અભિષેક ચૌબેની ફિલ્મ સોનચીડિયા ટૂંક સમયમાં રિલીઝ થવાની છે. ફિલ્મની રિલીઝ પહેલા કેટલીક આશ્ચર્યજનક બાબતો સામે આવી રહી છે. ‘સોનચીડિયા' માટે ભૂમિ પેડનેકર ૪૫ દિવસ સુધી એક જ રૂમમાં બંધ રહી હતી. આ ફિલ્મ ડાકુયુગ પરની છે અને ૭૦ના દાયકાને જીવંત કરે છે એટલે આ ફિલ્મોના પાત્રોના લૂક પર પણ ખાસ મહેનત કરાઈ છે. તેથી ફિલ્મની હીરોઈન ભૂમિ પેડનેકરે ફિલ્મની તૈયારી માટે ૪૫ દિવસ સુધી એક જ રૂમમાં બંધ રહેવું પડ્યું. ફિલ્મમાં ભૂમિ ચંબલમાં રહેતી મહિલાની ભૂમિકા ભજવી રહી છે.
ભૂમિનું કહેવું છે કે, પાત્રને સમજવા માટે મારે દોઢ મહિનો રૂમમાં રહેવું પડ્યું. એક્ટિંગ એ કાયાપલટની પ્રોસેસ છે. જેમાં પોતાની જાતને ભૂલીને પરકાયા પ્રવેશ કરવો પડે છે. આ ફિલ્મ માટે મારે આવું કરવું જરૂરી હતું. એટલે પાત્રના માનસ અને વ્યવહારને સમજવા માટે મારે જાતને દૂર રાખવી પડી હતી.
આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં સુશાંતસિંહ રાજપૂત, ભૂમિ પેડનેકર, મનોજ વાજપેઈ, રણવીર શૌરી, આશુતોષ રાણા છે. અભિષેક ચૌબેએ ડિરેક્ટ કરેલી ફિલ્મમાં એક્શન સિકવન્સની ભરમાર છે. સાથે જ આ ફિલ્મમાં મધ્ય ભારતના ડાકુઓના શાનદાર ગૌરવની ઝલક પણ દેખાશે.

