ભારતવર્ષમાં મહાભારત સમાન લોકસભાનું ચૂંટણીયુદ્ધ નજીક આવી રહ્યું છે ત્યારે ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રમાં રાજા ગણાતી પ્રજાનો પ્રશ્ન છે કે ‘મામકા અને પાંડવા’ શું કરી રહ્યાં છે? દરેક ચૂંટણીમાં પ્રજાએ આ જ પ્રશ્ન કરવાનો રહે છે અને મત આપવા સિવાય દૂરથી જ યુદ્ધના હાકલા-પડકારા સાંભળવાના રહે છે. અહીં તો ‘મામકા અને પાંડવા’ અગણિત છે. બધા જ સિંહાસનના સગાં છે અને એનડીએ, યુપીએ, પહેલો મોરચો, બીજો મોરચો અને ત્રીજો મોરચો જેવી સામસામે છાવણીઓમાં વહેંચાયેલા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની એનડીએ છાવણી વિરુદ્ધ નવી ‘મહાગઠબંધન’ છાવણી ઉભી કરવાનો પ્રયાસ ફરી એકવાર તાજેતરમાં જ થયો છે, જેના કર્ણધાર કે સૂત્રધાર બંગાળના વાઘણ તરીકે પ્રખ્યાત મમતા બેનરજી છે. પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન અને તૃણમુલ કોંગ્રેસના અધ્યક્ષ મમતાદીદીએ કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં મહારેલી યોજીને દેશના ૨૦થી ૨૫ જેટલા વિરોધપક્ષના નેતાઓને એકમંચ પર લાવવાનું ભગીરથ કાર્ય તો પૂર્ણ કર્યું છે, પરંતુ હવે તે કેટલું અને કેવી રીતે આગળ વધશે તે યક્ષપ્રશ્ન છે. હાઈ પ્રોફાઈલ રેલી મમતા બેનરજીએ ઉચ્ચારેલાં ‘બદલ દો, બદલ દો, દિલ્હીમેં સરકાર બદલ દો’ સૂત્રની નોંધ વડા પ્રધાન મોદીને પણ લેવી પડી છે અને તેમણે મહાગઠબંધનને એજન્ડા વિનાનો શંભુમેળો જ કહ્યો છે.
વિપક્ષી દળો પોતાનું કદ વિસ્તારવાના પ્રયાસોમાં લાગ્યા છે, જેની પાછળ એકમાત્ર આશય સત્તા અને વડા પ્રધાનપદ હાંસલ કરવાનો છે. મમતા મહારેલીમાં ભાગ લીધાના બીજા જ દિવસે રાષ્ટ્રીય જનતા દળના લાલુપ્રસાદના પુત્ર તેજસ્વી યાદવે કહ્યું છે કે ભાજપવિરોધી ગઠબંધનની નેતાગીરી લેવા માટે કોંગ્રેસ શ્રેષ્ઠ અને સાધનસજ્જ વિકલ્પ છે અને પ્રાદેશિક પક્ષોને યોગ્ય સર્તાન આપવા માટે કોંગ્રેસે દરિયાદિલી દર્શાવવી જોઈએ. તેમનું કહેવું છે કે કોંગ્રેસ ભારતની સૌથી જૂની પાર્ટી છે અને અત્યારે વિરોધપક્ષોમાં સૌથી વધુ બેઠકો જીતવાની ક્ષમતા પણ ધરાવે છે.
મહાગઠબંધન એકજૂટ રહી શકશે ખરું? એક સમયે ઈન્દિરા ગાંધી વિરુદ્ધ વિપક્ષો એકજૂટ થયા હતા તે જ રીતે વર્તમાન વિપક્ષો વડા પ્રધાન મોદીને હટાવવાના એકમાત્ર એજન્ડા સાથે એક પ્લેટફોર્મ પર આવ્યા છે. મહાગઠબંધન થાય એ આવકાર્ય છે કારણકે શાસક પક્ષને જોરદાર પડકાર આપવા મજબૂત વિપક્ષ પણ જરૂરી જ છે. જોકે, નવા ગઠબંધનનો કોઈ એજન્ડા છે કે કેમ તે હજુ જાહેર થયું નથી. વિપક્ષી નેતાઓ પરસ્પર વિરોધાભાસી હિતો ધરાવે છે ત્યારે એકસમાન એજન્ડા કે પોતાના અલગ એજન્ડા પર લઢશે તે પણ એક સવાલ છે.
કોલકાતા મહારેલીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી, બસપાના માયાવતી હાજર ન રહ્યાં પરંતુ, પોતાના પ્રતિનિધિઓને મોકલી સમય સાચવી લીધો છે. પૂર્વ વડા પ્રધાન દેવે ગોવડા, પૂર્વ મુખ્યપ્રધાનો ફારુક અબ્દુલ્લા અને શરદ પવાર, કોંગ્રેસના મલ્લિકાર્જુન ખારગે અને અભિષેક મનુ સિંઘવી, વર્તમાન મુખ્યપ્રધાનો ચંદ્રાબાબુ નાયડુ, એચ.ડી કુમારસ્વામી અને અરવિંદ કેજરીવાલ, શરદ યાદવ, ડીએમકેના સ્ટાલિન, તેમજ ભાજપના જ બળવાખોર પૂર્વ મિનિસ્ટર્સ શત્રુધ્ન સિંહા, યશવંત સિંહા અને અરુણ શૌરી સહિતના નેતાઓએ રેલીમાં પ્રવચન કર્યાં તેમાં એકબીજાને અનુકૂળ થવાની હવા હતી. દેખીતી રીતે વિપક્ષમાં રાહુલ ગાંધી, માયાવતી, નાયડુ, મમતાદીદી વડા પ્રધાનપદનું પતાસું મળી જાય તે માટે બગાસાં ખાઈ રહ્યાં છે. છેલ્લે તો સર્વસંમત ઉમેદવાર બનવાની ખ્વાહિશ ધરાવતા દેવે ગોવડાએ કહ્યું છે તેમ વિપક્ષનો રાહ આસાન નથી.
