થાઈલેન્ડમાં રિજનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ (આરસીઈપી) સંબંધિત શિખર સંમેલનમાં ભારતે આ સમજૂતી પર હસ્તાક્ષર નહિ કરવાનો નિર્ણય જાહેર કરતા દેશમાં નિરાશા કરતાં રાહત વધુ જોવાઈ છે. ભારતીય અર્થવ્યવસ્થા મંદી, બેરોજગારી તરફ આગળ વધી રહી છે અને નિકાસ સતત ઘટતી રહી છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રાદેશિક વેપાર સમજૂતી ભારતના ઘરેલું હિતો જાળવવાની વિરુદ્ધ હોવાનું જણાવ્યું છે.
આરસીઈપી કરાર ૧૦ ‘આસિયાન’ દેશો અને અન્ય ૬ દેશો ઓસ્ટ્રેલિયા, ચીન, ભારત, જાપાન, ન્યૂઝીલેન્ડ, સાઉથ કોરિયાની વચ્ચે એક મુક્ત વેપાર સમજૂતી છે. માલસામાન અને સેવાઓની આયાત-નિકાસ, રોકાણ, બૌદ્ધિક સંપત્તિ જેવા વિષયો સામેલ છે તેવા આ કરારમાં સામેલ ૧૬ દેશો માટે પારસ્પરિક વેપારમાં ટેક્સમાં કાપ સહિત તમામ આર્થિક છૂટછાટ આપવાની જોગવાઈ છે.
એવું પણ નથી કે ભારતને આવી લગભગ વિશ્વવ્યાપી વેપાર સમજૂતીની આવશ્યકતા નથી. ભારતને પણ પોતાના ઉત્પાદનો વિશ્વબજારમાં વેચાય તે માટે પ્રયાસો કરવા પડે છે. આ સંદર્ભે આવી પ્રાદેશિક વેપાર સમજૂતી એક રીતે તેના હિતમાં હતી, પરંતુ ચીન સહિતના પાડોશી દેશોમાંથી સસ્તી કિંમતનો માલસામાન બેરોકટોક ભારતમાં ખડકાવા લાગે તો સ્થાનિક ઉદ્યોગ-ધંધા ઉપરાંત, સવિશેષ ખેતીવાડી, કાપડ અને ડેરીઉદ્યોગ માટે વ્યાપક સમસ્યા સર્જાવાનો ભય છે. જો કૃષિ અને ઉદ્યોગધંધા ઠપ થાય તો બેરોજગારીને ઉત્તેજન મળે તે પણ હકીકત છે.
જો આ સમજૂતી પર ભારતે હસ્તાક્ષર કર્યા હોત તો ભારતીય ઉત્પાદકોને અન્ય દેશોની તો વાત જવા દો, ભારતમાં જ પોતાના ઉત્પાદનો વેચવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે તેમ હતું.
ચીન આ સમજૂતી થઈ જાય તે માટે વિશેષ પ્રયાસ કરતું હતું કારણ કે અમેરિકા સાથેનાં વેપારયુદ્ધના કારણે અર્થવ્યવસ્થા તળિયે પહોંચવા સહિત તેની સમસ્યાઓ વધી હતી. જોકે, સમજૂતીમાં સામેલ થવાના ભારતના ઈનકારથી વિશ્વમાં સૌથી મોટા મુક્ત વેપારક્ષેત્રમાં પ્રભુત્વ વધારવાના ચીનના પ્રયાસોને ફટકો પડ્યો છે.
આર્થિક મંદીની અસરો ખાળવામાં મદદરૂપ મુક્ત વેપારની તરફેણ અવશ્ય થવી જોઈએ, પરંતુ સ્વદેશી ઉદ્યોગ-ધંધા કે વેપારના ભોગે નહિ. ભારતે કોઈની પણ શેહમાં આવ્યાં વિના પોતાના હિતોને સર્વોપરિ સ્થાન આપ્યું છે તે ઉચિત છે.