બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (BAPS)ના વડા પૂ. મહંત સ્વામી હાલ સુરત ખાતે વિચરણ કરી રહ્યા છે. પૂ. મહંત સ્વામીની સવારની નિત્ય પૂજામાં દરરોજ હરિભક્તો મોટી સંખ્યામાં હાજર રહીને તેમનાં દર્શન અને આશીર્વચનનો લાભ લઈ રહ્યા છે. તે ઉપરાંત હરિભક્તો પૂ. મહંત સ્વામીના સમીપ દર્શનનો પણ લહાવો લઈ રહ્યા છે. ૧૫ જાન્યુઆરીને મંગળવારે પૂ. મહંત સ્વામીના હસ્તે તીથલ, સાકરી, નવસારી અને ઉકાઈના બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ મંદિરોમાં મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરાવી હતી. તે ઉપરાંત, અન્ય મંદિરોની પણ ખાતમૂહૂર્તવિધિ કરી હતી. તા.૧૬, ૧૮ અને ૧૯ના રોજ હરિભક્તોએ પૂ. મહંત સ્વામીના સમીપ દર્શનનો લાભ લીધો હતો. ૨૦મીએ વચનામૃત દ્વિશતાબ્દિ ઉદઘોષ યોજાયો હતો. આ પ્રસંગે પૂ. મહંત સ્વામીએ આશીર્વચનમાં જણાવ્યું હતું, ‘શ્રીજી મહારાજ કોઈ માણસ તલ જેટલું કરે તો તેને મેરુ જેટલું માની લે છે. તેમનું ઋણ ક્યારેય ચૂકવાય નહીં.’ ૨૧ જાન્યુઆરીએ શાકોત્સવનું આયોજન કરાયું હતું. પૂ. મહંત સ્વામીએ રીંગણનું શાકનો વઘાર કર્યો હતો. આ શાક ઠાકોરજીને ધરાવવામાં આવ્યું હતું. તે પછી પ્રસાદીરૂપે હરિભક્તોને અપાયું હતું. પૂ. મહંત સ્વામી આગામી ૨૯ જાન્યુઆરી સુધી સુરતમાં વિચરણ કરશે. ત્યારબાદ તેઓ મહેલાવ જશે.

