વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશયાત્રાઓની ભલે ટીકા કરાતી હોય પરંતુ, દેશમાં મૂડીરોકાણ અને ઉદ્યોગોને ઉત્તેજન આપવામાં આ સંબંધો જ કામે લાગે છે. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ‘શેપિંગ અ ન્યૂ ઈંડિયા’ થીમ સાથે આયોજિત ત્રણ દિવસના વાઇબ્રન્ટ ગુજરાત સમિટ ૨૦૧૯ની પૂર્ણાહુતિ થવાં સાથે ગુજરાત અને દેશના સર્વાંગી વિકાસના રાજમાર્ગ સમાન સમિટમાં કુલ ૨૮,૩૬૦ સમજૂતી કરાર (એમઓયુ) થયા હોવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આના પરિણામે, ૨૧ લાખ યુવાનોને રોજગારી હાંસલ થવાનો પ્રાથમિક અંદાજ જાહેર કરી દેવાયો છે. સરકારી સૂત્રોને માનીએ તો અંદાજે ૩૦ થી ૪૦ લાખ કરોડ રૂપિયાના સમજૂતી કરાર થયાં છે. રોકાણો અને રોજગારીની વાસ્તવિકતા ભલે ઓછી હોય પરંતુ, ગુજરાતીમાં કહેવત છે કે ‘પડ્યો પોદળો ધૂળ લઈને જ ઉખડે’ તે મુજબ તેનો લાભ તો મળવાનો જ છે. ગુજરાતમાં રોકાણ આવે અને લોકોને રોજગારી મળે તેનું મહત્ત્વ સ્વાભાવિકપણે જ વિશેષ હોય.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવમા વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ઉદઘાટન કરી દેશવિદેશના મહાનુભાવોને આવકારી ગુજરાત અને ભારતમાં રોકાણની વિપુલ તકો હોવા વિશે માહિતગાર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે ૨૦૦૩માં વાઈબ્રન્ટ ગુજરાત સમારોહનો વાજતેગાજતે આરંભ કર્યો હતો અને આજે પણ તે સફળતાની કેડીએ આગળ વધી રહ્યો છે. તેમણે સાચી રીતે જ કહ્યું છે કે વાઈબ્રન્ટ ગુજરાત સાચા અર્થમાં આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ બની ગયો છે. ગત ચાર વર્ષમાં ભારતે ગ્લોબલ રેન્કિંગમાં જમ્પ લગાવ્યો છે અને આગામી વર્ષે ‘ઈઝ ઓઇ ડુઈંગ બિઝનેસ’ કેટેગરીમાં વિશ્વના ૫૦ દેશની યાદીમાં ભારતને સ્થાન અપાવવાની મહેચ્છા તેમણે વ્યક્ત કરી હતી.
તાજેતરના વર્ષોમાં વિશ્વ બેન્ક અને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ જેવી સંસ્થાઓએ ભારતીય અર્થતંત્રમાં અને હાથ ધરાયેલા સુધારાઓમાં વિશ્વાસ દર્શાવ્યો હોવાનું કહેતા જ મોદીએ ‘પરફોર્મ, રીફોર્મ, ટ્રાન્સફોર્મ અને પુનઃ રીફોર્મ’ના મહામંત્રનો પુનરુચ્ચાર કર્યો હતો.
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સૂચક રીતે જ ‘હર હાથ કો કામ’ના નારાને બુલંદ બનાવવાની કોશિશ કરી છે. સમિટે ગુજરાતની ખ્યાતિ દશે દિશામાં ફેલાવી છે, જેના પરિણામે, ગુજરાત વિશ્વના રોકાણકારો માટે વૈશ્વિક કેન્દ્ર બન્યું છે. કહેવા સાથે રૂપાણીએ વાઈબ્રન્ટ સમિટની સરાહના કરી હતી. તેમણે ‘ગુજરાતઃ સ્પ્રિન્ટ ટુ ૨૦૨૨ એન્ડ બિયોન્ડ’ ઇવેન્ટમાં ગુજરાતના ભાવિ વિકાસનો આશાવાદ દર્શાવ્યો હતો કે ૨૦૩૦ સુધીમાં રાજ્યની માથાદીઠ આવક ૧.૫૦ લાખથી વધી ૫.૨ લાખ રૂપિયા અને ગુજરાતના અર્થતંત્રનું કદ પણ ૧૧ લાખ કરોડથી વધીને ૪૦ લાખ કરોડ રૂપિયા થઈ જશે.
દર બે વર્ષે યોજાતા વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું મહત્ત્વ દર્શાવવું હોય તો કહી શકાય કે તેમાં કુલ ૧૩૫ દેશોએ ભાગ લીધો હતો, જેમાં આફ્રિકાના ૫૪માંથી ૫૨ દેશનો સમાવેશ થયો હતો. ગ્લોબલ સમિટની મહત્ત્વની બાબત તો એ છે કે ગુજરાતી હોવાનો ગર્વ ધરાવતા રિલાયન્સના મુકેશ અંબાણી, ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરન, બિરલા જૂથના કુમારમંગલમ બિરલા, ટોરન્ટ ગ્રૂપના સુધીર મહેતા, અદાણી જૂથના ગૌતમ અદાણી તેમજ રશિયન ગ્રૂપ રોઝનેફ્ટ અને જાપાનની સુઝૂકી કંપનીના ચેરમેન સહિત ઉપસ્થિત ટોચના ઉદ્યોગપતિઓ દ્વારા ગુજરાતમાં લાખો કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરાઈ તે જ ગુજરાતના મહત્ત્વને દર્શાવે છે. આ રોકાણનો મહત્તમ લાભ ગુજરાતને મળે તે સ્વાભાવિક છે પરંતુ, તેની સાથે ભારતની વિશ્વક્ષેત્રે હરણફાળ પણ જોડાયેલી છે.
