નીસડન ટેમ્પલ ખાતે બે દિવસીય રાષ્ટ્રીય પેરેન્ટીંગ સેમીનાર યોજાયો

Wednesday 22nd May 2019 06:11 EDT
 
 

ભારતથી પધારેલા વિદ્વાન સ્વામી પૂ. ડોક્ટરસ્વામી તેમજ અન્ય વરિષ્ઠ સંતોની ઉપસ્થિતિમાં બીએપીએ સ્વામીનારાયણ મંદિર, લંડન ખાતે ૧૭ અને ૧૮મેએ બે દિવસીય રાષ્ટ્રીય પેરેન્ટીંગ સેમીનારનું આયોજન કરાયું હતું. તેમાં ઘરમાં સંપ દ્વારા બાળકોના અસરકારક પાલનપોષણ પર ભાર મૂકવામાં આવ્યો હતો. ઘણાં પરિવારોના સભ્યોના નિવેદનો, વીડિયો પ્રેઝન્ટેશન, સંતો- સ્વામીના પ્રવચનો અને પેનલ ડિસ્કશન દ્વારા તેની સમજ અપાઈ હતી.

શુક્રવારના સત્રમાં હાલના સમયમાં ઘણાં માતા-પિતાને વ્યવસાયિક અને પારિવારિક જીવન વચ્ચે સંતુલન જાળવવામાં જે તકલીફો પડે છે તેના નિરાકરણ વિશે ચર્ચા થઈ હતી. પોતાની કારકિર્દી અને બિઝનેસનું બલિદાન આપીને બાળકોના ઉછેર માટે સમય કાઢતા માતા-પિતાએ તેમને થયેલા સકારાત્મક લાભની વાત કરી હતી.

સ્વામીઓએ આપેલા પ્રવચનમાં બાળકોને આધ્યાત્મિકતા દ્વારા તથા પરિવાર સાથે સમય

વીતાવવાથી મળેલા આનંદના કેટલાંક ખાસ સ્રોતની માહિતી મળી હતી. રોજિંદી ભક્તિમાં તેમજ પારિવારિક પ્રવૃત્તિઓમાં સાથે ભાગ લેવાથી માતા-પિતા અને બાળકો વચ્ચે જે બંધન રચાય છે તે વિશે કરેલા નિરીક્ષણની પણ તેમણે વાત કરી હતી.

પેનલ ડિસ્કશનમાં પણ પરસ્પર વાતચીત, સમજ અને આદરભાવની પ્રશંસા કરતા અંગત નિવેદનો સાથે બાળકો સાથે વીતાવેલા શ્રેષ્ઠ સમયના મહત્ત્વની વાત પર ભાર મૂકાયો હતો.

ડોક્ટર સ્વામીએ ઉપસ્થિત માતા-પિતાને બાળકોમાં જન્મથી જ મૂલ્યો અને આદર્શ સિદ્ધાંતોનું સિંચન કરવા પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. તેમણે ઘરે થતી આધ્યાત્મિક પ્રવૃત્તિમાં બાળકો ભાગ લેતા થાય તેના પર ભાર મૂક્યો હતો.

સેમિનારના બીજા દિવસે, શનિવારે ઘરસભાના અભિગમ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરાયું હતું. ઘરસભામાં પરિવારના સભ્યો આધ્યાત્મિક બાબતોની ચર્ચા કરવા અને એકબીજાના રોજીંદા જીવનમાં કોઈ નવી વાત હોય તો તે કરવા માટે ભેગાં થાય છે.

સ્વામીઓએ અત્યારના સમાજમાં માતા-પિતા અને બાળકોને એકબીજા સાથે વાતચીતમાં જે મુશ્કેલી પડે છે તે વિશે તેમજ ઘરસભા દ્વારા માતા-પિતા અને બાળકો એકબીજાની આધ્યાત્મિક, શારીરિક અને લાગણીકીય જરૂરિયાતોને સારી રીતે સમજી શકે તેના ઉપાયોની વાત કરી હતી.

સ્વામીએ સીતાજી, લક્ષ્મણ અને ભરતે આપેલા બલિદાનના ઉદાહરણોને પારિવારિક સંપ માટે આદર્શ ગણાવીને રામાયણના ઉપદેશો વિશે પણ ધ્યાન દોર્યું હતું. પેનલ ડિસ્કશનમાં ઘરસભાથી થતાં લાભ અને આ સભાઓને કેવી રીતે વધુ અસરકારક બનાવી શકાય તે વિશે માર્ગદર્શન અપાયું હતું. માતાઓ, પત્નીઓ અને પૂત્રવધુઓએ પોતાના અનુભવો વર્ણવ્યા હતા.

ડોક્ટર સ્વામીએ સભાને સંબોધતા બાળકો, માતા-પિતા અને દાદા-દાદી વચ્ચેના બંધનના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે વડીલોએ યુવા પેઢીની જરૂરિયાતો અને અપેક્ષાઓની વાત સહાનુભૂતિપૂર્વક સાંભળવી જોઈએ.


comments powered by Disqus