કલ્પનાના ઘોડે સવારી થાય નહીં અને ધારેલા ધ્યેયને હાંસલ કરાય નહીં. ઈશ્વર તો માનવીઓ માટે, દુઃખમાં, ભારે વિટંબણાઓ તેમજ વિપરિત પરિસ્થિતિમાં, થોડા સમય માટે સહનશક્તિ અને આશ્વાસનનું પ્રદાન મળી રહે તે માટે કથિત પ્રયોજન માત્ર છે.
ઈશ્વર અને તેના અવતારો (ડીએનએ ટેસ્ટ કરી શકાય તેમ નથી)ની પાછળ ઘેલછાભર્યું વર્તન કરીને સમય બગાડી કોઈ લાભ મેળવી શકાય નહીં. તેના બદલે માનવસેવામાં એ સમયનો સદુપયોગ થઈ શકે તેને જ સાચો હિંદુ કહી શકાય, બાકી, સ્વલર્ગ મોક્ષ કે નિર્વાણ મેળવવાની ભ્રમણામાં પડેલ હિંદુ એક સ્વાર્થી જ ગણાય,
આ કડવું સત્ય અનેક શ્રદ્ધાવાળાઓને પચવું ભારે પડશે. પરંતુ, આ વાત અને અંગત અભિપ્રાય મારો નથી. આ તો એક મહાન હિંદુ કે જેમણે દુનિયાના અનેક દેશો અને પ્રજામાં આપણા ધર્મનો ધ્વજ લહેરાવ્યો. એ સાચા હિંદુ સ્વામી વિવેકાનંદનો છે.
‘ આવનારા પચાસ વર્ષ માટે ભારતની પ્રજાએ પોતાના દેવીઓ અને દેવતાઓને ડૂબાડી દેવા જોઈએ અને માત્ર ભારતમાતાને આરાધ્ય દેવી ગણીને તેમની જ આરાધના કરવામાં સર્વસ્વ ન્યોછાવર કરી દેવું જોઈએ.’
એમની સલાહનો એક અખતરો કરીએ તો તમને નથી લાગતું કે આ માત્ર વિકલ્પને અમલમાં મૂકી શકીએ તો આપણા ધર્મ અને દેશને, દુનિયામાં સર્વોચ્ચ બનાવી શકીએ. હજારો વર્ષોથી અંધશ્રદ્ધાનો મેલો આંચળો ઓઢીને બેસી રહ્યા છીએ. એને ફેંકી દેવાનો સમય પાકી ગયો છે’
આપણાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ કહે છે,‘ વિવેકાનંદજીએ સંન્યાસીની આખી વ્યાખ્યા બદલી નાખી. વ્યક્તિગત સાધનામાં લીન સંન્યાસીને તેમણે સમાજસેવાનો ભેખધારી બનાવી દીધો’.
