હેલ્થ ટીપ્સઃ શરદી-ખાંસીને દૂર ભગાવતા અકસીર ઉપાય

હેલ્થ ટિપ્સ

Saturday 26th January 2019 06:08 EST
 
 

નાકમાં, ગળામાં ચચરાટ થાય, માથું ભારે લાગે, નાકમાંથી પાણી પડે, વારંવાર છીંકો આવે, સાધારણ તાવ જેવું લાગ્યા કરે, ગળામાં કશુંક ખટકતું લાગે, ખાંસી આવ્યા કરે. શિયાળામાં ઠંડીને કારણે આમાંના કેટલાંક કે ક્યારેક બધાં લક્ષણો સાથે શરદી-ખાંસી વારંવાર થતી હોય છે. આજે એવા ઉપચારો વિશે જાણીએ જેની સામગ્રી તમને ઘરના કિચનમાં જ મળી રહેશે અને કોઈ પણ આડઅસર વગર શરદી-ખાંસીથી છૂટકારો અપાવશે.
હળદર: હળદર શ્વસન માર્ગમાં જામેલા કફને દૂર કરે છે. તે એન્ટી-બેક્ટેરિયલ, એન્ટી-વાઈરલ હોવાથી ઈન્ફેકશનને દૂર કરે છે. હળદરના કેટલાક પ્રયોગો જોઇએ તો, ગરમ દૂધમાં ૧ ચમચી હળદર અને ચપટી મરીનું ચૂર્ણ નાંખી પીવું. અથવા તો ૧ કપ પાણી ઉકાળી બે ચમચી હળદર ચૂર્ણ, ૧ ચમચી શુદ્ધ ઘી, ચપટી મીઠું નાખી થોડું ઠંડું પડે પછી પીવું. ખાસ તો રાત્રે આવતી ખાંસીમાં આ ફાયદો કરે છે. અથવા તો લીલી હળદરના ત્રણથી ચાર ગાંઠિયાનો રસ કાઢી તેમાં એક ચમચી મધ ઉમેરીને પીઓ. ગળામાં બળતરા કે ચચરાટ હોય તો નવશેકા પાણીમાં ચપટી હળદર અને મીઠું નાંખી કોગળા કરવા.
મરી: કાળાં મરી એન્ટી ફંગલ, એન્ટી બેક્ટેરિયલ ગુણધર્મ ધરાવે છે તેથી જ શરદી, ફ્લૂ, ખાંસી દૂર કરવા અકસીર છે. શરદી-ખાંસીની તકલીફમાં સૂંઠ, મરી અને પીપર આ ત્રણેય ઔષધોના ચૂર્ણને સરખા ભાગે ભેળવીને રોજ ૧ ચમચી ઘી, મધ, ગરમ દૂધ કે નવશેકા પાણી સાથે લો. અથવા બે મરીને વાટી તે ચૂર્ણને એક ચમચી મધમાં લસોટી ચાટી જાવ. સૂકી ખાંસીમાં ખૂબ રાહત થશે અને અવાજ ખૂલી જશે.
આદુ: સહેજ તીખો સ્વાદ ધરાવતું આદુ શરદી-ફ્લુને રોકવાના ઈલાજ માટે બહુ જાણીતું છે. આદુ-લીંબુનો જ્યુસ તાજગીદાયક છે. તે રોગપ્રતિકારક શક્તિ વધારે છે. એક કપ પાણીમાં થોડાં તુલસીના પાન, બે મરી અને થોડું પીસેલું આદુ નાંખીને ઉકાળો. થોડુંક ઠંડુ થાય પછી ગાળીને, એક ચમચી મધ નાંખીને પીઓ. આદુ-તુલસીની આ ચ્હાથી કફ છૂટો પડે છે અને શરદીમાં રાહત થાય છે. આ સિવાય તમે છાતી-કપાળ-નાક-ગળા પર સરસિયા તેલનું માલીશ કરી શકો છો. જરૂર પડ્યે ગરમ પાણીની વરાળનો નાસ લો. શરદી-ખાંસી ન હોય ત્યારે નિયમિત પ્રાણાયામ કરો. ઊંડા શ્વાચ્છોશ્વાસની કસરતથી વારંવાર શરદી થતી રોકી શકાય છે. આ ઉપરાંત ખોરાકમાં સિઝનલ ફળો, લીલાં શાકભાજી, સલાડ, સૂપ વગેરે સામેલ કરો. સૂપ કે રાબ જેવી પ્રવાહી વાનગી સૂંઠ નાંખીને પીવી. ખોરાક તાજો, ગરમ, તરત પચી જાય તેવો જ લો. શરદી-ખાંસીની તકલીફમાં રાહત મેળવશો.


comments powered by Disqus