મેલબોર્નઃ ટીમ ઇન્ડિયાએ મેલબોર્નમાં રમાયેલી ત્રીજી અને શ્રેણીની અંતિમ વન-ડેમાં યજમાન ઓસ્ટ્રેલિયાને હરાવીને ઇતિહાસ રચ્યો છે. આ વિજય સાથે ભારતે ૨-૧થી શ્રેણી કબ્જે કરીને ઓસ્ટ્રેલિયામાં પહેલી વાર કોઈ દ્વિપક્ષીય વન-ડે સિરીઝ જીતી છે.
મેચમાં છ વિકેટ ઝડપીને ઝમકદાર દેખાવ કરનાર યજુવેન્દ્ર ચહલ મેન ઓફ ધ મેચ જ્યારે સમગ્ર શ્રેણીમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર મહેન્દ્ર સિંહ ધોની મેન ઓફ ધ સિરીઝ જાહેર થયો હતો. ઉલ્લેખનીય છે કે આ જ પ્રવાસમાં અગાઉ ટીમ ઇંડિયાએ ટેસ્ટ સિરીઝ ૨-૧થી કબ્જે કરી છે, જ્યારે ટ્વેન્ટી૨૦ સિરીઝ ૧-૧થી સરભર કરી હતી.
લેગ સ્પિનર ચહલ (૬/૪૨) અને મહેન્દ્ર સિંહ ધોની (૮૭)એ ત્રીજી વન-ડેમાં પ્રભાવશાળી પ્રદર્શન કરીને ટીમ ઇન્ડિયાના વિજયમાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. ઓસ્ટ્રેલિયાએ પહેલાં દાવ લેતાં ૨૩૦ રન કર્યા હતા. જવાબમાં ટીમ ઇંડિયાએ ૪૯.૨ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને વિજયી લક્ષ્યાંક હાંસલ કર્યું હતું.
કોહલીએ રચ્યો વિરાટ ઈતિહાસ
તાજેતરમાં વન-ડે સિરીઝ જીતીને વિરાટ કોહલીએ ઈતિહાસ રચ્યો હતો. ૭૦ વર્ષ બાદ ટેસ્ટ સિરીઝમાં કાંગારુઓને કચડીને વિજયી થનારા કોહલીએ વન-ડે સિરીઝમાં પણ વિરાટ ઈતિહાસ રચ્યો છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી આ પહેલી દ્વિપક્ષીય સિરીઝમાં કોહલી સેનાએ કાંગારુઓને તેમની જ ધરતી ઉપર કચડયા હતા. કોહલી ભારતનો પહેલો એવો સુકાની છે જેની આગેવાની હેઠળ ભારતે ઓસ્ટ્રેલિયાને તેની જ ધરતી ઉપર ટેસ્ટ અને વન-ડેની દ્વિપક્ષીય સિરીઝમાં પરાજય આપ્યો છે.

