યુકે-ભારત સંબંધ મજબૂત બનાવવા લેબર ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયાની પુનઃશરૂઆત

Wednesday 23rd January 2019 05:22 EST
 
 

ગયા બુધવારે લંડનમાં લેબર પાર્ટીના મુખ્યમથકે યોજાયેલા કાર્યક્રમમાં લેબર ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયાની પુનઃ સફળતાપૂર્વક શરૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સાંસદો, શેડો કેબિનેટ મિનિસ્ટર્સ, કાઉન્સિલર્સ અને પક્ષના કાર્યકરોને સહઅધ્યક્ષો ડેપ્યુટી મેયર ઓફ લંડન રાજેશ અગ્રવાલ અને બ્રિસ્ટોલ નોર્થ વેસ્ટના સાંસદ ડેરેન જોન્સે સંબોધન કર્યું હતું.

ભારતના નવા હાઈ કમિશનર રુચિ ઘનશ્યામે પણ સંબોધન કર્યું હતું. અન્ય વક્તાઓમાં સાંસદ જહોન મેકડનેલ, શેડો ચાન્સેલર અને સાંસદ બેરી ગાર્ડીનર શેડો સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઈન્ટરનેશનલ ટ્રેડનો સમાવેશ થતો હતો.

રાજેશ અગ્રવાલે જણાવ્યું હતું કે લેબર ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયા ૧.૫ મિલિયનના બ્રિટિશ-ભારતીય સમાજને બુલંદ અવાજ આપશે તેમજ મોટી આંતરરાષ્ટ્રીય સત્તા તરીકે તેમજ ઝડપથી વિકસતા અર્થતંત્ર તરીકે ઉભરી રહેલા ભારત વિશે ખ્યાલ આપશે. ગ્રૂપની પુનઃશરૂઆત સાથે યુકે અને ભારત વચ્ચેની મજબૂત આંતરરાષ્ટ્રીય ભાગીદારી વધુ દ્રઢ બનશે.

તેમણે ઉમેર્યું હતું કે ભારતના આઝાદીના હક્થી લઈને ઉપખંડમાંથી આવતા લોકો માટે સરકારની ઈમિગ્રેશન નીતિઓને પડકારવા સુધીના ભારત સાથેના આપણા સંબંધો ઐતિહાસિક અને મજબૂત છે. લેબર ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયાની પુનઃ શરૂઆત સાથે અમે ભારત અને યુકે વચ્ચે ભાગીદારી ઘડવા માટેના અમારા પ્રયાસોને વધારીશું.

સાંસદ ડેરેન જોન્સે જણાવ્યું હતું કે લોકો, બિઝનેસીસ, વિદ્યાર્થીઓ, સમાજના અગ્રણીઓ અને વોલન્ટરી ક્ષેત્રના કાર્યકરો જે પડકારો અને ચિંતાનો સામનો કરી રહ્યા છે તેના વિશે આપણે સાંભળીશું તો આપણે ભારતીય ડાયસ્પોરાને સંબંધિત મુદ્દાઓ વિશે વધુ સમજ મેળવી શકીશું. તેમણે ઉમેર્યું હતું કે લેબર પાર્ટીના ભારત સાથેના તેમજ યુકેમાં મહત્ત્વના ભારતીય ડાયસ્પોરા સાથેના સંબંધોનો ગૌરવશાળી ઈતિહાસ છે. આપણે જ્યારે સરકારમાં પાછા ફરવાની તૈયારી કરી રહ્યા છીએ ત્યારે ભવિષ્ય માટે આપણા સંબંધોને વધુ મજબૂત બનાવવા કૃતનિશ્ચયી છીએ.


comments powered by Disqus