પ્રજા-પ્રશાસનનો સુમેળ થાય તો સોનામાં સુગંધ ભળે

તુષાર જોષી Wednesday 22nd May 2019 10:33 EDT
 

‘ડેડી, આ સમાચાર આજના અખબારમાં સૌથી મહત્ત્વના છે. લ્યો તમે વાંચો અને જ્યાં જ્યાં તમે જાવ ત્યાં ત્યાં તેનો ફેલાવો કરજો.’ પ્રાચીએ ડેડીને કહ્યું. ડેડીએ સમાચાર પર ધ્યાન આપ્યું. તેનો સાર એ હતો કે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પોલીસ તંત્રના સહકારથી નૂતન અભિયાન શરૂ થયું છે. જેમાં જાહેર માર્ગો, ફૂટપાથ કે જાહેર સ્થળે થૂંકનારા લોકો સામે દંડાત્મક કાર્યવાહી શરૂ થઈ છે. આવા લોકોને દંડ કરાઇ રહ્યો છે. પ્રાચીને કેમ સમાચારમાં રસ પડ્યો?
પ્રાચીનો ઉછેર એવા પરિવારમાં થયો હતો જ્યાં અધિકાર તથા લાભો મેળવવાની સાથે સાથે જવાબદારીનું વહન કરવાની વિચારધારા અનુસાર જીવન જીવાતું હતું. વાહન પાર્ક કરવાનું હોય, બાલ્કની સાફ કરવાની હોય કે સમૂહમાં બહાર જવાનું હોય, સામેના માણસની સંવેદનાનો પહેલા વિચાર થતો એટલે એને જાહેર સ્થળો - જાહેર સભાઓ - જાહેર કાર્યક્રમો વગેરે જગ્યાએ લોકો દ્વારા આચરવામાં આવતી અવ્યવસ્થા - ગંદકી - બેજવાબદારી જરા પણ ગમતાં નહીં.
એક વાર એ બજારમાં ગઈ હતી, ડેડી સાથે. પ્રાઈમરી સ્કૂલમાં ભણતી હતી. કોઈએ રસ્તા પર કચરો ફેંક્યો. બાજુમાં જ મહાનગરપાલિકા દ્વારા અપાયેલું ડસ્ટબીન પડ્યું હતું. છતાં પેલા દુકાનદારે રોડ-ફૂટપાથ પર કચરો નાંખ્યો હતો. પ્રાચી આ દૃશ્ય જોઈ રહી. ડેડીના થેલામાંથી કાગળ-પેન લીધા. સ્કૂલમાં એને શીખવવામાં આવેલો એક સંસ્કૃત મંત્ર તેના પર લખ્યોઃ

સમુદ્ર વસને દેવી, પર્વત સ્તન મંડલે
વિષ્ણુ પત્ની નમસ્તુભ્ય, પાદસ્મર્શમ ક્ષમસ્વ મે

અને પછી લખ્યું, ‘અંકલ, આ શ્લોક સ્કૂલમાં તમે પણ ભણ્યા હશો. એમાં પૃથ્વીને દેવી સ્વરૂપે પૂજવામાં આવી છે અને કહેવાયું છે કે મારા પગથી હું આપને સ્પર્શ કરું છું તો મને ક્ષમા કરજો... એટલે તમે આમ પૃથ્વી માતા પર કચરો નાંખો એ સારું કહેવાય? જ્યારે જ્યારે આમ કરવાનો પ્રસંગ આવે ત્યારે આ શ્લોક વાંચશો તો તમારી દુકાનનું આંગણું સ્વચ્છ રહેશે.’ અને હિંમતભેર આ ચિઠ્ઠી દુકાનદારને આપી પણ આવી.
વાત પણ સાચી છે. બ્રહ્મ વૈવર્તક પુરાણો સહિત અનેક ગ્રંથોમાં પૃથ્વીના પૂજનનું વર્ણન કરાયું છે. ૐ હ્રીં શ્રીં વસુધાયૈ નમઃ આ મંત્ર ગવાતો આવ્યો છે આપણે ત્યાં. એટલે જ પૃથ્વીને સ્વચ્છ રાખવાની ભાવના એ માટેનો પ્રયાસ જરૂરી છે. પ્રાચીએ ઘરે આવીને મમ્મી સમક્ષ આ વાત રજૂ કરીને ઉમેર્યું કે, ‘મને એ જ સમજાતું નથી કે ભણેલા-ગણેલા લોકો ધાર્મિક આસ્થા ને શ્રદ્ધાવાળા લોકો દેવમંદિરોમાં દર્શને જાય ત્યારે, યાત્રા કરે ત્યારે એ જગ્યાની પવિત્રતા જાળવવાની જવાબદારી કેમ લેતા નથી? એનો પ્રશ્ન સાચો હતો અને આખરે મમ્મીએ એટલું જ કહેવું પડ્યું કે, ‘બેટા, આપણે ગામઆખાને સમજાવવા ક્યાં જવાના? આપણે આવું ન કરવું...’
પ્રશ્ન પેચીદો છે, પણ એના ઉકેલની દિશામાં વિચારવું એટલું જ જરૂરી છે. મોંઘીદાટી ગાડીઓ ફરફરાટ માર્ગો પર દોડતી હોય, ચાર રસ્તે ઊભી હોય ત્યારે એના બારણાં ખોલીને માવા, પાન કે પડીકીનો રસો કે મસાલો રોડ પર પાથરનારા લોકો આપણે જોયા જ છે. જ્યાં ને ત્યાં જાહેર સ્થળોએ પાનની પિચકારીઓ મારનારાઓએ દેશની અનેક દીવાલોને બેહુદી અને ગંદી કરી મુકી છે. આ આદતો સુધારવી પડશે તો જ સ્વચ્છતા - સુંદરતા જળવાશે. માણસની બાજુમાં માંડ બે ફૂટ દૂર ડસ્ટબીન હોય, પરંતુ ત્યાં સુધી જવાના બદલે હાથમાં રહેલો કચરો ત્યાં જ નીચે નાંખશે. આવા લોકો સામે દંડાત્મક અને શિક્ષાત્મક કાર્યવાહી શરૂ થઈ છે એવા સમયે પ્રશાસનની પણ એ જવાબદારી બની રહે છે કે સ્વચ્છતા માટે જરૂરી સુવિધા-સાધનોનો વ્યાપ વધારવો પડશે.
પ્રશાસન અને પ્રજા બંનેના સુમેળથી સ્વચ્છતાનું વાતાવરણ આપણી આસપાસ સર્જાશે ત્યારે એમાં સમજણના દીવડાનો-શિસ્તના તેલનો ફાળો હશે અને આવા, સારી આદતો કેળવવાના પ્રસંગો દ્વારા જ સ્વચ્છતાનો ઊજાસ આપણી આસપાસ રેલાશે, અજવાળાં પથરાશે.


comments powered by Disqus