લંડનઃ કેન્સરને પ્રારંભિક તબક્કે જ કેવી રીતે ઓળખવું તેના પર દેશ-દુનિયામાં ઘણું રિસર્ચ થઇ રહ્યું છે. બ્રિટિશ વૈજ્ઞાનિકોએ એક એવું બ્રેથ એનાલાઇઝર બનાવ્યું છે, જે કેન્સરની પ્રારંભિક તબક્કે જ જાણકારી આપશે. આ ડિવાઈસ દૂષિત હવાના લીધે થતી બીમારીઓને ઓળખી શરૂઆતના સ્ટેજ પર જ ઓળખી લેશે. તેની છેલ્લી ટ્રાયલ કેમ્બ્રિજની એડનબ્રુક હોસ્પિટલમાં થઇ રહી છે.
લગભગ એક દાયકાથી આ સાધન પર કામ કરી રહેલા ડોક્ટરના જણાવ્યા મુજબ, આનાથી કેન્સરની જાણકારી સમયસર મેળવવાનું સરળ બનશે. તબીબી જગતમાં હજુ સુધી એવી કોઈ પદ્ધતિ ઉપલબ્ધ નથી જેમાં કેન્સરની શરૂઆતના સ્ટેજમાં જ જાણકારી મળી શકે કારણ કે લક્ષણ દેખાતા જ નથી. નવા બ્રેથ એનાલાઇઝરની મદદથી બાયોપ્સી વિના જ કેન્સરની તપાસ સંભવ થશે.
સંશોધકોના જણાવ્યા મુજબ, બ્રેથ એનાલાઇઝરની મદદથી શ્વાસ દ્વારા થતા કેન્સરને અટકાવી શકાય છે. સાથે જ બાયોપ્સી તપાસની જરૂરિયાત પણ ઓછી થઇ શકે છે. આ એક ખાસ પ્રકારનો ટેસ્ટ છે જે ઘણો સસ્તો અને કોઈ પણ પ્રકારની સર્જરી (બાયોપ્સી) વગર કરી શકાય છે. છેલ્લા બે વર્ષમાં આ સાધનનું પરીક્ષણ ૧૫૦૦ દર્દીઓ પર કરાયું છે. આખરી તબક્કાના પરીક્ષણ બાદ ટૂંક સમયમાં જ સાધનને લોન્ચ કરાશે.
વૈજ્ઞાનિકોનું માનવું છે કે જુદા-જુદા પ્રકારના કેન્સર સેલ્સના લીધે વોલેટાઇલ ઓર્ગેનિક કમ્પાઉન્ડમાં પણ બદલાવ જોવા મળે છે. જોકે બ્રેથ એનાલાઇઝરની મદદથી દરેક પ્રકારના કેમિકલને સમજી શકાય છે. આ સાધનથી સૌથી પહેલા ટેસ્ટ અન્નનળી અને પેટના કેન્સરના દર્દીઓ પર કરાયો હતો. આમાં સફળતા મળ્યા બાદ તેના વડે પ્રોસ્ટેટ, કિડની, બ્લેડર, લિવર અને પેંક્રિયાટિક કેન્સરના દર્દીઓ પર ટેસ્ટ કરાયા હતા.

