હિંદુ સ્વયંસેવક સંઘ દ્વારા યુકે પાર્લામેન્ટ વીકની ઉજવણી

Wednesday 20th November 2019 05:18 EST
 
 

તા.૨થી ૮ નવેમ્બર દરમિયાન યુકે પાર્લામેન્ટ વીકના સત્તાવાર પાર્ટનર હિંદુ સ્વયંસેવક સંઘ (HSS) દ્વારા તેની દેશમાં આવેલી ૨૬ શાખાઓ ખાતે પાર્લામેન્ટ વીકની પ્રવૃત્તિઓ યોજાઈ હતી. પાંચ વર્ષના સૌથી નાના બાળકથી લઈને ૮૬ વર્ષના સૌથી વૃદ્ધ આ તમામ ભાગ લઈ શકે તેવી પ્રવૃત્તિઓ યોજાઈ હતી. યુવાનોને સૌથી વધુ સ્પર્શે તેવા મુદ્દા વિશે તેઓ તેમની વાત રજૂ કરી શકે તે માટે આ ખાસ તક હતી.

આ ઉજવણીનો હેતુ હિંદુ, જૈન, બૌદ્ધ અને શીખ સમુદાયના સભ્યો સહિત તમામ વસતિને આ પ્રવૃત્તિઓમાં સામેલ કરવાનો હતો.

આમંત્રિતો સમક્ષ હિંદુ સ્વયંસેવક સંઘની ખેલ (રમતગમત) અને સૂર્ય નમસ્કાર (યોગ) સહિતની પ્રવૃત્તિઓની રજૂઆત અને મતદાન માટેની ઉંમર, દિવાળી,ગ્લોબલ વોર્મિંગ અને બ્રેક્ઝિટ જેવા વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી.

HSSની સંખ્યાબંધ શાખાઓ પર ક્વિઝનું આયોજન અને યુકે પાર્લામેન્ટ વિશે પ્રવચનો યોજાયા હતા. રાજકીય વર્તુળના આમંત્રિત મહેમાનોમાં લોકલ મેયર, લોકલ કાઉન્સિલરો, પૂર્વ સાંસદો અને બ્રોમલીના લોકલ હિંદુ ટેમ્પલ ટ્રસ્ટના સભ્યોનો સમાવેશ થતો હતો.

HSSયુકેના પ્રવક્તાએ જણાવ્યું હતું,‘અમારી યુકે પાર્લામેન્ટ વીકની પ્રવૃત્તિને સમર્થન પાઠવતા પત્રોમાં એક પત્ર લોર્ડ જિતેશ ગઢિયાનો પણ હતો. તેમાં તેમણે યુકેમાં આપણી લોકશાહીની પ્રક્રિયાની ઉંડી સમજ મળે તે માટે આ પ્રવૃત્તિ તમામ હિંદુઓ, જૈનો, શીખો અને બૌદ્ધ માટે મહત્ત્વની હોવાનું જણાવ્યું હતું.

અમને ખૂબ આનંદ છે કે પાર્લામેન્ટ વીક ૨૦૧૯ની ઉજવણીમાં દેશની ઘણી શાખા સંકળાઈ હતી અને તેઓ લોકશાહીમાં કેવી રીતે અગત્યનો ભાગ ભજવી શકે તે દર્શાવાયું હતું. નોર્થવેસ્ટમાં સાલેથી લઈને સાઉથમાં બ્રોમલી, ઈસ્ટમાં સાઉથએન્ડથી વેસ્ટમાં ચેલ્ટનહામની ૨૬થી વધુ શાખાઓ તેમાં જોડાઈ હતી અને ૭૨૦થી વધુ લોકોએ તેમાં ભાગ લીધો હતો.

૨૦૧૮માં યુકે પાર્લામેન્ટ વીકનો ૮,૧૦૦થી વધુ પ્રવૃત્તિઓ સાથે લગભગ એક મિલિયન લોકોએ લાભ લીધો હતો. આ વર્ષનો યુકે પાર્લામેન્ટ વીક ફેસ્ટિવલ અત્યાર સુધીનો સૌથી મોટો હશે તેવી શક્યતા છે.


comments powered by Disqus