પૂજ્ય રામબાપાનાં ધર્મપત્ની પૂજ્ય કાન્તાબા શ્રીજીચરણ પામ્યા

Wednesday 22nd May 2019 06:14 EDT
 
 

બ્રિટન સહિત દેશવિદેશમાં સનાતન ધર્મની સેવા, સંસ્કૃતિ અને સંસ્કાર ધબકતા રાખનાર શ્રી હનુમાનજીના પરમ ઉપાસક પૂજ્ય રામબાપા જેઓએ શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાનો અખંડ યજ્ઞ ચાલુ રાખ્યો છે એમના ધર્મપત્ની પૂજ્ય કાન્તાબેન ભીમજીયાણીએ ૯૩ વર્ષની વયે શુક્રવારે તા. ૭ મેના રોજ શ્રીજી ચરણ લઇ લીધું છે. ભારતથી પધારતા સાધુ-સંતો, મહાત્માઓએ પૂ. રામબાપાને ઘરે કાન્તાબાનું સ્નેહસભર આતિથ્ય માણ્યું છે. એમના સમાચાર દેશવિદેશમાં પ્રસરી જતાં ભારતથી પૂજ્ય મોરારીબાપુ સહિત અનેક સાધુ-સંતોએ પૂ. રામબાપાને ફોન કર્યા હતા.

સોમવારે (૨૦ મે) સાંજે સાઉથ હેરોના ધામેચા લોહાણા હોલમાં પૂ. રામબાપા પરિવાર તરફથી પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લગભગ ૮૦૦થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. પૂ.રામબાપા અને પૂજ્ય કાન્તાબાના ૧૩ ગ્રાન્ડ ચિલ્ડ્રને સુમધુર કંઠે ભજનો અને ધૂન પ્રસ્તુત કર્યા હતાં. રામબાપાના દીકરી ભારતીબેન કંટારીઆના દીકરા આનંદભાઇ જેઓ યુનાઇટેડ નેશન સાથે કાર્યરત છે તેમના નેતૃત્વ હેઠળ પૌત્ર-પૌત્રીઓએ સુંદર ધૂન-ભજનો રજૂ કર્યાં હતા. પૂ. રામબાપાએ ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે, આજની આ સભા એ શોકસભા નથી પણ આ મોક્ષસભા છે. આત્મા એ જ પરમઆત્મા છે. અંતિમ ઘડી સુધી ચેતન રહેલાં મારાં ધર્મપત્નીએ શ્રીનાથજીના શરણે જવા બે વખત મારી સમક્ષ રજા લીધી. ખરેખર એ જીવઆત્માનો મોક્ષ થયો છે. પૂ. મોરારીબાપુએ ફોન પર કહ્યું કે, તમારે ઘરે બાનું મેં ભાવસભર આતિથ્ય માણ્યું છે, મારાં પૂજ્ય બા ખરેખર શ્રીનાથજીના શરણમાં ગયાં છે.

પૂ. રામબાપાના દીકરા શ્રી અનિલભાઇએ જણાવ્યું કે, "અમારાં બા ખૂબ જ નિખાલસ, સેવાપરાયણ હતાં. અમે નવ ભાઇ-બહેનને ખૂબ સ્નેહપૂર્વક સંસ્કાર સિંચન કરી ઉછેર્યાં છે અને પૂ. રામબાપાનો પડ્યો બોલ ઝીલીને સાધુ-સંતોની ખૂબ સેવા-સરભરા કરી છે. હેમ્પસ્ટેડ રોયલ ફ્રી હોસ્પિટલમાં અમારો સમગ્ર પરિવાર હાજર હતો અને સૌના નામ બોલી ઓળખ્યાં હતા અને મુખમાં ગંગાજળ લીધું હતું. એ પછી પૂ. રામબાપા આવ્યા ત્યારે એમની પાસે વિદાય લેવાની રજા માગી હતી. પૂ.રામબાપાએ ગંગાજળ આપી કાન્તાબાના પૂણ્યાત્માને પરમ તત્વ તરફ પ્રયાણ કરવા રજા આપી હતી.

કાન્તાબાના પાર્થિવદેહની અંતિમક્રિયા ગુરૂવાર, ૨૩ મેના રોજ બપોરે ૪.૦૦ વાગ્યે ગોલ્ડર્સગ્રીન ક્રિમેટોરીયમ ખાતે કરવામાં આવશે.


comments powered by Disqus