સાથી હાથ બઢાનાઃ મોદીનો સંદેશ

Tuesday 20th August 2019 08:31 EDT
 

ભારતમાં અને ભારતની બહાર વસતા ભારતીયોએ હર્ષ અને ઉત્સાહ તથા ગર્વની લાગણી સાથે ૧૫ ઓગસ્ટે દેશના ૭૩મા સ્વાતંત્ર્યદિનની ઉજવણી કરી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી તિરંગો લહેરાવવાની સાથે નવા ભારતના સર્વાંગી વિકાસની પોતાની કલ્પના અને બહુલક્ષી યોજનાઓ જાહેર કરતું મનનીય સંબોધન કર્યું તે ખરેખર ‘સબ કા સાથ, સબ કા વિકાસ, સબ કા વિશ્વાસ’ મંત્રના પ્રણેતા ‘વિકાસપુરુષ’ તરીકે તેમની છબીને અનુરૂપ જ રહ્યું છે. વડા પ્રધાને સંબોધનમાં પોતાના બીજા શાસનકાળના પ્રથમ ૭૫ દિવસમાં તેમની સરકારે કરેલી અને આગામી કામગીરી વિશે વિશે જે બ્લુપ્રિન્ટ-રૂપરેખા આપી છે. આ માટે ‘સાથી હાથ બઢાના, એક અકેલા થક જાયેગા, મિલકર બોજ ઉઠાના’નો મંત્ર અપનાવવો પડશે.
વડા પ્રધાને પોતાની શાસનપદ્ધતિ વિશે કહ્યું કે ‘અમે સમસ્યાઓને પાળતા નથી, ટાળતા નથી અને તેના નિર્ણયમાં વિલંબ પણ કરતા નથી’ તેની સાથે કોઈ અસહમત થઈ શકે નહિ. વીતેલા ૭૦ વર્ષમાં સરકારો જે નથી કરી શકી તે આ સરકારના પ્રથમ ૭૦ દિવસમાં થઈ શક્યું છે. ભારતમાં હોવાં છતાં ન હોવા બરાબર જમ્મુ-કાશ્મીર રાજ્યને વિશેષ દરજ્જો આપતી બંધારણીય જોગવાઈ અનુચ્છેદ ૩૭૦ અને ૩૫-એને એકઝાટકે નાબૂદ કરવા સાથે ‘એક દેશ, એક બંધારણ’ની નીતિ અપનાવવાની હિંમત અત્યાર સુધી કોઈ વડા પ્રધાન કે સરકારે દર્શાવી નથી. જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ ૩૭૦ હટાવીને સરકારે ‘લોહપુરુષ’ સરદાર પટેલના સ્વપ્ન તેમજ સમગ્ર દેશવાસીઓની આકાંક્ષા પરિપૂર્ણ કરી છે.
વડા પ્રધાન મોદીએ દર વર્ષે લાલ કિલ્લા પરથી અતિ મહત્વના અને હિતપ્રદ વિચારોની સાથે સરકારની પ્રાથમિકતાઓ વિશે વાત કરી છે. તેમણે અગાઉ, સ્વચ્છ ભારત, સ્ટાર્ટ અપ ઈન્ડિયા અને આયુષ્યમાન ભારત મિશનો લોન્ચ કર્યા છે. આ વર્ષે પણ તેમના સંબોધનમાં ગરીબીનાબૂદી, વસતિ વિસ્ફોટ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણ, પાંચ ટ્રિલિયન ડોલર ઈકોનોમી સહિત અર્થતંત્રમાં વિકાસ તેમજ વિજ્ઞાન સહિત વિવિધ મુદ્દાનો સમાવેશ થયો છે. સમગ્ર વિશ્વમાં ક્લાઈમેટ ચેન્જ ઝૂંબેશમાં પ્લાસ્ટિકના વપરાશને ઘટાડવા પર ભાર અપાય છે. મોદીએ પણ દેશને પ્લાસ્ટિકમુક્ત કરવા પર ભાર મૂક્યો છે. દેશના નાગરિકોની સાથે જ દુકાનદારો પણ પ્લાસ્ટિકમાંથી મુક્તિ અપાવવા અને ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવાની દિશામાં અસરકારક યોગદાન આપી શકે તેનું મહત્ત્વ તેમણે પારખ્યું છે. ખેડૂતોને રાસાયણિક ખાતરનો ઓછો વપરાશ કરવાની અપીલ દેશની ભૂમિના તેમ જ લોકોનાં સ્વાસ્થ્ય જળવાય તે દિશાનું કદમ છે. આ સાથે મેક ઈન ઈન્ડિયા મિશનમાં સ્થાનિક ઉત્પાદનોની ખરીદ પર ભાર મૂકવાથી લઘુ ઉદ્યોગોને બળ મળશે અને દેશની ઈકોનોમીમાં પણ આ પ્રાથમિકતા મદદરૂપ સાબિત થશે.
સ્વાતંત્ર્ય દિને તેમણે પોતાના માનીતા વિષયો વ્યાપારઉદ્યોગ કરવામાં સરળતા, જીવન જીવવામાં સરળતા, ડિજિટલ ઈન્ડિયા અને દેશના અર્થતંત્રના વિકાસની વાત તો કરી જ છે. દેશમાં જે લોકો સંપત્તિનું સર્જન કરે છે તેમને શંકાની નજરે નહિ નિહાળવાનો સંદેશ પણ તેમણે પાઠવ્યો છે. આ સાથે વસ્તી નિયંત્રણની વાતો થતી જ રહે છે ત્યારે દેશની ભાવિ પેઢીઓને નુકસાન કરતા વસ્તી વિસ્ફોટને રોકવા માટે સામાજિક જાગૃતિની આવશ્યકતાની વાત કરી છે. વિકાસ માટે પ્રાકૃતિક અને કૃત્રિમ સ્રોતોનો ઉપયોગ થતો રહે છે, પરંતુ વધુ વસ્તી આ સ્રોતોનો નાશ કરે છે અને વિકાસના ફળ તમામ સુધી પહોંચી શકતા નથી તે સમજવાની જરૂર છે.
ભારતને ગ્લોબલ બેન્ચમાર્કની તરફ લઈ જવા માટે આાપણે આધુનિક ઈન્ફ્રાસ્ટ્રકચર માટે આ પાંચ વર્ષમાં ૧૦૦ લાખ કરોડ રૂપિયા રોકવાની વાત પણ તેમણે ઉઠાવી છે.
ભારતીય સેનાની ત્રણે પાંખને વધુ અસરકારક બનાવવા એક પ્રભાવશાળી નેતૃત્વની જરૂર હોવાથી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફનું પદ ઉભું કરવાની જાહેરાત પણ યોગ્ય દિશાનું પગલું છે.
તેમણે દેશમાં પર્યટનના વિકાસને પણ મહત્ત્વ આપ્યું છે. માત્ર થોડાં વિદેશીઓ ભારતની મુલાકાત લે અને દેશવાસીઓને પોતાની સાંસ્કૃતિક ધરોહરની કદર જ ન હોય તે કેમ ચાલે? તેમણે પાંચ વર્ષમાં દેશના પરિવારોને બાળકો સાથે ભારતના ઓછામાં ઓછાં ૧૫ પર્યટન સ્થળોની મુલાકાત લેવાં કરેલો અનુરોધ ‘ચેરિટી બીગિન્સ એટ હોમ’ સમાન ગણી શકાય. વડા પ્રધાન વિચારો, કલ્પના, દૂરદૃષ્ટિ, હાકલ અને હિમાયત કરે અને તે સંબંધિત પગલાં ઉઠાવે તે આવશ્યક છે તો સાથોસાથ ભારતના નાગરિક પણ તેમને સાથ-સહકાર આપી ‘નૂતન ભારત’ના સ્વપ્નને પૂર્ણતા તરફ લઈ જાય તે પણ જરૂરી છે.