૧૫ ઓગસ્ટને ગુરુવારે ભારતીય ડાયસ્પોરાએ એકત્ર થઈને સ્વીન્ડન હિંદુ ટેમ્પલ એન્ડ કલ્ચરલ સેન્ટર ખાતે ભારતના ૭૩મા સ્વાતંત્ર્ય દિનની ઉત્સાહપૂર્વક ઉજવણી કરી હતી. ધ્વજવંદન, સાંસ્કૃતિક કાર્યક્રમ, આર્ટ કોમ્પિટીશન અને ડિનર સાથેના આ કાર્યક્રમમાં અંદાજે ૫૦૦ લોકો એ ભાગ લીધો હતો.
સંસ્થાના ચેરમેન પ્રદીપ ભારદ્વાજ દ્વારા ધ્વજવંદન સાથે સ્વાતંત્ર્યદિનની ઉજવણીનો પ્રારંભ થયો હતો. બાદમાં રાષ્ટ્રગીતનું ગાન કરાયું હતું. શ્રી ભારદ્વાજે જણાવ્યું હતું કે માત્ર ભારતમાં જ આપણે ગર્વ અનુભવીએ છીએ તેમ નહીં પરંતુ, જ્યાં પણ વસતા હોઈએ છીએ ત્યાં દરરોજ આપણા કાર્ય અને યોગદાનથી આપણે ભારતનું ગૌરવ વધારીએ છીએ.
યુવાનો અને વડીલોએ ગીતો, નૃત્ય સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો. બાળકો અને યુવાનોએ રજૂ કરેલા સાંસ્કૃતિક કાર્યક્રમથી ‘વૈવિધ્યમાં એકતા’નો જુસ્સો જોવા મળ્યો હતો. તમામ કોમ્યુનિટીઝનું પ્રતિનિધિત્વ કરતાં ગીતો અને નૃત્યોમાં ભારતની સમૃદ્ધ સંસ્કૃતિની ઝલક જોવા મળી હતી. સંસ્થા દ્વારા ‘ભારત – વોટ ડુ આઈ લાઈક મોસ્ટ અબાઉટ’ વિષય પર આયોજીત આર્ટ કોમ્પિટીશનમાં ૪૫ બાળકોએ ભાગ લીધો હતો. સ્પર્ધાના નિર્ણાયકોએ જણાવ્યું હતું કે તમામ કૃતિઓ ખૂબ સુંદર હતી અને તેમાંથી થોડાક વિજેતા પસંદ કરવાનું કાર્ય કપરું હતું. દસ વિજેતાઓને સર્ટિફિકેટ અને ઈનામ અપાયા હતા.
આ કાર્યક્રમને મળેલી સફળતા બદલ ઈવેન્ટ કો-ઓર્ડિનેટર આશિષ ચન્નાવારે ટ્રસ્ટીઓ અને કમિટી સભ્યોનો આભાર માન્યો હતો. તેમણે પ્રિયા અને આશુતોષ સિંઘલ, પૂનમ મનોચા, પ્રિયા માને, બંસરી લાલન, જ્યોતિ બંસલ, અપેક્ષા પટેલ, રજની, કાજલ, કવિતા સુરેશ, સંજીવ દાસ, શ્વેતા અને સત્યેન્દ્ર ગુપ્તા, ધીરજ ગૂટા, નંદિની સિંઘ, હર્ષવર્ધન સિંઘ, જતીન સૂરી, રાજા બેનરજી, ગગન ગાંધી, અતુલ પટેલ, ચિંતન શાહ, અરિંદમ રોય ચૌધરી, ડો. કુમાર નાયક, સની પટેલ, સુધા શ્રી અને અન્ય વોલન્ટિયરો સહિત ઈવેન્ટ ટીમનો પણ આભાર માન્યો હતો.
કાર્યક્રમના અંતે સૌએ સ્વાદિષ્ટ ભારતીય ભોજન લીધું હતું.