• યુકેમાં બે મિલિયનથી વધુ સ્માર્ટ મીટર બંધ
યુકેમાં બે મિલિયનથી વધુ સ્માર્ટ મીટર કામ ન કરતા હોવાનું નવા સંશોધનમાં સૂચવાયું હતું. ૨૦૧૮ના અંત સુધીમાં લગભગ ૧૫ મિલિયન મીટર ફીટ કરવામાં આવ્યા હતા. તેમાંથી ૧૨.૫ મિલિયન મીટર કાર્યરત હોવાનું સરકારી આંકડા દર્શાવે છે. આ મીટરો ગેસ અને ઈલેક્ટ્રિસિટી મીટરોના વિકલ્પમાં છે અને એનર્જીનો વપરાશ સરળતાથી નિયંત્રિત કરી શકાય તેવી તેની બનાવટ છે.
• યુવાનો પૂરતો પરીશ્રમ કરતા નથી
એવોર્ડ વિજેતા લેખક ડેનિયલ સ્ટીલના જણાવ્યા મુજબ અત્યારના યુવાનો કઠોર પરીશ્રમનો સાચો અર્ત જાણાતા નથી અને દરેક વખતે બધું ખૂબ સારું હોવાની જ અપેક્ષા રાખે છે. ૧૭૯ પુસ્તકો લખનારા અને દિવસના ૨૦ કલાક કામ કરતા હોવાનું કબૂલનારા ૭૧ વર્ષીય સ્ટીલે જણાવ્યું હતું કે સખત મહેનતમાં લોકો પોતાની જાત હોમી નાખે છે તે વિચાર આ ‘સદીની વ્યથા’ છે.
• ‘ઈટ, પ્રે, લવ’ની અમેરિકન લેખિકા એલિઝાબેથનો ખુલાસો
બેસ્ટસેલીંગ જીવનચરિત્ર ‘ઈટ, પ્રે, લવ’ની ૪૯ વર્ષીય અમેરિકન લેખિકા એલિઝાબેથ ગિલ્બર્ટે જણાવ્યું હતું કે તે તેની નવી નવલકથા ‘સિટી ઓફ ગર્લ્સ’ લખતી વખતે તેની સ્વર્ગસ્થ પાર્ટનરના બેડ પર સૂતી હતી અને તેના ડેસ્ક પર બેસતી હતી. આ રીતે તે તેની પાર્ટનર રય્યા ઈલિયાસને એવું કહેવા માગતી હતી, ‘હું ઈચ્છું કે આ નવલકથા આપણે બન્નેએ સાથે મળીને લખી હોત.’ ૨૦૧૬માં તેની ૧૫ વર્ષની મિત્ર ઈલિયાસને અસાધ્ય પેન્ક્રિયાસ અને લીવરના કેન્સરનું નિદાન થયું હતું.
• સાચા મિત્રો બનાવવા વિદ્યાર્થિનીઓના મોબાઈલ ફોન લઈ લેવાયા
બ્રિટનની એક અગ્રણી ગર્લ્સ બોર્ડિંગ સ્કૂલ તેની વિદ્યાર્થિનીઓને યોગ્ય રીતે મિત્રો કેવી રીતે બનાવવા અને એકબીજા સાથે કેવી રીતે વાત કરવી તે શીખવાડવા માટે તેમના મોબાઈલ ફોન વિના તેમને બીગ બ્રધર્સ સ્ટાઈલના એકાંત સ્થળે મોકલે છે. સ્કૂલ તેમને તાજી હવા આવતી હોય અને વાઈ- ફાઈ ન હોય તેવા કન્ટ્રી હાઉસમાં એક અઠવાડિયુ રહેવા મોકલવા માગે છે. તેમને આશા છે કે ત્યાં તેઓ એકબીજા સાથે વોટ્સએપીંગ અને ઈન્સ્ટાગ્રામ પર ફોટા લાઈક કરવાને બદલે એકબીજા સાથે રૂબરુ વાત કરશે.
• ઈંગ્લિશ ચેનલ પાર કરતા ૫૦ માઈગ્રન્ટ પકડાયા
તાજેતરમાં ૫૦થી વધુ માઈગ્રન્ટ્સ ઈંગ્લિશ ચેનલ પાર કરતા ઝડપાયા હતા. કેન્ટના દરિયાકિનારે ૩૨ અને ડોવરના દરિયામાં આઠ બાળકો સહિત ૨૦ લોકો ઝડપાયા હોવાનું હોમ ઓફિસ દ્વારા જણાવાયું હતું.
• દેખાવને લીધે નોકરીમાં ભેદભાવની યુવાનોની ફરિયાદ
નોકરી મેળવવા ઈચ્છતા યુવાનો પૈકી લગભગ અડધા જેટલા કદરૂપા યુવાનોને તેમનો દેખાવ સારો ન હોવાથી નોકરી માટે પસંદ કરાયા ન હોવાનું નવા સર્વેમાં જણાયું હતું. અગ્રણી ચેરિટીએ સમાનતાના કાયદા વધુ કડક બનાવવાની માગણી કરી હતી. યુકેમાં લગભગ ૧.૩ મિલિયન લોકો બેડોળ છે જેમાં ૫૬૯,૦૦૦ લોકોના ચહેરા સારા નથી.
• બ્રિટનમાં સાત વર્ષમાં કોકેનનો વપરાશ બમણો થયો
છેલ્લાં સાત વર્ષમાં બ્રિટનમાં કોકેનનો વપરાશ બમણાથી પણ વધી ગયો છે. આ ડ્રગની શુદ્ધતા વિક્રમજનક ઉંચાઈએ પહોંચી હોવાનું બ્રિટનના વેસ્ટ વોટરના વિશ્લેષણમાં જણાયું હતું. લંડનમાં આ ડ્રગના દરરોજ લગભગ ૨૦૦,૦૦૦ ડોઝ લેવાય છે. તેના હાલના ભાવ મુજબ તેની કિંમત ૭૦૦,૦૦૦ પાઉન્ડ થાય છે.
• કેર હોમ્સ અંગે ફરિયાદોના નિકાલની પદ્ધતિ બદલવા દબાણ
૯૫ વર્ષની મહિલા પર અત્યાચાર બાદ તેના પરિવારને વળતર મેળવવા માટે ચાર વર્ષ સુધી રાહ જોવી પડી હતી. આ કિસ્સાને લીધે કેર હોમ્સ અંગેની ફરિયાદોના નિકાલની પદ્ધતિ બદલવા માટે સરકાર પર દબાણ ઉભું થયું હતું.
• શેમ્પુ અને ક્રોકરીના ખર્ચનો પણ ક્લેઈમ કરતા ન્યાયાધીશો
બ્રિટનના સૌથી સિનિયર જજોએ ક્રોકરી, શેમ્પુ અને પ્રસંગોમાં પહેરવા માટેના વસ્ત્રો લાવવા માટે ટેક્સી ભાડું ક્લેઈમ કર્યું હોવાનું ‘ધ ડેઈલી ટેલીગ્રાફ’ દ્વારા પ્રકાશમાં આવ્યા બાદ જ્યુડિશિયરી માટે નવી ખર્ચ નીતિ અમલમાં મૂકાશે. ઈંગ્લેન્ડ અને વેલ્સના ન્યાયતંત્રના હાઈ-પ્રોફાઈલ ન્યાયાધીશો ઓછામાં ઓછો ૧૮૦,૦૦૦ પાઉન્ડનો પગાર મેળવતા હોવા છતાં રોજબરોજની ચીજવસ્તુઓ તેમજ ફર્સ્ટ ક્લાસ ટ્રેનની મુસાફરીના ક્લેઈમ કેવી રીતે મંજૂર કરાવ્યા હતા તે ફ્રીડમ ઓફ ઈન્ફર્મેશન એક્ટ હેઠળ મેળવવામાં આવેલી ખર્ચની વિગતોમાં જણાયું હતું.
• સારી ઉંઘ મેળવવા સૂતી વખતે સનગ્લાસ પહેરો
લોકોએ ઉંઘમાં ખલેલ પહોંચાડે તેવી ટેબલેટ્સ, કમ્પ્યુટર અને મોબાઈલ ફોનમાંથી આવતી વાદળી લાઈટને અટકાવવા માટે સનગ્લાસીસ પહેરવા જોઈએ, તેમ અભ્યાસમાં સૂચવાયું હતું. ઉંઘ આવે તે માટે જવાબદાર મેલાટોનિન છૂટું પડવાની પ્રક્રિયા વિલંબમાં નાખે છે. જે કુદરતી બોડી ક્લોકમાં અવરોધ ઉભો કરે છે. અગાઉના સંશોધનમાં જણાવાયું હતું કે જે ટીનેજરો સૂતા પહેલાના કલાકમાં કમ્પ્યુટરનો ઉપયોગ કરે છે તેમને પાંચ કલાકથી ઓછી ઉંઘ આવવાની શક્યતા ત્રણ ગણી વધી જાય છે. તેના લીધે તેમનો મૂડ અને સ્કૂલવર્ક બન્ને બગડે છે.
• એકલી રહેતી પાંચ માતા બેનિફિટ કેપ મુદ્દે કેસ હારી ગઈ
સરકારની વિવાદાસ્પદ બેનિફિટ મર્યાદાને સુપ્રિમકોર્ટમાં પડકારનારી એકલી રહેતી પાંચ માતાઓ તેમનો કેસ હારી ગઈ હતી. તેમણે જણાવ્યું હતું કે તેઓ પાયાની જરૂરિયાતો માટેનો ખર્ચ કરી શકે તેમ પણ ન હતી. તેમણે ઉમેર્યું કે અન્ય સ્થળે રહેતા લોકો માટે સરકાર તરફથી વાર્ષિક બેનિફિટ ૨૦,૦૦૦ પાઉન્ડ અથવા લંડનમાં વસતા લોકો માટે ૨૩,૦૦૦ પાઉન્ડની બેનિફિટની મર્યાદા ભેદભાવયુક્ત હતી.
• ૪૫ની વયે આંતરડાના કેન્સરના સ્ક્રિનિંગ માટે ડોક્ટરોનો અનુરોધ
યુવા લોકોમાં આંતરડાના કેન્સરના નિદાનમાં ભારે વધારો નોંધાતા ડોક્ટરોએ ૪૫ની વયથી જ આંતરડાના કેન્સરના સ્ક્રિનિંગને અમલમાં મૂકવાનો અનુરોધ કર્યો હતો. અભ્યાસમાં જણાયું હતું કે મોટી ઉંમરના લોકોને દર બે વર્ષે એનએચએસ તપાસ કરાવવાનું જણાવાયું હતું. તેમનામાં આ રોગનું પ્રમાણ ઘટી રહ્યું છે જ્યારે ૫૦થી નીચેની વયના લોકોમાં તેનું પ્રમાણ વધ્યું છે.
• ટ્રેડ યુનિયન કાયદામાં સુધારા બાદ જાહેર ક્ષેત્રમાં હડતાળો ઘટી
ટ્રેડ યુનિયન કાયદામાં સુધારાને પગલે જાહેર ક્ષેત્રમાં હડતાળોની સંખ્યામાં વિક્રમજનક ઘટાડો નોંધાયો હતો. આ સુધારાને લીધે વર્કરોને હડતાળ પાડવાનું અઘરું બન્યું હતું. ૨૦૧૮માં જાહેર ક્ષેત્રમાં કામકાજના ૨૬,૦૦૦ દિવસ બગડ્યા હતા. ૧૯૯૬માં ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિકસ દ્વારા આવી માહિતીનો સંગ્રહ કરવાનું શરૂ થયું ત્યારથી અત્યાર સુધીમાં આ સંખ્યા સૌથી ઓછી હતી. તેની સામે તે જ વર્ષે ખાનગી ક્ષેત્રમાં કામકાજના લગભગ ૨૫૦,૦૦૦ દિવસ બગડ્યા હતા.
• હવે ફૂડ બેંક્સ ગરીબોને ઈ-સિગારેટ્સ આપશે
ગરીબોને તેમની ધૂમ્રપાનની ટેવ માણવામાં અને નાણાં બચાવવામાં મદદરૂપ થવાના પ્રયાસમાં ફૂડ બેંકસ હવે તેમને ઈ-સિગારેટ્સ આપશે. આ વર્ષે હર્ટફર્ડશાયરમાં તેની પાઈલોટ સ્કીમ શરૂ થશે. દેશભરમાંથી સ્મોરિંગ કરતી કોઈપણ વ્યક્તિ તે સર્વિસમાં હાજર રહેશે તેને વેપર અને ઈ-લિક્વિડ સાથેની સ્ટાર્ટર કીટ અપાશે. કાઉન્સિલનો અંદાજ છે કે ઈ-સિગારેટ્સ તરફ વળવાથી રોજની ૨૦ સિગારેટ પીતી વ્યક્તિના દર અઠવાડિયે ૭૦ પાઉન્ડ બચશે.
• યુકેના કેટલાંક પ્રદેશોમાં મકાનોના ભાવ વધ્યા
લંડનમાં છેલ્લાં એક વર્ષમાં મકાનોના ભાવમાં ૨.૫ ટકાનો ઘટાડો નોંધાયો હતો. જોકે, કેટલાંક પ્રદેશોમાં ભાવ વધ્યા હતા. વેલ્સ, વેસ્ટ અને ઈસ્ટ મીડલેન્ડ્સ તથા નોર્થવેસ્ટમાં જે મકાનો મે મહિનામાં વેચાણ માટે મૂકાયા હતા તે અત્યાર સુધીના સૌથી વધુ હોવાનું ઓનલાઈન પ્રોપર્ટી કંપની રાઈટમૂવ દ્વારા જણાવાયું હતું.
• ઓરીની રસી ફરજિયાત બનાવવાની જરૂર
બ્રિટનમાં શાળામાં ભણતા બાળકોને ફરજિયાતપણે ઓરીની રસી આપવામાં નહીં આવે તો આગામી ૩૦ વર્ષમાં ઓરી મહામારી બની જશે તેમ નિષ્ણાતોએ સૂચવ્યું હતું.
• રેલ કંપનીએ ફ્રી નાસ્તાની યોજના બંધ કરી
ગ્રેટર એન્ગ્લિયા રેલ કંપનીએ વીકએન્ડમાં ફર્સ્ટ ક્લાસના મુસાફરોને ફ્રી રિફ્રેશમેન્ટ આપવાનું બંધ કરી દીધું હતું. કંપનીએ જણાવ્યું હતું કે અનિલિમિટેડ કોફી, ચા, પાણી, ફ્રૂટ જ્યુસ, બિસ્કિટ અને ક્રિસ્પ્સ આપવાની સર્વિસની નિંદા કરવામાં આવતી હતી. તે વ્યાપારિક દ્રષ્ટિએ અનુકુળ ન હતું.
• પ્રેટ એ મેન્જરની ‘ઈટ’ ખરીદવા ચર્ચા
પ્રેટ એ મેન્જર તેના સેન્ડવીચ હરિફ બિઝનેસ ‘ઈટ’ને ખરીદવા વાટાઘાટો કરી રહી છે. તે આ બિઝનેસ ખરીદીને વેજિટેરિયન ફૂડ્સની વધતી જતી માંગને પહોંચી વળવા ‘ઈટ’ને ખરીદીને તેની શોપ્સનું આઉટેલેટમાં રૂપાંતરણ કરશે.
• ધ્યાન કરી રહેલા પત્રકારનું મૃત્યુ
વેરાન મેદાનમાં ધ્યાન ધરવાનો પ્રયત્ન કરવામાં આર્ટ્સના પત્રકારનું ઠૂંઠવાઈ જવાથી મૃત્યુ થયું હતું. ‘ધ ડેઈલી ટેલીગ્રાફ’ માટે લખતા મહિલા પત્રકાર ફ્લોરેન્સ વોટર્સ ક્રિએટિવિટી વધે તેવી આશા સાથે વિઝન ક્વેસ્ટ તરીકે ઓળખાતી શમનિક વિધિ કરતા હતા. ગયા વર્ષે તેઓ ગૂમ થયા તેના ચાર દિવસ પછી ૨૨ નવેમ્બરે એક ખાઈમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.
