કાહિરાઃ ઇજિપ્તની કેરો યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ લગ્ન થતાં વિવાદને કેવી રીતે સંભાળવા એ વિશેની તાલીમ અપાઈ રહી છે. ક્લાસમાં નાટકો થકી આ પ્રકારની શીખ અપાય છે. નાટકના એક દૃશ્યનું ઉદાહરણ આપીએ તો પતિ ઓફિસથી ઘરે આવે છે. તે સાવરણીથી કચરો વાળતી પત્નીને પૂછે છે કે હજુ સુધી રસોઈ કેમ નથી બનાવી? પત્ની કહે છે કે, હું બાળકોને સંભાળું, ઓફિસ જાઉં એ સિવાય પણ મારી પાસે અનેક કામ છે. શું શું કરું? આ રીતે વાતવાતમાં બંને વચ્ચે ઝઘડો થઈ જાય છે. બાદમાં પતિ તેની પત્ની પર સીધી રીતે નથી ખીજાઈ શકતો એટલે કહે છે કે, આ એપાર્ટમેન્ટ બકવાસ કચરા-ઘર જેવું લાગે છે.
વિદ્યાર્થીઓ હસીને ગૃહસ્થ જીવનની તકરાર અને પ્રેમના પાઠ સરળતાથી સમજી જાય છે. નાટક જોયા પછી કેટલાક વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ કહ્યું કે, પતિએ ઘરનાં કામમાં પણ મદદ કરવી જોઈએ. શિક્ષિકા સલાહા અહેમદ કહે છે કે ઘરમાં કામ કરવાની જવાબદારી પતિની પણ છે. પત્નીને પણ વધુ સમજ હોવી જોઈએ. તેણે ઓફિસથી ઘરે પાછા આવેલા પતિની ચિંતા કરવી જોઈએ નહીં કે ઘરમાં પડેલી ચીજવસ્તુઓની. પોતાના પતિ સાથે આ ક્લાસિસ ભરતી વિદ્યાર્થિની લિયા ગોસેફ કહે છે કે, આજના સમયમાં ઘર ચલાવવા નોકરી કરવી જરૂરી છે. ફક્ત પતિની કમાણીથી ઘર નથી ચાલતું. તેથી અહીં સરળતાથી જીવન જીવવાની ચાવી મળી રહે છે. કેરો યુનિવર્સિટી સરકારની માવદા યોજના હેઠળ આ કામ કરી રહી છે. માવદા ઇજિપ્તની એક ભાષા ‘હૌસા’નો શબ્દ છે. તેનો અર્થ ‘મિલન’ છે. આ યોજનામાં વિદ્યાર્થીઓને યોગ્ય સાથીદાર પસંદ કરવાની અને વૈવાહિક જીવન સુરક્ષિત રાખવાની તાલીમ અપાય છે. તેનો હેતુ વધી રહેલા છૂટાછેડાના કેસ પર કાબૂ મેળવવાનો છે.

