અમેરિકાની ‘સાઈબર ઈમર્જન્સી’થી ચીન છંછેડાયું

Tuesday 21st May 2019 15:09 EDT
 

પોતાના હિતોની મજબુતાઈથી રખેવાળી કરતા અમેરિકાએ તેના કોમ્યુનિકેશન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કોમ્પ્યુટર નેટવર્ક્સને બચાવવા ‘નેશનલ સાઈબર ઈમર્જન્સી’ જાહેર કરીને સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે, પરંતુ સૌથી વધુ તો ચીનના પેટમાં ગરમ તેલ રેડાયું છે. ચીન સાથે ટ્રેડ વોર પછી આ સાઈબર વોર ચાલુ થઈ છે જેમાં મૂળ તો બિઝનેસમેન એવા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સાઈબર અને ઈલેક્ટ્રોનિક ટેકનોલોજીમાં ચીનના વધતા પ્રભાવને ખાળવા જ આ પગલું લીધું છે. દેખીતી રીતે જ પ્રભુત્વશાળી અમેરિકન ટેકનોલોજીને વિદેશી શત્રુ કંપનીઓથી બચાવવા આ પગલું લેવાયું હોવાનું ટ્રમ્પ કહે છે. તેમણે ચોક્કસ કંપનીનો ઉલ્લેખ કર્યો નથી, પરંતુ તેમના નિશાના પર ચીનની ટેલિકોમ જાયન્ટ હુઆવેઈ કંપની છે. ટ્રમ્પના એક્ઝિક્યુટિવ ઓર્ડર પછી કોઇ પણ અમેરિકન કંપની દેશની ટેકનોલોજીને જોખમમાં મૂકવાની આશંકા ધરાવતી વિદેશી ટેલિકોમ કંપનીઓના ઉપકરણોનો ઉપયોગ નહિ કરી શકે. બ્યુરો ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ સિક્યુરિટી પાસેથી લાયસન્સ મેળવીને જ યુએસ કંપનીઓ ટેકનોલોજીની ખરીદ, વેચાણ કે ટ્રાન્સફર કરી શકશે. ચીને હુઆવેઈ સામેના પ્રતિબંધને આંતરરાષ્ટ્રીય વેપાર પર અંકુશનું પગલું ગણાવી અમેરિકાને વળતા પ્રહારની ધમકી પણ આપી છે.
ચીન તેની હુઆવેઈ કંપનીની પ્રોડક્ટ્સનો ઉપયોગ વપરાશકારોની જાસૂસી માટે કરતું હોવાની આશંકા અમેરિકા સહિત કેટલાક દેશ વ્યક્ત કરી ચૂક્યા છે. હુઆવેઈ વિશ્વમાં ઝડપથી વિસ્તરતી 5G ટેકનોલોજીમાં સૌથી આગળ ગણાય છે. અમેરિકાએ સાથી દેશોને પણ હુઆવેઈની 5G ટેકનોલોજી નેટવર્કનો ઉપયોગ નહિ કરવા સલાહ આપી છે. હુઆવેઈ સામે ઉહાપોહના પગલે ઓસ્ટ્રેલિયા અને ન્યૂ ઝીલેન્ડે પણ પ્રતિબંધો લાદ્યા છે. ફ્રાન્સ, જર્મની અને બેલ્જિયમે હુઆવેઈ ટેકનોલોજી પર પ્રતિબંધ મૂક્યો નથી જ્યારે જાપાને સરકારી કોન્ટ્રાક્ટ્સ પ્રતિબંધિત કર્યા છે. બ્રિટિશ સરકાર કેબિનેટમાં ભારે વિરોધ છતાં હુઆવેઈ સાથે કરારમાં આગળ વધી છે. હવે તેની સામે પ્રતિબંધ લદાય તેવી શક્યતા છે. ભારત પણ આ દિશામાં વિચારી શકે છે.
ચીનની કંપનીઓ સસ્તા ઉપકરણો આપીને બજારમાં પગપેસારો કરે છે અને પછી વર્ચસ જમાવે છે. આનો કડવો અનુભવ ઓસ્ટ્રેલિયાને થયો છે. ઓસ્ટ્રેલિયાએ હુઆવેઈ પર પ્રતિબંધ મૂક્યો ત્યારે કંપનીએ સામી દલીલ કરી હતી કે હુઆવેઈ દેશની સૌથી વિશાળ વાયરલેસ ટેકનોલોજી પ્રોવાઈડર છે અને અડધાથી વધુ ઓસ્ટ્રેલિયા કોમ્યુનિકેશન માટે તેના પર નભે છે. ચીન પોતાની કંપનીઓ દ્વારા અન્ય દેશોને પાંગળા બનાવી તેમનો ફાયદો ઉઠાવે છે. ચીનની વેપારી નીતિ તેની ‘વન બેલ્ટ વન રોડ’ યોજનામાં પણ છતી થાય છે. પાકિસ્તાન, શ્રી લંકા, લાઓસ, મલેશિયા સહિત જે દેશોની આર્થિક સ્થિતિ ખરાબ હોય તેને ચીન લાંબા ગાળાની લોન આપે છે. શ્રીલંકા આર્થિક મુશ્કેલીનાં કારણે પોતાનો હમ્બનટોટા ટાપુ ચીનને સોંપી ચૂક્યું છે. આમ તે દેશો ચીનના કરજના દેવામાં ડૂબી ચીનના ખંડિયા બની જાય છે અને ચીન મનમાની કરતું રહે છે.
હુઆવેઈએ બચાવમાં કહ્યું છે કે તે ચીન સરકારના નિયંત્રણ હેઠળ નથી કે તેના વતી જાસૂસી કરતી નથી. હવે આ દલીલ તો સાચી નથી જ કે કોઈ ચીનની કંપની ત્યાંની સરકારના નિયંત્રણ હેઠળ ન હોય. આમ છતાં, હુઆવેઈએ સંબંધિત દેશો સાથે ‘નો સ્પાય, નો બેકડોર સ્ટાન્ડર્ડ’ કરાર કરવાની આશ્ચર્યજનક તૈયારી દર્શાવી છે.


comments powered by Disqus