ફ્રાન્સમાં ૧૪મી મેથી શરૂ થયેલા ૭૨મા કાન્સ ફિલ્મ ફેસ્ટિલવમાં દેશવિદેશની નામી ફિલ્મ હસ્તીઓએ રેડ કાર્પેટ પર કામણ પાથર્યાં છે. આ ફેસ્ટિવલમાં બોલિવૂડની હસ્તીઓએ પણ પોતાનો રંગ જમાવ્યો છે. ફેસ્ટિવલમાં ઐશ્વર્યા રાય બચ્ચન તેની પુત્રી આરાધ્યા બચ્ચન સાથે રેડ કાર્પેટ પર છવાઈ હતી. આ વર્ષના કાન્સમાં ઐશ્વર્યા રાયે દીકરી આરાધ્યા સાથે રવિવારે સાંજે પ્રથમ વખત રેડ કાર્પેટ વોક કર્યું0 ત્યારે ઐશ્વર્યાએ ડિઝાઈનર જીન લુઈસનું ગોલ્ડન ગાઉન પહેર્યું હતું અને બાઉન્ચેરોન બ્રાન્ડની જ્વેલરી પહેરી હતી. ઐશ્વર્યા ફેસ્ટિવલમાં લોરિયલ ઇન્ડિયાને રિપ્રેઝન્ટ કરી રહી છે. ઐશ્વર્યા ઉપરાંત પ્રિયંકા ચોપરા, દીપિકા પદુકોણ, કંગના રનૌત, હુમા કુરેશી, ડાયેના પેન્ટી અને હિના ખાનના શાનદાર દેખાવે કાન્સના રેડ કાર્પેટ પર ધ્યાન ખેંચ્યું હતું. પ્રિયંકા ચોપરા જ્યારે પતિ નિક જોનાસ સાથે ફેસ્ટિવલના પાંચ દિવસે રેડ કાર્પેટ પર ઉતરી ત્યારે વરસાદનો માહોલ હતો. બંનેએ વ્હાઈટ આઉટફિટ પહેર્યાં હતાં અને પ્રિયંકા વરસાદમાં પલળે નહીં તે માટે પતિ નિકે તેને છત્રીની છાયા કરી આપી હતી. પ્રિયંકા અને નિક ફિલ્મ ‘ધ બેસ્ટ યર્સ ઓફ અ લાઈફ’ના પ્રીમિયરમાં આવ્યા હતાં.
બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતે કાન્સમાં સતત બીજા વર્ષે રેડ કાર્પેટ પર એન્ટ્રી કરી હતી. લાઈટ પિંક ઓફ શોલ્ડર ડ્રેસમાં તે સુંદર લાગી રહી હતી. ઇન્ડિયન ટેલિવિઝન આર્ટિસ્ટ હિના ખાને કાન્સ ફેસ્ટિવલમાં આ વર્ષે પ્રથમ વખત રેડ કાર્પેટ પર એન્ટ્રી કરી છે. હિના ખાન ફેસ્ટિવલના ત્રીજા દિવસે લવન્ડર ડ્રેસમાં રેડ કાર્પેટ પર દેખાઈ હતી.

