અયોધ્યા વિવાદઃ હવે ચુકાદાની વાટ

Wednesday 23rd October 2019 07:41 EDT
 

સવાસો વર્ષથી વધુ જૂના, રાજકીય અને ધાર્મિક દૃષ્ટિએ અતિ સંવેદનશીલ રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ ભૂમિ વિવાદના કાનૂની યુદ્ધના અંત તરફ પ્રયાણનો આરંભ થઈ ગયો છે. આસ્થા, ઈતિહાસ અને તથ્યોની કસોટી સમાન આ વિવાદમાં સુપ્રીમ કોર્ટમાં ૪૦ દિવસમાં ૧૬૫થી વધુ કલાકની મેરેથોન સુનાવણી પૂર્ણ થવા સાથે ન્યાયપીઠમાં ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ ઉપરાંત જસ્ટિસ એસ. એ. બોબડે, જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એસ. એ. નઝીરની બેન્ચ દ્વારા ચુકાદો લખાવાની શરૂઆત પણ થઇ છે અને ૧૭ નવેમ્બરે ચીફ જસ્ટિસની નિવૃત્તિ અગાઉ ચુકાદો આવી જશે તે સુનિશ્ચિત બન્યું છે. આ સુપ્રીમ કોર્ટની ઈચ્છાશક્તિના કારણે જ શક્ય થયું છે. ન્યાયપીઠ પહેલેથી જ સ્પષ્ટ હતી નિર્ધારિત સમયમાં સુનાવણી પૂર્ણ કરી ચુકાદો ન અપાય તો નવી ગિલ્લી નવો દાવ હિસાબે આ સમગ્ર કવાયત નવેસરથી શરૂ કરવાની ફરજ પડે.
રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદમાં ન્યાયપીઠે મંદિર અને મસ્જિદની વિવિધ ધાર્મિક પરિભાષા, સંખ્યાબંધ દસ્તાવેજો, પુરાતત્વ વિભાગનો રિપોર્ટ તેમ જ કુરાન, બાબરનામા અને રામચરિત માનસ, સ્કંદ પુરાણ સહિત હિન્દુ ધર્મગ્રંથો, વિદેશી યાત્રીઓના પુસ્તકો સહિતના આધારે જમીનનો માલિકી હક, જમીન પર કબજો, ભગવાન રામનું જન્મસ્થળ, પૂજા અને નમાજના અધિકાર, ભારતમાં આર્ય પ્રજાનો ઈતિહાસ સહિતના મુદ્દાઓ પરત્વે વિદ્વાન ધારાશાસ્ત્રીઓની દલીલો સાંભળી છે. દેશના ન્યાયિક ઇતિહાસમાં અયોધ્યા વિવાદ કેસ સૌથી લાંબો ચાલનારો બીજો મામલો છે. પ્રથમ ક્રમ કેશવાનંદ ભારતી કેસનો છે જે ૬૮ દિવસ ચાલ્યો હતો.
આમ તો રામ જન્મભૂમિ વિવાદ મોગલ બાદશાહ બાબરકાળ - ૧૫મી સદીથી ચાલે છે, પરંતુ ૧૮૧૩માં હિન્દુ સંગઠનોના દાવા સાથે સૌપ્રથમ વખત પ્રકાશમાં આવ્યો હતો. આ પછી, દાવા-પ્રતિદાવા અને હિંસા-પ્રતિ હિંસાનો દોર ચાલ્યો અને બ્રિટિશ સરકાર પણ થાકી ગઈ. વસ્તુસ્થિતિ એ છે ૧૯૯૨માં બાબરી મસ્જિદ વિધ્વંસના પગલે નરસિંહ રાવ સરકારે વિવાદાસ્પદ હિસ્સો કબજે લઇને ૧૯૯૩માં વિવાદિત સ્થળ તેમ જ આસપાસની લગભગ ૬૭ એકર જમીનનું અધિગ્રહણ કર્યું હતું.
વિવાદમાં યથાસ્થિતિ જાળવવાના આદેશ પછી અલાહાબાદ હાઈ કોર્ટે ૨૦૦૨માં સુનાવણી આરંભી અને તેના આદેશથી આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા દ્વારા મસ્જિદ હેઠળ હિન્દુ મંદિરના અવશેષ હોવા સંદર્ભે ખોદકામ કરાયું હતું અને મંદિરના અવશેષો મળ્યાનો દાવો પણ પુરાતત્વ વિભાગે કર્યો હતો. છેક સપ્ટેમ્બર ૨૦૧૦માં અલાહાબાદ હાઇ કોર્ટે સમુદાયો વચ્ચે સંવાદિતાનો ભંગ ન થાય તેને યાનમાં રાખી વિવાદિત ૨.૭૭ એકર ભૂમિ ત્રણ પક્ષકાર નિર્મોહી અખાડા, રામલલા વિરાજમાન અને સુન્ની વકફ બોર્ડને સમહિસ્સે વહેંચવાનો આદેશ કર્યો તેનાથી નારાજ પક્ષકારોની ૧૪ અરજીઓ પર સુપ્રીમ કોર્ટે સુનાવણી હાથ ધરી હતી.
અન્ય નોંધપાત્ર હકીકત એ રહી છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા મધ્યસ્થીના પ્રયાસોને પણ ઉત્તેજન અપાયું હતું. જોકે, સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટિસ ફકીર મોહમ્મદ ઇબ્રાહિમ ખલીફુલ્લાના વડપણ હેઠળ શ્રીશ્રી રવિશંકર અને વરિષ્ઠ ધારાશાસ્ત્રી શ્રીરામ પાંચુની બનેલી મધ્યસ્થતા સમિતિનો પ્રથમ પ્રયાસ નિષ્ફળ નીવડ્યો હતો. આ પછી, નવેસરના પ્રયાસોના પગલે સુનાવણીના આખરી દિવસે સમાધાનનો એક મુસદ્દો ન્યાયપીઠને સુપરત કરાયો છે. જોકે, તેમાં વિવાદના ફણગાં ફૂટવાથી સુપ્રીમ તેના પર ધ્યાન આપે તેવી શક્યતા ઓછી છે.
સમગ્ર દેશ અયોધ્યા વિવાદમાં ચુકાદાની રાહ જોઇ રહ્યો છે. વિવાદ સાથે સંકળાયેલા મુસ્લિમ અને હિન્દુ પક્ષકારો સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવા તત્પર છે અને દેશની શાંતિ કે સંવાદિતા જોખમાય તેનાથી દૂર રહેવા ઈચ્છે છે તે આવકાર્ય બાબત છે. સુપ્રીમ કોર્ટ દ્વારા અલાહાબાદ હાઇ કોર્ટનો ચુકાદો યથાવત્ રખાય છે કે નવી વ્યવસ્થા સૂચવાય છે એ તો કલ્પનાનો વિષય છે. આમ છતાં, સુપ્રીમ કોર્ટનો ચુકાદો રાષ્ટ્રીય તવારિખમાં ઐતિહાસિક નીવડશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.


comments powered by Disqus