મહારાષ્ટ્રના રાજકારણમાં પળે પળે નવા વળાંક આવી રહ્યા છે. મહારાષ્ટ્રના રાજ્યપાલની ભલામણથી રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થવાં છતાં, સરકાર રચાવાની શક્યતાનો અંત આવ્યો નથી. શિવસેના, એનસીપી અને કોંગ્રેસ દ્વારા બહુમતી ગઠબંધનના દાવાના પગલે ત્રિપક્ષી સરકારની રચનાનો માર્ગ મોકળો થયો છે. વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો આવી ગયાને લગભગ એક મહિનો થવા આવ્યો છતાં, સરકાર રચાવા બાબતે અવઢવ ચાલી રહી હતી ત્યારે એનસીપીના નેતા શરદ પવારની કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી સાથેની મુલાકાતથી મહારાષ્ટ્રમાં સરકાર રચવા મુદ્દે કોઈ માર્ગ નીકળવાની આશા હતી પરંતુ, હાલ તો આવી કોઈ આશા જણાતી નથી. પવારે તો ‘સસ્સે કા પાંવ જ નહિ’ની માફક એમ કહી દીધું છે કે મહારાષ્ટ્રની રાજકીય પરિસ્થિતિ વિશે વાતચીત થઈ પરંતુ, સરકાર રચવા વિશે કશું વિચારાયું નથી.
મુખ્ય પ્રધાનપદ ખોળામાં હોવાનાં સ્વપ્નો જોતી શિવસેના અને ઉદ્ધવ ઠાકરેને પવારના નિવેદનથી આંચકો લાગ્યો હશે પરંતુ, અનેક મોરચે રાજકારણ ખેલવાની પવારની ‘પ્રતિભા’થી તેઓ ખરેખર અંધારામાં જ છે. પવાર તો ‘બાઈ બાઈ ચાયણી, ઈસ કે ઘર’ની રમત રમી રહ્યા છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનપદની શિવસેનાની જીદ કે અદમ્ય તાલાવેલીના કારણે ભાજપ સાથે ગઠબંધન તોડવાની હદે તેની તૈયારી જોઇને રાજકારણના અઠંગ ખેલાડી શરદ પવારને તો સોગઠી મારવાનો ઢાળ મળી ગયો હતો. પવારની પહેલી શરત એનડીએ સાથે છેડો ફાડવાની હતી એટલે શિવસેનાએ તરત તેના કેન્દ્રીય પ્રધાન પાસે રાજીનામું અપાવી સંબંધનો અંત લાવી દીધો. શિવસેનાએ મહારાષ્ટ્રમાં ટેકાના બદલામાં હિંદુવાદી એજન્ડાને પડતો મૂકવાની શરત પણ પાળવી પડશે. આ પછી લોકસભા અને રાજ્યસભામાં પણ તેની બેઠક વ્યવસ્થા વિપક્ષમાં કરાવાઈ છે. આટલું થયા પછી પણ મુત્સદ્દી પવારે આજકાલ કરતા અને કોંગ્રેસને મનાવવાના બહાના હેઠળ દિવસો જ પસાર કર્યા હતા.
કોંગ્રેસની અવઢવ સમજી શકાય તેમ છે. રાજકીય ફલકમાં કોંગ્રેસ અને શિવસેનાને ‘સ્ટ્રેન્જ બેડફેલોઝ’ ગણાવી શકાય. સત્તા માટે કટ્ટર હિન્દુવાદી અને મુસ્લિમવિરોધી શિવસેના સાથે હાથ મિલાવવાથી મુસ્લિમ મતદારોની મબલખ વોટબેંક ગુમાવવી પડે એવા સંજોગો સર્જાયા છે. કોંગ્રેસ મુસ્લિમોના તારણહાર હોવાના દાવાઓ સાથે શિવસેના અને ભાજપનો વિરોધ કરતી આવી છે. શિવસેનાની દલીલ છે કે ભાજપે પણ જમ્મુ-કાશ્મીરમાં કટ્ટરવિરોધી પીડીપી સાથે હાથ મિલાવ્યાં હતાં તેને ધ્યાને લેતા મહારાષ્ટ્રમાં પણ શિવસેના કોંગ્રેસ અને એનસીપી સાથે હાથ મિલાવે એમાં કોઇ આશ્ચર્ય નથી. જમ્મુ-કાશ્મીરમાં મહેબૂબા મુફ્તી સાથે હાથ મિલાવવાની રણનીતિ અલગ હતી, ત્યાં રાજ્ય દેશવિરોધી બળોના હાથમાં સરકી ન જાય તે જોવાનું હતું. મહારાષ્ટ્રમાં તો શિવસેના પાસે આવી કોઈ મજબૂરી નથી કે એનસીપી અને કોંગ્રેસનો સાથ મેળવવો પડે.
નવી સરકારની રચના સંદર્ભે થયેલી માથાકૂટ લોકતંત્ર માટે આઘાતસમાન છે. મહારાષ્ટ્રનો ઘટનાક્રમ સત્તા હાંસલ કરવા માટે રાજકીય પક્ષો કેટલી હદે જઇ શકે છે એનો પુરાવો છે. સત્તાની આ ખેંચતાણના કારણે પ્રજામાં પણ ખોટો સંદેશ જઇ રહ્યો છે.
શિવસેના સાથે ગઠબંધનનો અંત અને મહારાષ્ટ્રમાં સરકાર ગુમાવવાના અનુભવથી ભાજપને ડહાપણ લાદ્યું હોય તેમ જણાય છે. મહારાષ્ટ્રમાં જીતેલી બાજી હારીને ભાજપને બોધપાઠ મળ્યો છે. એનડીએમાં નીતિશકુમારના જનતા દળ, રામવિલાસ પાસવાનના લોજપ સહિત અન્ય સાથી પક્ષોમાં અસંતોષ છે જ પરંતુ, તેઓ શિવસેનાના માર્ગે આગળ ન વધે તે માટે પાણી અગાઉ પાળ બાંધવા સંકલન સમિતિ બનાવવાનો નિર્ણય લેવાયો હોય તેમ લાગે છે. સંકલનનો અભાવ ગઠબંધનના પક્ષોના સંબંધોને અસ્થિર બનાવી શકે છે.
જોકે, સાવ વિરુદ્ધ વિચારધારા ધરાવતા પક્ષોની બનેલી સરકાર કેટલા દિવસ ચાલશે એ યક્ષપ્રશ્ન છે. ‘કજોડા’ ગઠબંધનમાં ત્રણ પાર્ટીને રાજી રાખવાની હોય ત્યારે પ્રધાનપદાંની વહેંચણીમાં ખેંચતાણ થવી સ્વાભાવિક છે. નવા જોડાણની સરકારમાં ઉધ્ધવ ઠાકરે હોય કે આદિત્ય, મુખ્યપ્રધાનપદ શિવસેના હસ્તક રહેવાનું નિશ્ચિત લાગે છે કારણકે આ માગણીના લીધે તો ભાજપ સાથે છેડો ફાડયો છે. જોડાણની કહેવાતી ફોર્મ્યુલા હેઠળ કદાચ એનસીપી અને કોંગ્રેસના ફાળે નાયબ મુખ્યપ્રધાનપદ આવશે પરંતુ, આ તાજ પહેરવા માટે તેમની પાસે પણ મુરતિયા અનેક છે. ગૃહ અને નાણા જેવા મહત્ત્વના વિભાગો પણ શિવસેનાને ન મળવાના હોય ત્યારે શિવસેનાની ‘વાઘ’ સરકાર નહોર વિનાની બની રહેશે તેમાં કોઈ સંશય નથી.
શિવસેના માટે તો આપણે ચાણક્યના શબ્દોમાં એ જ યાદ અપાવી શકીએ કે
‘યો ધ્રુવાણિ પરિત્યજ્ય અધ્રુવં પરિસેવતે ।
ધ્રુવાણિ તસ્ય નશ્યન્તિ ચાધ્રુવં નષ્ટમેવ હિ ॥’
જે લોકો સ્થિરને છોડીને અસ્થિરનો સાથ લે છે તેમનું સ્થિર તો નાશ પામે જ છે અને અસ્થિર તો તેમનું હોતું જ નથી.