૧૫મી ઓગસ્ટને ગુરુવારે ભારતના ૭૩મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે બેડફર્ડ ટાઉન સેન્ટરમાં ધ્વજવંદન માટે મેયર ડેવ હોજસને ‘બંધન’ ગ્રૂપની ભારતીય મૂળની મહિલાઓને આમંત્રણ આપ્યું હતું. તેને સ્વીકારીને આ મહિલાઓ બેડફર્ડની કોમ્યુનિટી, ચેરિટી, વોલન્ટરી ઓર્ગેનાઈઝેશન અને ઈન્ટરફેથ ગ્રૂપ્સ સાથે ઉજવણીમાં જોડાઈ હતી. હાર્પર સ્ક્વેર અને ત્યારબાદ ઓલ્ડ ટાઉનહોલ ખાતે ધ્વજવંદન કાર્યક્રમમાં ભાગ લેવા માટે ૩૦૦થી વધુ લોકો સવારે ૭.૩૦ વાગે એકઠા થયાં હતા.
ભારતના યુકે ખાતેના હાઈ કમિશનર રુચિ ઘનશ્યામ ભારતીય ઈતિહાસના સૌથી મહત્ત્વના દિવસ ગણાતા સ્વાતંત્ર્ય દિને ખાસ ધ્વજવંદન કરાવવા માટે બેડફર્ડ પધાર્યા હતા.
બેડફર્ડશાયરના ડેપ્યૂટી લેફ્ટનન્ટ પ્રો. ગુર્ચ રંધાવા, સાંસદ મોહમ્મદ યાસિન, બેડફર્ડશાયરના હાઈ શેરિફ મેરિલ ડોલિંગ પણ કાર્યક્રમમાં સામેલ થયા હતા. પ્રો. ગુર્ચ રંધાવા અને સાંસદ મોહમ્મદ યાસિને બેડફર્ડશાયરની વૈવિધ્યપૂર્ણ કોમ્યુનિટીને ભારતીય કોમ્યુનિટીએ આપેલા યોગદાન પર પ્રકાશ પાડ્યો હતો. બંધનના ચેરપર્સન જો. વિનીતા મંજૂરેએ તેને દોહરાવતા કહ્યું હતું કે ઓગસ્ટની ભવ્ય સવારે આપણે સંસ્કૃતિ, ભાષા, રાજ્યો અને ધર્મના વાડાને દૂર કરીને હાર્પર સ્ક્વેર ખાતે ઉજવણીનું કાર્ય કરવા માટે એકઠા થયા છીએ તે ગૌરવની વાત છે.
આ પ્રસંગે ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચુરી એજ્યુકેશન ટ્રસ્ટ, સંધ્યા રાવ સ્કૂલ ઓફ મ્યુઝિક, નૃતમ ડાન્સ એકેડમી, એનઆરઆઈ મ્યુઝિક અને આનંદ આર્ટ્સના કલાકારોએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો.
સ્વાતંત્ર્ય દિનની ઉજવણી નિમિત્તે સાંજે હાર્પર સ્વીટ ખાતે ફરીથી સૌ એકત્ર થયાં હતા. સતી જજે બેડફર્ડમાં આવીને સૌ પ્રથમ વસેલા ભારતીયોના જીવનની વાતો કરી હતી. ડો. અભય વૈદ્યે હિંદીમાં ભારત વિશે કવિતા ગાઈ હતી. જગતાર સિંઘ OBEએ વૈવિધ્યના મહત્ત્વ વિશે પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું હતું. મિલ્ટન કેઈન્સ સ્થિત એનર્જી સપ્લાયર ‘એમ્પાવર’ના મેનેજિંગ ડિરેક્ટર સંદીપ સલીએ મહાત્મા ગાંધી અને જવાહરલાલ નહેરુના નેતૃત્વ હેઠળ થયેલા સ્વાતંત્ર્ય સંગ્રામ બાદ ભારતે મેળવેલી આઝાદી વિશે વાત કરી હતી. બેડફર્ડના મેયર ડેવ હોજસને જણાવ્યું હતું કે ભારતના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી માટે બેડફર્ડમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા તે ખૂબ આનંદની વાત છે.