મા વિનાની ‘મહી’ને મેજિસ્ટ્રેટ માતા અને ડીડીઓ પિતાએ દત્તક લીધી

Wednesday 21st August 2019 09:25 EDT
 
 

આણંદઃ વાસદ સીએચસી સેન્ટરમાં જન્મેલી બાળકીની માતાનું મૃત્યુ થયું હતું. આથી આણંદ જિલ્લા વિકાસ અધિકારી અમિત પ્રકાશ યાદવ અને તેમના પત્ની આણંદના એડિશનલ ચિફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ચિત્રા રત્નુએ આ બાળકીને દત્તક લીધી છે. જન્મ બાદ માતા ગુમાવનાર બાળકીને મેજિસ્ટ્રેટ માતા, ડીડીઓ પિતા અને દોઢ વર્ષનો ધૈવત નામનો ભાઇ મળ્યો છે. જિલ્લાની કોઇ પણ સરકારી હોસ્પિટલમાં પ્રસૂતિ દરમ્યાન મહિલાનું મોત થાય તો જિલ્લા વિકાસ અધિકારીને જાણ કરવાની હોય છે. નિયમ પ્રમાણે જિલ્લા વિકાસ અધિકારી અમિત પ્રકાશ યાદવને જાણ કરાઇ હતી. આથી આ દંપતી વાસદ સીએચસી સેન્ટર પર પહોંચી ગયું હતું. જ્યાં તેમણે તમામ વિગત જાણી બાળકીના સ્વજનો સાથે વાતચીત કરી હતી. બાળકીના પિતાને પહેલાંથી બે દીકરીઓ છે. પત્ની વિના ત્રણ બાળકીઓનો ઉછેર કઈ રીતે કરશે તે મૂઝવણ હતી ત્યારે આ દંપતીએ બાળકીને દત્તક લેવાની વાત કરતાં પિતાએ તરત સંમતિ આપી દીધી હતી.
આણંદ જિલ્લામાંથી વહેતી મહી નદી પરથી બાળકીનું નામ ‘મહી’ રાખ્યું
બાળકીને ઉત્તર ભારતીય પિતા અને રાજસ્થાની માતા મળી ગઇ છે. આ દંપતીને દોઢ વર્ષનો પુત્ર ધૈવત હોવા છતાં મા વિનાની બાળકીને અપનાવી છે. આણંદ જિલ્લા ફરજ બજાવતા દંપતીએ અહીં વહેતી નદી ‘મહી’ પરથી પુત્રીનું નામ મહી રાખ્યું છે.


    comments powered by Disqus