PVS ખાતે દિવાળી વર્કશોપમાં બાળકોએ રંગોળી અને પેઈન્ટિંગ્સ બનાવ્યા

Wednesday 23rd October 2019 06:13 EDT
 
 

વિશ્વ હિંદુ પરિષદ યુકેના પ્રોજેક્ટ પાંડવ વિદ્યા શાળા (PVS) ખાતે દિવાળી વર્કશોપ યોજાયો હતો. દિવાળીની ઉજવણીના ભાગરૂપ આ વર્કશોપમાં કોમ્યુનિટીના નાના બાળકોથી લઈને વડીલો સુધી સૌ કોઈ જોડાયા હતા. PVSના વિદ્યાર્થીઓને પણ આ વર્કશોપ દ્વારા ઘણું શીખવા મળ્યું હતું. તેમણે દિવાળી દરમિયાન ઉપયોગમાં લઈ શકાય તેવી જુદી જુદી રચનાઓ જેમ કે વિવિધ પ્રકારની ડિઝાઈનો સાથેની રંગોળી, પેઈન્ટિંગ્સ, દીવડા અને દિવાળી કાર્ડ્સ બનાવવાનો આનંદ માણ્યો હતો. આ વર્કશોપ વિશે ગીતાબેન મિસ્ત્રીએ જણાવ્યું હતું કે જીવનના ભાગરૂપે સમાજના ઉત્કર્ષ માટે આપણી ભાષા અને આપણી સંસ્કૃતિને જીવંત રાખવા બાળકો પોતાનો સમય આપે છે તે મારા માટે મહત્ત્વનું છે. વર્કશોપમાં જોડાયેલા બાળકો અને પેરેન્ટ્સને વાતચીત કરતાં અને મજા માણતા જોવાનો અનુભવ યાદગાર રહ્યો.

૯ વર્ષીય ધીયાએ કહ્યું કે દિવાળી માટે દીવા પેઈન્ટિંગ અને રંગોળી બનાવવામાં મજા આવી તેથી મને દિવાળી વર્કશોપમાં ભાગ લેવાનું ગમ્યું. ૧૨ વર્ષીય પ્રિશાએ દિવાળી વર્કશોપમાં ભાગ લઈને દિવાળીની વહેલા ઉજવણી કરવાનો આનંદ આવ્યો.

ઈશિતાએ જણાવ્યું હતું કે ખાસ કરીને બાળકો માટે દિવાળી આર્ટ્સ એન્ડ ક્રાફ્ટ્સ ફેસ્ટિવલ ખૂબ જ સરસ રહ્યો કારણ કે બાળકોને પરંપરાગત કળા અને કારીગરીમાં જોડાવાની તક મળી. ઈશિતાએ તબલાવાદન કર્યું હતું.

ઈશાને જણાવ્યું કે જુદી જુદી દાળની રંગોળી બનાવવાનો અનુભવ ખૂબ સરસ રહ્યો કારણ કે આ પહેલા મેં આવી રંગોળી બનાવી જ નથી.

દીપા અને સુનૈયા નાયકે જણાવ્યું હતું કે આ વર્કશોપમાં જુદા જુદા આર્ટ્સ અને ક્રાફ્ટ્સ, પુસ્તકોથી લઈને કપડાં અને ડેકોરેશન, સ્વાદિષ્ટ ફૂડ તેમજ કથક અને તબલા વર્કશોપ્સમાં ભાગ લેવાની તક મળી.


comments powered by Disqus