BAPS ના વડા પૂ. મહંત સ્વામી હાલ નડિયાદમાં વિચરણ કરી રહ્યા છે. અગાઉ સુરતમાં વિચરણ દરમિયાન ૧૪મી મેએ પૂ. મહંત સ્વામીની નિશ્રામાં સુરત યુવા તાલીમ કેન્દ્રનો પદવીદાન સમારોહ યોજાયો હતો. વિદ્યાર્થીઓએ કેન્દ્રમાં કેવું ભણતર અપાય છે તેનું સંવાદ અને વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા નિદર્શન કર્યું હતું. આશીર્વચન પાઠવતા પૂ. મહંત સ્વામીએ કહ્યું હતું, ‘ અક્ષર પુરુષોત્તમની નિષ્ઠામાં બધું જ આવી ગયું.’ ૧૬મીએ પૂ. મહંત સ્વામી સુરતથી નડિયાદ પધાર્યા હતા. તેમણે નડિયાદ નજીક યોગીફાર્મમાં ઉતારો કર્યો છે. નડિયાદમાં બીએપીએસ છાત્રાલય આવેલું છે. તેને અનુલક્ષીને ૧૮મીએ છાત્રાલય દિનની ઉજવણી કરવામાં આવી હતી. તેમાં વિદ્યાર્થીઓએ છાત્રાલયમાં રહેનાર યુવકમાં કેવા સદગુણો હોય અને ત્યાં ન રહેતા યુવાનમાં કેટલાં દૂષણો હોય તેનું સંવાદ અને અન્ય પ્રકારે નિદર્શન કર્યું હતું. આશીર્વચનમાં પૂ. મહંત સ્વામીએ વિદ્યાર્થીઓ માટે કહ્યું, ‘ મોજમજા કરે તો પાછળથી ટલ્લા થાય અને તમે બધા સત્સંગી થયા તો અંતરમાં શાંતિ રહે.’તા.૧૯ને રવિવારે પૂ. મહંત સ્વામી સંતરામ મંદિર પધાર્યા હતા. તેઓ મંદિરના વર્તમાન ગાદીપતિ પૂ. રામદાસજી મહારાજને મળ્યા હતા અને બન્ને વચ્ચે વાર્તાલાપ થયો હતો. ૧૯મીની સાયંસભામાં આજ્ઞાદિન ઉજવાયો હતો. તેમાં સત્સંગીઓ અને યુવાનો સ્વામીની આજ્ઞા કેવી રીતે પાળે છે તેની વાત કરવામાં આવી હતી. ભૂતપૂર્વ વડા પ્રધાન ગુલઝારીલાલ નંદા સ્વામીનારાયણ ધર્મના સત્સંગી હતા અને તેમણે કેવી દ્રઢતાથી આજ્ઞાઓ પાળી હતી તેની રજૂઆત તેમના જીવનના પ્રસંગો દ્વારા કરાઈ હતી. નડિયાદમાં મોટી સંખ્યામાં હરિભક્તો પૂ. મહંત સ્વામીના સમીપ દર્શન અને આશીર્વાદનો લાભ લઈ રહ્યા છે. તે ઉપરાંત, સવારની પૂજાનો પણ હરિભક્તો લ્હાવો લઈ રહ્યા છે. પૂ. મહંત સ્વામી ૨૪મીએ નડિયાદથી સારંગપુર જવા પ્રસ્થાન કરશે.

