આજથી લગભગ પાંચ હજાર વર્ષ પહેલા શ્રાવણ વદ ૭-૮ની મધરાતે મથુરાની જેલમાં માતા દેવકીજીની કૂખે શ્રી કૃષ્ણનું બાળસ્વરૂપ પ્રગટ થયું. પિતા વસુદેવજી બાળકૃષ્ણને કરંડિયામાં છૂપાવી, યમુના નદી પાર કરી ગોકુળ શ્રી નંદરાયજીને ત્યાં માતા યશોદાની સોડમાં મૂકી આવ્યા, અને યશોદા માતાને તરતની જન્મેલી બાળકી ‘યોગમાયા’ને કરંડિયામાં છૂપાવી સહિ-સલામત યમુના પાર કરી જેલમાં દેવકીજીની બાજુમાં સૂવાડી દીધી.
નંદરાય અને યશોદા ગોકુળના રાજારાણી હતા. ગોકુળની પ્રજાએ અત્યંત હર્ષોલ્લાસથી કૃષ્ણ જન્મોત્સવ ઉજવ્યો. ‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી’. કૃષ્ણને જન્મ આપનાર માતાપિતા દેવકીજી અને વસુદેવજી હતા અને તેમના પાલક માતા પિતા યશોદાજી અને નંદરાયજી હતા.
શ્રી કૃષ્ણે બાળપણ, કિશોરાવસ્થા અને યુવાવસ્થામાં અનેક લીલી કરી હતી. ગોપીઓના હૃદયમાં કૃષ્ણ માટે માતૃપ્રેમ,વાત્સલ્યભાવ વહેતો હતો તે કૃષ્ણ જાણતા હતા. તેથી ગોપીઓમાં રહેલી કૃષ્ણ પ્રત્યેની નિર્દોષ આસક્તિના આવરણ ખેંચી તેમને અનાસક્તિનો સત્યોપદેશ આપતા અને કુટુંબ પ્રત્યેન તેમની જવાબદારી તેમજ સાંસારિક અને વ્યવહારિક ફરજોનું ગોપીઓને ભાન કરાવતા.
શ્રી કૃષ્ણમાં રહેલી શક્તિ તે જ ‘રાધા’ છે. ‘રાધા શક્તિ બિના ન કોઈ શ્યામલ દર્શન પાવે’. માનવોમાં પણ એ રાધા શક્તિ રહેલી છે. એ શક્તિને જાગ્રત કરીએ કેળવીએ તો આ સૃષ્ટિમાં વિચરી રહેલા લીલા કરતા શ્યામસુંદરના દર્શન આંતરચક્ષુ દ્વારા અવશ્ય કરી શકાય અને તેની વેણુનો બંસરીનો મીઠો મધુર નાદ, સંગીત જે સમસ્ત વિશ્વમાં અવિરત ગૂંજે છે તે પણ સાંભળી શકાય.
યોગ્ય સમયે વિદ્યાર્થી કૃષ્ણ સાંદિપની ઋષિના આશ્રમમાં ગયા અને ત્યાં રહી વૈદિક શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. ત્યાં આશ્રમમાં એક ગરીબ બ્રાહ્મણ વિદ્યાર્થી સુદામા પણ અભ્યાસાર્થે આવેલા. સાંદિપની ઋષિના આ બન્ને શિષ્યો વચ્ચે ગાઢ મૈત્રી બંધાઈ અને બન્નેના જીવનપર્યંત ટકી રહી.
શ્રી કૃષ્ણ માનસશાસ્ત્રનું પણ ઉંડુ જ્ઞાન ધરાવતા હતા. સઘળા યોગ પર તેમનું અદભૂત, અલૌકિક પ્રભુત્વ હતું, તેથી તેઓ ‘યોગેશ્વર શ્રી કૃષ્ણ’ પણ કહેવાય છે. ભગવાન શ્રી કૃષ્ણ નિયમિત વૈદિક હવન – યજ્ઞ કરતા.
કુરુક્ષેત્રના મેદાનમાં કૌરવો અને પાંડવો વચ્ચે યુદ્ધ થયું ત્યારે શ્રી કૃષ્ણ તેમના પ્રિય સખા અર્જૂનના રથના સારથિ બન્યા. ધર્મ ખતરામાં હતો તેથી યુદ્ધ શરૂ થતાં પહેલાં શ્રી કૃષ્ણે અર્જૂનને ‘અધર્મનો ધ્વંસ,આતતાયીઓનો નાશ, સાધુ સંત અને સજ્જનોના રક્ષણ અને માનવધર્મની સ્થાપના માટે ધર્મયુદ્ધ કરવાની સત્પ્રેરણા આપી. એ યુદ્ધ સત્ય અને ન્યાય માટે હતું, તેથી જ પાંડવોને વિજય મળ્યો. યુદ્ધ શરૂ થતાં પહેલા તેમણે અર્જૂનને જે ધર્મોપદેશ આપ્યો હતો તે દૈવી આધ્યાત્મિક જ્ઞાન ‘ગીતા’ અને જે પુસ્તકમાં તે જ્ઞાન છપાય છે તે ‘શ્રીમદ ભગવદ ગીતા’ છે.
ભગવાન શ્રી કૃષ્ણ વિચક્ષણ, કુશાગ્ર, દીર્ઘદ્રષ્ટા, ચાણક્ય નીતિ ધરાવતા, નિષ્કામ, નિઃસ્વાર્થી અને શ્રેષ્ઠ મુત્સદ્દી હતા. તેમના જેવા પ્રખર રાજનીતિજ્ઞ મુત્સદ્દી થયા નથી અને થશે કે કેમ ? એ ચોક્કસપણે કહી શકાતું નથી. કદાચ ‘ન ભૂતો ન ભવિષ્યતિ’.
કુરુક્ષેત્રના યુદ્ધ બાદ શ્રી કૃષ્ણ દ્વારિકાના રાજા થયા હતા. એક પારધિના બાણથી ઘાયલ થઈે તેઓ સ્વર્ગવાસ પામેલ.
