લોકસભા મહાસંગ્રામના સમાપન પછી વિજયના પ્રથમ જશ્નની તક મળતી હોય તો તે એક્ઝિટ પોલ્સની જાહેરાતોના કારણે છે. મોટા ભાગના એક્ઝિટ પોલમાં ભાજપના ગઠબંધન એનડીએને બહુમતી મળતી હોવાનું અને નરેન્દ્ર મોદીની સરકાર ફરી પાંચ વર્ષ સુધી શાસન કરશે તેમ દર્શાવાયું છે. કેટલાંક પોલ્સમાં તો નરેન્દ્ર મોદી અને અમિત શાહની જુગલબંદી ભાજપને એકલા હાથે સત્તાની વૈતરણી પાર કરાવશે તેવો વર્તારો પણ કરાયો છે. ભાજપ કોંગ્રેસશાસિત મધ્ય પ્રદેશ અને રાજસ્થાન તેમજ પશ્ચિમ બંગાળમાં મમતાદીદીના ગઢમાં ગાબડાં પાડી રહ્યો હોવાનું તેમજ ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં પણ સારી બેઠકો મેળવશે તેવો વર્તારો કરાયો છે. બીજી તરફ, યુપીએ અને કોંગ્રેસની સ્થિતિ જરા પણ નહિ સુધરે તેમ પણ દર્શાવાયું છે.
ભાજપના ખુદના એક્ઝિટ પોલમાં પક્ષને ૨૭૯થી ૩૦૮ બેઠકો મળવાનો અંદાજ છે તો કોંગ્રેસના આંતરિક સર્વે મુજબ એનડીએને ૨૦૦થી ઓછી બેઠકો મળશે. બંને મુખ્ય પક્ષો સત્તા હાથ કરવા પ્રાદેશિક પક્ષોનો સાથ મેળવવાની રણનીતિ પર કામ કરી રહ્યા છે. ભાજપને બહુમતીના સંકેતો છતાં કોઈ જોખમ ઉઠાવવા નહિ માગતા અમિત શાહે ઓડિશાના નવીન પટનાયક, ટીઆરએસના રાવ અને વાયએસઆર કોંગ્રેસના જગનમોહનને એનડીએમાં સામેલ કરવા નજર દોડાવી છે.
બીજી તરફ, કોંગ્રેસના સોનિયા ગાંધી અને પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ તેમજ આંધ્રના ચંદ્રાબાબુ નાયડુ, પશ્ચિમ બંગાળના ફાયરબ્રાન્ડ મમતાદીદી, ઉત્તર પ્રદેશના માયાવતી અને અખિલેશ યાદવ પણ સક્રિય બની ગયા છે. જોકે, માયાવતીની વડા પ્રધાન બનવાની હઠ વિપક્ષના પ્રયાસોમાં ફાચર પાડી શકે છે.
સ્વાભાવિક રીતે કોંગ્રેસના યુપીએ ગઠબંધન, સપા-બસપાના મહાગઠબંધન તેમજ મમતા બેનરજી, ચંદ્રાબાબુ નાયડુ, અરવિંદ કેજરીવાલ સહિતના નેતાગણે એક્ઝિટ પોલના ‘ગોસિપ’ કે વર્તારાની વિશ્વસનીયતા પર શંકા વ્યક્ત કરી છે અને હંમેશાંની માફક ઈવીએમ પર સવાલ ઉઠાવ્યા છે. ચૂંટણી કોઈ પણ જીતે કે હારે, બિચારા ઈવીએમનો ખો નીકળી જાય છે. પરાજયનું ઠીકરું તેના માથે જ ફોડવામાં આવે છે. હવે ૨૩ મેની મતગણતરીના દિવસે ઈવીએમની મેળવણી વીવીપીએટીની ૫૦ ટકા સ્લીપ સાથે કરવાની માગણી કરવામાં આવી છે અને વિપક્ષી નેતાઓએ તો વીવીપીએટની સ્લીપ અને ઈવીએમમાં નોંધાયેલા મત અલગ અલગ હોય તો ચૂંટણી જ રદ કરવાની માગણી કરી છે.
એક્ઝિટ પોલ્સને મોટા ભાગે તો જો અને તો તરીકે સરખાવી શકાય. વર્તમાન વર્તારા કે અનુમાનો ભાજપની મોદી સરકારને ફરી સત્તાના સૂત્રો સોંપી રહ્યા છે તો રાહુલ ગાંધી, શરદ પવાર, માયાવતી કે ચંદ્રાબાબુ સહિતના વિપક્ષી નેતાઓના વડા પ્રધાન બનવાના અભરખા પર પાણી ફેરવી રહ્યા છે. મુખ્ય પ્રશ્ન એક્ઝિટ પોલ્સની સત્યતા પર ઉઠાવી શકાય છે. એક્ઝિટ પોલ્સ માત્ર અનુમાન છે, જે મોટા ભાગે સાચાં પડતાં હોય છે તો ઘણી વખત ધૂળધાણી થઈ જાય છે.
વર્ષ ૨૦૦૪ની લોકસભા ચૂંટણીના એક્ઝિટ પોલ્સની વાત કરીએ તો એક્ઝિટ પોલ એજન્સીઓના વિશ્લેષણ ખોટાં પડ્યાં હતાં. તે વર્ષે ભાજપ સહિત એનડીએ મોટા પક્ષ તરીકે ઉભરી આવશે તેવી આગાહીઓ ખોટી પડી હતી અને અન્ય પક્ષોના ટેકા સાથે કોંગ્રેસની મનમોહન સિંહ સરકાર સત્તા પર આવી હતી. આવી રીતે ૨૦૦૯માં પણ એક્ઝિટ પોલ્સ ખોટાં પડ્યાં હતાં અને યુપીએને ૨૬૨ અને એનડીએને માત્ર ૧૫૯ બેઠક મળી હતી. શાસન પર મનમોહન સિંહ ચાલુ રહ્યા હતા. વિધાનસભા ચૂંટણીઓમાં પણ એક્ઝિટ પોલ્સ ખોટાં પડ્યાં છે. તાજેતરમાં ઓસ્ટ્રેલિયાની સામાન્ય ચૂંટણીમાં લેબર પાર્ટીને બહુમતી મળવાની આગાહી એક્ઝિટ પોલ્સમાં થઈ હતી, પરંતુ પરિણામોમાં સત્તાધારી લિબરલ પાર્ટીને બહુમતી મળી હતી.
ખરેખર તો મતદારના માનસને કોઈ કળી શકતું નથી. થોડા મતદારોને આધાર બનાવી ગણતરીમાં રાચતા એક્ઝિટ પોલ્સના ચૂંટણીશાસ્ત્રીઓ મતદાર ક્યારે કોના પર મહેરબાન થશે તેનો વર્તારો કેવી રીતે કરી શકે તે સમજી શકાતું નથી. આપણે તો ૨૩ મેની મતગણનાના વલોણામાંથી બહાર આવનારા પરિણામરૂપી માખણ પર જ નજર રાખવી જોઈએ.
