બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ (બીએસપીએસ) સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ યુનાઈટેડ આરબ અમીરાત (યુએઈ)ની તેમની પ્રથમ સત્તાવાર મુલાકાતે છે. પૂ. મહંત સ્વામીની નિશ્રામાં ૨૦ એપ્રિલ - શનિવારે અબુધાબીમાં અબુમુરૈખા ખાતે બીએપીએસ હિંદુ મંદિરની શિલાન્યાસ વિધિ યોજાશે. આ મંદિરનું નિર્માણ પ્રાચીન હિંદુ શિલ્પશાસ્ત્ર પર આધારિત હશે. આ શિલાન્યાસ વિધિનું યુકેના સમય પ્રમાણે બપોરે ૪ વાગ્યાથી live.BAPS.org પર લાઈવ વેબકાસ્ટ થશે. બીએપીએસ નીસડન મંદિરની હવેલીમાં આ લાઈવ વેબકાસ્ટ દર્શાવવામાં આવશે. પૂ. મહંત સ્વામી આગામી ૨૯ એપ્રિલ સુધી યુએઈમાં રોકાણ કરશે. તેમના રોકાણ દરમિયાન સવારની પૂજા, સવારની કથા અને સાંજની સભા પૂ. મહંત સ્વામીના નિવાસ નજીક જુમૈરાહ પાર્ક ખાતે યોજાશે.
યુએઇ (યુનાઇટેડ આરબ એમિરેટ્સ)ની રાજધાની અબુધાબીમાં પરંપરાગત શૈલીના પ્રથમ શિખરબદ્ધ બીએપીએસ હિંદુ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે સંસ્થાના આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ ખાતમુહૂર્ત-શિલાન્યાસ વિધિ માટે સૌપ્રથમ વખત યુએઇમાં ધર્મયાત્રાએ પહોંચ્યા છે. પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ શિલાન્યાસ વિધિ માટે દુબઇ પધારશે ત્યારે મિનિસ્ટર ઓફ ટોલરન્સ શેખ નાહ્યાન મબારક અલ નાહ્યાન સ્વયં એરપોર્ટ પર ઉપસ્થિત રહેશે અને સમગ્ર દેશ વતી સ્વાગત-અભિવાદન કરશે.
૨૦મી એપ્રિલના રોજ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના હસ્તે પરંપરાગત શૈલીના પ્રથમ બીએપીએસ હિંદુ મંદિરની શિલાન્યાસ વિધિ અબુ મુરૈખા ખાતે મંદિર-નિર્માણ સ્થાને સંપન્ન થશે ત્યારે મિનિસ્ટર ઓફ ફોરેન અફેર્સ એન્ડ ઇન્ટરનેશનલ કો-ઓપરેશન મિનિસ્ટર હીઝ હાઇનેસ શેખ અબ્દુલ્લા બિન ઝાયદ અલ નાહ્યાન ખાતમુહૂર્તનાં ભાગરૂપે શિલાન્યાસ વિધિમાં પણ ભાગ લેશે. આ પ્રસંગે અબુધાબીના મિનિસ્ટર ઓફ ટોલરન્સ શેખ નાહ્યાન મબારક અલ નાહ્યાન પણ ઉપસ્થિત રહેશે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ અબુધાબી ખાતે ખાસ મજલિસ યોજાઇ હતી, જેમાં યુએઇમાં સાકાર થનારા પ્રથમ બીએપીએસ મંદિરની રૂપરેખા રજૂ કરાઇ હતી. અબુધાબીના મિનિસ્ટર ઓફ ટોલરન્સ શેખ નાહ્યાન મબારક અલ નાહ્યાન દ્વારા યોજાયેલી આ મજલિસમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંત પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીને ખાસ નિમંત્રિત કરાયા હતા. આ પ્રસંગે જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી, બી. આર. શેટ્ટી, યુસુફ અલી અને સની વારકી સહિત ૬૦ જેટલાં અગ્રણી ઉદ્યોગપતિઓ પણ હાજર રહ્યા હતા.
આ પ્રસંગે પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીએ અબુધાબીના ક્રાઉન પ્રિન્સ હિઝ હાઇનેસ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહ્યાન અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સહિયારા પ્રયાસોથી સાકાર થઇ રહેલા શિખરબદ્ધ બીએપીએસ હિંદુ મંદિર-નિર્માણની ઘોષણાથી માંડીને મંદિર-નિર્માણ અંગેનો ઇતિહાસ અને ભાવિ આયોજન અંગે વિગતવાર રજૂઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે યુએઈના શાસકો દ્વારા સૌપ્રથમ ૨.૫ એકર, બાદમાં પાંચ એકર અને પછી ૧૩.૫ એકર જમીન આપવામાં આવી હતી. આ પછી વધુ ૧૩.૫ એકર જમીન પાર્કિંગ માટે ‘સેવા’માં અપાઈ છે.
મજલિસના સમાપનમાં અબુધાબીના મિનિસ્ટર ઓફ ટોલરન્સ શેખ નાહ્યાન મબારક અલ નાહ્યાને જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને ઉદ્દેશીને કહ્યું હતું કે છેલ્લા બે વર્ષથી બ્રહ્મવિહારી સ્વામી સાતત્યપૂર્ણ રીતે પરિશ્રમ કરીને શિખરબદ્ધ મંદિરનાં નિર્માણ માટે ખાસ જહેમત ઉઠાવી રહ્યાં છે. જેના ફળરૂપે અમે ખાસ કાયદા-કાનૂન રચીને મંદિર-નિર્માણ માટેનો માર્ગ મોકળો કર્યો છે.

