વડીલો સહિત સહુ વાચકમિત્રો, દિવાળી. સ્નેહના આદાન-પ્રદાનનો સમય. સૌએ એક થવાનો સમય. તમામ ધર્મોની પરંપરામાં તેમજ અન્યોમાં દિવાળી, ક્રિસમસ, ઈદ, જ્યૂઈશ પાસઓવર અને એટલે સુધી કે ધર્મમાં ન માનતા લોકો પણ મધર્સ ડે, ફાધર્સ ડે, એપ્રિસિએશન ડે અને ફ્રેન્ડશિપ ડેની ઉજવણી કરતાં હોય છે. શા માટે ન કરે ? તેનું સરળ કારણ એ છે કે દરેક માનવી માટે સમયાંતરે સ્નેહ અને આભાર વ્યક્ત કરવાની મુખ્ય જરૂરિયાત હોય છે. દિવાળીના સમયે માતા-પિતા, બાળકો અને મિત્રો તેમજ શુભેચ્છકો એકબીજાને દિવાળીની શુભકામના પાઠવે છે. એકબીજાને મળે છે અને આ બધું માત્ર ઔપચારિકતા નથી. આપણે માનવી છીએ તેથી તેમ કરીએ છીએ. સ્વાભાવિક રીતે જ જે લોકોના જીવનમાં આપણું વિશેષ સ્થાન હોય તેમના પ્રત્યે આપણી લાગણી, સ્નેહ અને આભાર વ્યક્ત કરીએ છીએ. અરે પશુઓ પણ પ્રેમ કરે છે.
તેથી હું આપ સૌને દિવાળી અને સ્વાસ્થ્યસભર, સુખમય અને સમૃદ્ધ નૂતન વર્ષની શુભેચ્છા પાઠવું છું. વાચકો, એડવર્ટાઈઝર્સ અને સપોર્ટર્સે તેમના આશીર્વાદ અને શુભકામનાઓ પાઠવી છે તે બદલ હું તેમનો આભાર માનું છું.
હંમેશા તમને જે કંઈ સારું મળે તે અન્ય લોકોને પણ આપો.
ખાસ કરીને દિવાળીના સમયે પોતાના બાળકો તેમની મુલાકાત લે તેવું માતા-પિતા ઈચ્છતા હોય છે. આ એક સામાન્ય સામાજીક અને સાહજિક વૃત્તિ છે. પરંતુ, જ્યારે આ સંતાનો મોટા થાય છે અને તેમનો પોતાનો પણ પરિવાર હોય છે ત્યારે તેમની પણ જવાબદારીઓ અને પ્રાથમિકતાઓ હોય છે. તમામ સમાજમાં મહિલાઓને માતા-પિતા પ્રત્યે એક પુરુષ કરતાં વધારે અને વિશેષ લાગણીઓ હોય છે. આ આનુવંશિક બાબત છે અને તેમાં અસંમત થવા જેવું કંઈ નથી. તેથી આ કારણે અથવા અન્ય કોઈ કારણસર ખાસ દિવસે બાળકો માતા-પિતાની મુલાકાત ન લે અથવા શુભેચ્છા પાઠવે નહીં તો તેમણે તેના વિશે રોષ કે ચિંતા કરવી નહીં. તેવી જ રીતે જે માતા-પિતા પોતાના સંતાનોને અને પૌત્રોને મળવા અને શુભકામના પાઠવવા માગતા હોય તેમને પણ ઉંમર, ટ્રાન્સપોર્ટેશન, તબિયત અથવા અન્ય જેવાં ઘણાં કારણો હોઈ શકે. આ તમામ પરિસ્થિતિઓમાં સમજણ અને થોડીક સહનશક્તિ જરૂરી છે.
વ્યક્તિની ઈચ્છા ઘણી હોય પરંતુ, વ્યવહારિકતા અને આવવાજવાની સમસ્યાને લીધે તે અટકી જાય તેવું બને. સમાજમાં મહદઅંશે લગભગ ૨૦ ટકા સુધીના લોકોને સંતાનો હોતા નથી અને ઘણી વખત તેઓ અન્ય લોકો પ્રત્યે પોતાનો સ્નેહ અને આદર પ્રગટ કરતા હોય છે. ફરીથી તે પણ સ્વાભાવિક છે. છેલ્લાં થોડાં દિવસોમાં મેં ત્રણ પરિવારોની મુલાકાત લીધી. ચાલો હું એક પ્રેરણાદાયી યાત્રા વિશે રજૂઆત કરું.
ગુજરાતી સાહિત્ય જગતમાં મોટું નામ એવાં નાનાલાલ કવિના દોહિત્રી કાન્તાબેન દવે લંડનમાં રહે છે. ૯૪ વર્ષના કાન્તાબેન યુગાન્ડાના કમ્પાલા મ્બાલેના ભૂતપૂર્વ પ્રતિભાશાળી ટીચર છે. તેમના પતિ પ્રભાકરભાઈ પટેલની ઉંમર ૭૬ વર્ષ છે. હું જીવનમાં ક્યારેય ન કહી શકું કે હું મારી જીંદગીમાં સુખી, સમર્પિત અને આદર્શ દંપતીને મળ્યો નથી. તેઓ અનુકરણીય જીવન જીવે છે.
આદરણીય બહેન કાન્તાબેન અને પ્રભાકરભાઈ જેવા સામાન્ય લાગતા લોકોએ માનવ સેવા પાછળ સક્રિય રીતે આફ્રિકા, યુકે અને ભારતમાં લગભગ ૨૦૦,૦૦૦ પાઉન્ડનું યોગદાન આપ્યું છે. તે પણ કોઈ આડંબર કે પ્રસિદ્ધિની ખેવના વગર. હું તેમને છેલ્લાં ૪૦ વર્ષથી ઓળખું છું. ઉંમર થઈ હોવાથી તેમને સ્વાસ્થ્ય સંબંધી તકલીફો રહે છે. કાન્તાબેનના ઘણાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેનાથી વાકેફ છે. એટલું જ નહીં તેઓ હંમેશા પોતાની રીતે તેમને મદદરૂપ થવા ઈચ્છતા જ હોય છે.
કાન્તાબેન અને તેમના પતિ પ્રભાકરભાઈ લંડનના ઈશાન વિસ્તારમાં રહે છે. તેમના એક વિદ્યાર્થી અને તેમનો પરિવાર હેરોમાં રહે છે. આ માંડવિયા દંપતી દર અઠવાડિયે પોતાની સ્વેચ્છાથી જ કાન્તાબેનને જરૂરી શાકભાજી તથા અનાજ-કરિયાણું ખરીદવા નજીકની શોપ્સમાં જાય છે અને દર વીકેન્ડમાં કાન્તાબેનને પહોંચાડે છે. એટલું જ નહીં, શ્રીમતી માંડવિયા તો કાન્તાબેન અથવા પ્રભાકરભાઈને રસોઈ બનાવવામાં સરળતા રહે તે માટે શાકભાજી ધોયેલા અને સમારેલા પહોંચાડવાની તકેદારી રાખે છે. હેરોનું આ આદર્શ દંપતી ઘણાં લાંબા સમયથી આ મદદ કરે છે. તેનું એક માત્ર કારણ એ છે કે માંડવિયા માને છે કે કાન્તાબેન એક પ્રતિભાશાળી ટીચર છે અને તેમણે તેમને ઘણું આપ્યું છે.
ચાલો હું બીજી વ્યક્તિ વિશે વાત કરું. રિટાયર્ડ GP ડો. જાની ૮૦ માઈલ દૂર બ્રાઈટનમાં રહે છે. તેમને જ્યારે પણ અનુકુળ હોય ત્યારે તેઓ તેમના ભૂતપૂર્વ ટીચરની મુલાકાત લે છે. જોકે, તેઓ દર વીકેન્ડમાં નિયમિતપણે તેમને કોલ કરે છે અને લાંબી વાતો કરે છે. હું એવા પ્રેરણાદાયી કેટલાયથી સુપરિચિત છું, સદભાગી છું. મને મારા પરિવાર તરફથી, મારા ABPL સાથીદારો તરફથી અને ખાસ કરીને મારા વાચકો અને સમર્થકો તરફથી ખૂબ સ્નેહ, પ્રશંસા અને સમર્થન મળે છે તેથી હું મારી જાતને ભાગ્યશાળી માનું છું.
હું આપ સૌનો ખૂબ આભારી છું અને આપ સૌ પ્રત્યે લાગણી વ્યક્ત કરવા મારી પાસે શબ્દો નથી. હું આપ સૌને શ્રેષ્ઠ દિવાળી અને સૌહાર્દપૂર્ણ નૂતન વર્ષની શુભકામના પાઠવું છું. (ક્રમશઃ)
