આદિત્ય ધર લેખિત-દિગ્દર્શિત હિન્દી ફિલ્મ ‘ઉરી-સર્જિકલ સ્ટ્રાઇક’ યુ.કે. સહિત વિદેશોના સિનેમાઘરોમાં ભારે લોકાવકાર મેળવી રહી છે એટલું જ નહિ પણ વિદેશની ધરતી પર વસતા પ્રત્યેક ભારતીયના દિલમાં ભારતીય સેના પ્રત્યે માન સહિત ગૌરવ ઉપજે એવી છે. બોલીવુડ એકટર વિક્કી કૌશલ અને યામી ગૌતમ અભિનિત ૨૦૧૬માં બનેલી સત્ય ઘટના આધારિત ફિલ્મ ‘ઉરી- સર્જિકલ સ્ટ્રાઇક’ દરેક ભારતીયે જોવા જેવી છે. એમાં વિક્કી કૌશલે આર્મી ઓફિસરની ભૂમિકા નિભાવી છે. ૧૮ સપ્ટેમ્બર, ૨૦૧૬ના રોજ કાશ્મીરના ઉરી ખાતે ભારતીય સરહદ પાર કરીને પાકિસ્તાને આતંકી હુમલો કરી કેમ્પમાં સૂતેલા ૧૯ ભારતીય જવાનોને મોતને ઘાટ ઉતાર્યા હતા. એના વળતા જવાબ રૂપે સપ્ટેમ્બર ૨૦૧૬માં જાંબાઝ ૨૦ ભારતીય જવાનોએ પાકિસ્તાનની સરહદમાં ઘૂસી સર્જિકલ સ્ટ્રાઇક કરી એક રાતમાં ત્રણ આતંકવાદી મથકોનો ખાત્મો બોલાવી દીધો હતો. એ રાત્રે થયેલી સર્જિકલ સ્ટ્રાઇકની રજેરજની પ્રેક્ષકોનાં રૂવાંડા ખડાં થઇ જાય એવી વાત આ ફિલ્મમાં દર્શાવાઇ છે. જાંબાઝ ઓફિસર વિક્કી જ્યારે વડાપ્રધાન મોદીજીને બાંહેધરી આપે છે કે તેઓ પાકિસ્તાનમાં સર્જિકલ સ્ટ્રાઇક દરમિયાન એકપણ ભારતીય જવાનને શહીદ થયા વગર સહીસલામત વહેલી સવારે ભારત પાછો લઇ આવશે અને સાંજે વડાપ્રધાન સાથે ડિનર લેવાનું પસંદ કરશે. આ ઉપરાંત ફિલ્મમાં પરેશ રાવલ દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડાભોલની ભૂમિકા ખૂબ જોરદાર રીતે નિભાવે છે. વડાપ્રધાન મોદીજી સાથે ચર્ચા કરતાં અજિત ડાભોલની ભુમિકામાં પરેશ રાવલ કહે છે ‘હિન્દુસ્તાનના ઇતિહાસમાં આપણે કયારેય કોઇ દેશ પર પહેલો હુમલો નથી કર્યો. ૧૯૪૭, ૧૯૫૬, ૧૯૭૧, ૧૯૯૯ , હવે મોકો છે એમને પાઠ ભણાવવાનો. આજ સુધી આપણી સહનશીલતાને આપણી કમજોરી માનવામાં આવતી પણ હવે નહિ હવે આ નવું હિન્દુસ્તાન છે, આ હિન્દુસ્તાન હવે ઘરમાં ઘૂસીને તમને મારશે પણ..’ પરેશ રાવલના દેશભક્તિના આવા જોરદાર ડાયલોગ સાંભળી લંડન-હેરોના સિનેમા ગૃહમાં બેઠેલા પ્રેક્ષકોને પણ હોંકારા દઇ ભારતની નવી નિતીને હર્ષભેર તાળીઓથી વધાવતા અમે નજરે દીઠા. ભલે હિન્દુસ્તાનથી હજારો માઇલ પરદેશમાં બેઠા હોય પણ વતનની વાત આવે ત્યારે પ્રત્યેક ભારતીય ગૌરવ અનુભવતો હોય છે એનો પ્રત્યક્ષ અનુભવ થયો.
ન્યુ સાઇનીંગ ઇન્ડિયાને ગૌરવ અપાવે એવી ફિલ્મ ‘ઉરી-સર્જિકલ સ્ટ્રાઇક’ને વિદેશમાં જબ્બર લોકાવકાર

