કોઈ પણ આધુનિક અર્થવ્યવસ્થાના વિકાસમાં બેન્કિંગ સિસ્ટમ નાણાકીય પુરવઠો વહેતો રાખવામાં વિશેષ ભૂમિકા ધરાવે છે કારણ કે તેનો સંબંધ બચત, મૂડીસર્જન તેમ જ વેપાર-વાણિજ્ય સાથે સંકળાયેલો છે. આ સમગ્ર પ્રક્રિયા વિશ્વાસે ચાલતા વહાણ જેવી છે, પરંતુ પંજાબ અને મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ (પીએમસી) બેંક કૌભાંડ જેવી તાજેતરની ઘટના આ વિશ્વાસને તોડે છે ત્યારે ગંભીર પરિસ્થિતિ સર્જાય છે. આ ઘટના અમદાવાદની માધવપૂરા મર્કન્ટાઈલ કો-ઓપરેટિવ બેન્કે ૨૦૦૧માં દેવાળું ફૂંક્યું તેની યાદ અપાવે છે. માધવપૂરા બેન્કમાં તો અન્ય ૨૧૦ સહકારી બેન્કોનાં નાણાં પણ ફસાયા હતા.
આવી ઘટનાઓ એકલદોકલ રહી નથી ત્યારે રિઝર્વ બેન્ક ઓફ ઇંડિયાની કાર્યક્ષમતા સામે સવાલો ઉઠે તે સ્વાભાવિક છે. પાંચ કૌભાંડીની ધરપકડ કરાય અને પ્રમોટર્સ કે અન્યોની સંપત્તિ પર જપ્તી લવાય તે બધું તો ઘોડા નાસી ગયા પછી તબેલાને તાળાં મારવા જેવું જ કહેવાય. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ હેઠળ રિઝર્વ બેન્ક દેશની બધી બેન્કોના ખાતાંની ચકાસણી કરે છે. જો બેન્કની નાણાકીય હાલત આટલી બદે કથળી ગઇ હતી તો રિઝર્વ બેન્કને ખબર શા માટે ન પડી? આમાં પણ વૈદ ગાંધીનું સહિયારુંનો ઘાટ થયાની શંકા જવી સ્વાભાવિક છે.
બેન્કોમાંથી કૌભાંડકારો અધિકારીઓના મેળાપીપણા સાથે મોટી રકમો લોન લઈને રફુચક્કર થઈ જાય છે ત્યારે નિર્દોષ બચતકારોએ રાતાં પાણીએ રોવાનો વારો આવે છે. આવું જ આ કૌભાંડમાં પણ થયું છે. પીએમસી બેંક કૌભાંડ પણ ૬૫૦૦ કરોડ રૂપિયાનું છે, જેમાં રિઅલ એસ્ટેટ કંપની હાઉસિંગ ડેવલપમેન્ટ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (એચડીઆઇએલ)ના પ્રમોટર પિતા-પુત્ર રાકેશ અને સારંગ વાધવાનની બેન્ક અધિકારીઓ સાથે સાંઠગાંઠ બહાર આવી છે. બેન્કની કુલ લોનની ૭૩ ટકા લોન આ કંપનીને જુદાં જુદાં નામે અપાયાના અહેવાલો છે. બેન્કના પૂર્વ મેનેજિંગ ડિરેક્ટર જોય થોમસે એચડીઆઇએલ ગ્રૂપ માટે લોન લિમિટથી ચાર ગણી વધારે લોન આપી હોવાનું કબૂલ કર્યું છે. ચોંકાવનારી બાબત એ છે કે બેન્કના રેકર્ડ્સમાંથી ૧૦.૫ કરોડ રૂપિયાની રોકડ ગાયબ છે. એચડીઆઈએલ અને સંબંધિત કંપનીઓ દ્વારા ચેક બેન્કમાં જમા કરાવાયા ન હોવા છતાં આટલી જંગી રોકડ રકમ બારોબાર આપી દેવાઇ તેને શું કહેવાય?
લોનકૌભાંડ બહાર આવવા સાથે રિઝર્વ બેન્કે પીએમસી બેન્ક પર છ મહિનાનો પ્રતિબંધ તો લગાવી દીધો છે, પરંતુ તેના કારણે હજારો ખાતાંધારકોના નાણાં સલવાઈ ગયા છે. પોતાના પરસેવાની કમાણી બેન્કમાં બચત કે ડિપોઝીટ તરીકે મૂકનારા સેંકડો લોકો રસ્તા પર આવી ગયાં છે. એટલે સુધી કે આ બેન્કમાં ૯૦ લાખ કે એક કરોડ રૂપિયા જેવી ડિપોઝીટ ધરાવનારાએ પણ આપઘાત કરવો પડ્યો છે. નાણાં ફસાઈ જવાના આઘાતમાં પાંચ ખાતેદારે જીવ ગુમાવ્યા હોવાના અહેવાલ છે. રિઝર્વ બેન્કે ૨૪ સપ્ટેમ્બરે પ્રતિબંધ લગાવ્યો તેના એક દિવસ પહેલા પણ બેન્કમાં બધું સમુંસુતરું હોવાની ખાતરી ગ્રાહકોને અપાતી હતી.
બેન્કોમાં રખાયેલા નાણાં પણ સુરક્ષિત નથી. રિઝર્વ બેન્કની ડિપોઝીટ ઈન્સ્યુરન્સ એન્ડ ક્રેડિટ ગેરન્ટી કોપોરેશનના નિયમ અનુસાર દેશની તમામ બેન્કોએ ખાતાધારકોની જમા રકમ પર ફરજિયાત વીમો લેવાનો રહે છે. પરંતુ, જો બેન્ક નાદારી નોંધાવે તો ખાતાધારકોને પરત મળવાપાત્ર રકમ મહત્તમ એક લાખ રૂપિયા સુધીની હોય છે. આ વીમાની રકમ વધારવા ઘણી વખત રજૂઆતો થઈ છે, પરંતુ કોઈના પેટનું પાણી પણ હાલતું નથી તે ચિંતાનો વિષય છે.
