પણ હિન્દુ, જૈન અને શીખ ધર્મસ્થાન-મંદિરો તેમજ અન્ય ઈમારતો પર હુમલા કરાયા હતા અને પોલીસે હુમલાખોરો વિરુદ્ધ જરા પણ હસ્તક્ષેપ ન કર્યો. આ પછી, અલાહાબાદ હાઈ કોર્ટમાં જમીનની માલિકી- લેન્ડ ટાઈટલનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તમે પ્રશ્ન કરશો કે જમીનનાં નાના ટુકડાંની માલિકી માટે શા માટે આટલી કાગારોળ મચાવાઈ? આનો ઉત્તર એ છે કે હિન્દુઓની પ્રબળ માન્યતા છે કે અગાઉ રામમંદિર હતું તે સ્થળે બાબરી મસ્જિદ બાંધવામાં આવી હતી.
અલાહાબાદ હાઈ કોર્ટે ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૦ના દિવસે આપેલા ચુકાદામાં અયોધ્યાની વિવાદિત ૨.૭૭ એકર જમીનને ત્રણ પક્ષકાર રામ લલ્લા જૂથ, સુન્ની વકફ બોર્ડ અને નિર્મોહી અખાડા વચ્ચે ત્રણ હિસ્સામાં વહેંચી આપી હતી. આ ચુકાદામાં સ્પષ્ટ જણાવાયું હતું કે વિવાદિત ભૂમિ ભગવાન રામનું જન્મસ્થાન હતું અને હિન્દુ મંદિરને તોડી પાડી તેના પર મસ્જિદનું બાંધકામ કરવામાં આવ્યું હતું.
વાતને ટુંકમાં પતાવીએ તો, હવે દેશની સર્વોચ્ચ અદાલતના ચુકાદામાં ભારત સરકારને અયોધ્યાની વિવાદિત ભૂમિ ત્રણ મહિનામાં એક ટ્રસ્ટને સોંપવા આદેશ કરાયો છે. આ ટ્રસ્ટની દેખરેખ હેઠળ તે સ્થળે રામમંદિરનું નિર્માણ હાથ ધરવામાં આવશે. એવો પણ આદેશ કરાયો છે કે બાબરી મસ્જિદના ‘ગેરકાયદે વિધ્વંસ’ના વળતર તરીકે સુન્ની વકફ બોર્ડને નવી મસ્જિદના નિર્માણ માટે અયોધ્યામાં અલાયદી પાંચ એકર જમીન ફાળવવામાં આવે.
સમગ્ર દેશમાં મુસ્લિમ કોમ્યુનિટી સહિતના લોકોએ કોર્ટના ચુકાદાને આવકાર્યો છે. મને પણ આ પરિણામથી સંતોષ છે. મેં ‘ખુશ’ નહિ પરંતુ, ‘સંતોષ’ શબ્દપ્રયોગ કર્યો છે તેનું કારણ એ છે કે પશ્ચિમી મીડિયાના તાજેતરના પ્રવાહોમાં મને એ જોવાં મળ્યું છે કે આ ચુકાદાને મુસ્લિમો પર હિન્દુઓના ચોક્કસ વિજય તરીકે દર્શાવાયો છે. સુપ્રીમ કોર્ટના પાંચ વિદ્વાન ન્યાયમૂર્તિઓએ, જેમાંના એક ન્યાયમૂર્તિ મુસ્લિમ કોમ્યુનિટીના છે, સર્વસંમત જજમેન્ટ જાહેર કર્યું છે ત્યારથી એમ જણાય છે કે સામાન્ય જનતા દ્વારા જેની ખાસ પરવા કરાઈ નથી તેવી પરિસ્થિતિમાં પણ પશ્ચિમી મીડિયાએ કડવાશપૂર્ણ કે વિરોધી પ્રતિક્રિયાને ઉત્તેજન આપવાનું કાર્ય પોતાના હસ્તક લઈ લીધું છે.
પ્રતિષ્ઠિત ન્યાયપીઠના વિદ્વાન જજીસ નરેન્દ્ર મોદીથી ભય અનુભવતા હોવાના દાવા સાથેના આર્ટિકલ્સ પણ પ્રસિદ્ધ કરાયાં છે. ભાઈ, આવું શા માટે? ‘'The West Has Given Modi A Free Pass’ મથાળા સાથેના ફાઈનાન્સિયલ ટાઈમ્સના લેખમાં ગીડિઓન રેશમન જણાવે છે કે,‘ભારતીય વડા પ્રધાનના મોડેલની કાળી બાજુ વિશે ખુલ્લી વાત કરવામાં નિષ્ફળતા ખતરનાક છે.’ માની લીધું, મોદી પ્રત્યે તમારો દ્વેષ સમજી શકાય છે, પરંતુ સ્વીકાર્ય નથી. તેઓ આ જજમેન્ટના સંદર્ભે લખે છે, ‘મિ. મોદીની વધતી જતી હિંમતથી હિન્દુ રાષ્ટ્રવાદીઓ આનંદિત થયા છે.’
હું તો એ સમજી શકતો નથી કે સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ કેવી રીતે મોદીનો વાંક દેખાડવા સુધી પહોંચી જાય છે. ‘ધ ટાઈમ્સ’માં પ્રસિદ્ધ અન્ય લેખના દાવા તો અજ્ઞાનતાની હદ વટાવી જાય છે જેમાં, મોદીના ‘સ્વચ્છ ભારત’ અભિયાનની કથિત નિષ્ફળતા માટે કેટલાક ગ્રામીણ ભારતના લોકો વડા પ્રધાન દ્વારા બંધાવાયેલા શૌચાલયનો ઉપયોગ કરવા માગતા નથી એવું માનવામાં પણ ન આવે તેવું કારણ અપાયું છે. મને તો હસવું આવે છે એ લેખક પર કે જેમણે કદાચ એમ માની લીધુ હશે કે તેમના દ્વારા બંધાવાયેલા ૧૧ કરોડ ટોઈલેટ્સ ખરેખર ભરેલાં રહે છે કે કેમ તે ચકાસવાની જવાબદારી પણ મોદીની જ હોય. મારી જાણ અનુસાર તો વડા પ્રધાનની કામગીરીના વર્ણનમાં આવું કશું આવતું નથી.
આગળ વધીએ. આપણે બધા બેથલેહેમને જિસસ ક્રાઈસ્ટ (ઈસુ ખ્રિસ્ત)ના જન્મસ્થળ તરીકે ઓળખીએ છીએ. કોઈએ તેમના બર્થ સર્ટિફિકેટ વિશે પૂછપરછ કરી છે? ના, આપણે તેને સમગ્રતયા ક્રિશ્ચિયાનિટી, પવિત્ર બાઈબલના એક હિસ્સારુપે સ્વીકારી લીધું છે. તમામે કોઈ પ્રશ્ન વિના તેને સ્વીકાર્યું છે. વર્ષ ૧૯૬૭ પછી બેથલેહેમ ઈઝરાયલના અંકુશ આવ્યું છે ત્યારે પણ જેરુસાલેમ અને બેથલેહેમ, બંન્ને શહેર યહુદીઓ, ખ્રિસ્તીઓ અને મુસ્લિમો માટે યાત્રાસ્થળ મનાય છે.
આ કોમ્યુનિટીઓ માટે જેમ બેથલેહેમ છે તે જ રીતે અયોધ્યાનું મહત્ત્વ હિન્દુઓ માટે છે. તેના માટે પ્રશ્ન ઉઠાવાય તેવી કોઈ જરૂર મને જણાતી નથી. ગયાનાના ગાઢ જંગલોમાં વસતા ભારતીયો માટે પણ અયોધ્યા રામનું જન્મસ્થળ છે. ન્યુ યોર્કમાં ૧૯૮૯માં GOPIO- ગ્લોબલ કન્વેન્શન ઓફ પીપલ ઓફ ઈન્ડિયન ઓરિજિનનું પ્રથમ અધિવેશન શેરેટન હોટેલમાં યોજાયું હતું તેની સાથે હું ગાઢપણે સંકળાયેલો હતો. યુવરાજ કરણસિંહ અને માધવરાવ સિંધિયા પછી તરત સંબોધન કરવાનો મોકો મને અપાયો હતો. હું હોટેલમાં રોકાયો હતો અને ગયાના (જે અગાઉ બ્રિટિશ ગયાના તરીકે જાણીતું હતું)ના પૂર્વ વડા પ્રધાન ચેડ્ડી જગન અને તેમના અમેરિકન પત્ની જેનેટ પણ ત્યાં જ રોકાયાં હતાં.
મારા યુનિવર્સિટીના અભ્યાસકાળમાં પણ મારા આદર્શજનોમાં ચેડ્ડી પણ એક હતા. હોટેલમાં તેમની સાથે સાંજે વાતો કરવા દરમિયાન તેમણે મને એમ કહ્યું કે ગયાનાના ગાઢ જંગલોમાં, ઘોર અંધારી સાંજના સમયે પણ તમને કિર્તન, ચોપાઈ અને હનુમાન ચાલીસા સાંભળવાં મળી શકે. ૧૮૩૦ના દાયકા બાદ ભારતીયોને ગયાનામાં મજૂરો તરીકે લવાયા હતા. તેમણે કહ્યું કે ભારત અને ગયાના વચ્ચે એકમાત્ર કડી રામાયણ અને હનુમાન ચાલીસાની છે. ત્યાંના કેટલાક ભારતીયોએ ખ્રિસ્તી ધર્મ અપનાવી લેવાં છતાં રામ તેમના આદર્શ બની રહ્યા છે.
મિત્રો, મારા માટે ભારતીય બંધારણ સત્તાનું સર્વોચ્ચ પ્રતીક છે અને તેના શબ્દો અનુસરવાનો માર્ગ ઉચિત છે. ઉલ્લેખનીય છે કે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (ASI)ના પૂર્વ રીજિયોનલ ડાયરેક્ટર ડો. કે.કે. મુહમ્મદ કહે છે કે આ કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાથી મને ન્યાય મળ્યાની લાગણી થાય છે. તેઓ વિવાદાસ્પદ સ્થળે ઉત્ખનન કરનારી ૧૦ સભ્યની ટીમનો એક ભાગ હતા. મસ્જિદથી પહેલા ત્યાં રામ મંદિરનું અસ્તિત્વ હતું તેમ કહેનારા ઘણાં લોકોમાં તેઓ પણ હતા. તેમણે કહ્યું છે કે, આ જજમેન્ટ ‘ પાયારુપ હતું અને તેનાથી વધુ સારું હોઈ શકત નહિ.’
તેઓ કહે છે, ‘મેં જ્યારે સત્ય ઉચ્ચાર્યું ત્યારે એક મુસ્લિમ તરીકે ચોક્કસ વર્ગો તરફથી મારી પજવણી કરાઈ અને આજે હું સાચો સાબિત થયો છું. માનનીય સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું છે કે ASI દ્વારા અપાયેલા પુરાવાઓ સાચા હતા. એવાં અસંખ્ય પુરાવાઓ મળ્યાં હતાં જેનાથી સાબિત થતું હતું કે મસ્જિદનું નિર્માણ મંદિરની ઉપર કરાયું હતું એટલું જ નહિ, મંદિરના કેટલાંક અવશેષોનો ઉપયોગ પણ મસ્જિદના બાંધકામમાં કરવામાં આવ્યો હતો.’ આ પછી, મુહમ્મદે જે કહ્યું છે તેનાથી તો તેમના પ્રત્યેનું સન્માન અનેકગણું વધી ગયું છે. તેમણે કહ્યું કે,‘ ભૂતકાળમાં કેટલાક મુસ્લિમ શાસકોએ હિન્દુ મંદિરો તોડી પાડ્યા હતા. આ શાસકોનાં ખોટાં કૃત્યોને જ્યારે વાજબી ઠરાવાય ત્યારે મૂળ પાપનો હિસ્સો બની જવાય છે.’
આ લખાઈ રહ્યું છે ત્યારે સંભળાય છે કે ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB) અને અન્ય જૂથ જજમેન્ટની સમીક્ષા માટે કોર્ટ સમક્ષ જવાના છે. તેમનો મુખ્ય દાવો એ છે કે ‘મસ્જિદને અન્ય કોઈ સ્થળે ખસેડી શકાય નહિ.’ આ મુદ્દે એ વાત યાદ કરવાની આવશ્યકતા છે કે ઈજિપ્તમાં જ્યારે પ્રસિદ્ધ આસ્વાન બંધનું નિર્માણ થઈ રહ્યું હતું ત્યારે કેટલીક ઐતિહાસિક મસ્જિદોને ઊંચા સ્થળે ખસેડવામાં આવી હતી અને મૌલવીઓ અથવા અલ-અઝહર યુનિવર્સિટી (ઈજિપ્તમાં ઈસ્લામ સંદર્ભે સર્વોચ્ચ ઓથોરિટી) દ્વારા આ વિશે કોઈ જ ફરિયાદ કે વિરોધ કરાયો ન હતો.
ગુજરાતમાં પણ સરદાર સરોવર બંધના નિર્માણ સમયે ખાસ તો વૈદિકકાળના પ્રસિદ્ધ શુલપાણેશ્વર મહાદેવના મંદિર સહિત કેટલાંક મંદિરોને શંકરાચાર્યજીની અનુમતિ સાથે ઊંચા સ્થળે ખસેડવામાં આવ્યાં હતાં.
આ જ પ્રમાણે, સાઉદી અરેબિયા અને ઈરાકમાં પણ ખાસ તો, યુફ્રેટિસ અને ટાઈગ્રિસ નદીઓ પર નહેરોના નિર્માણ સહિત મહત્ત્વના ઈન્ફ્રાસ્ટ્રક્ચરલ વિકાસના પ્રોજેક્ટ્સ દરમિયાન આઠ કે તેથી વધુ મસ્જિદોને અન્યત્ર ખસેડવામાં આવી હતી.
આથી જ્યારે ઈતિહાસ અને વર્તમાન બાબતો વિશે ઉપરછલ્લાં કે અધકચરાં જ્ઞાન સાથેના મીડિયાને હું નિહાળું કે વિચાર કરું ત્યારે મને ચિંતા અવશ્ય થાય છે. ભારતમાં મહાન લોકશાહી કાર્યરત છે જ્યાં, મુક્ત અને ન્યાયી ચૂંટણીઓ યોજાય છે. હું ઘણા વર્ષોથી જોતો આવ્યો છું કે પશ્ચિમ દ્વારા લોકોની વિવેકબુદ્ધિ સાથે છેડછાડ કરાતી રહે છે. હું તો એટલું જ કહીશ કે મોદી અને નવયુગના ભારત સાથે તમારી ગંદી રમતો રમવાનું બંધ કરો, તેમાં જ શાણપણ છે. (ક્રમશઃ)


comments powered by Disqus