અવયવ દાનના કાયદામાં ફેરફાર થઇ રહ્યો છે, તમે જાણો છો?

Wednesday 24th April 2019 06:23 EDT
 
 

ઇંગ્લેન્ડમાં વધુ લોકોને જીવતદાન આપી શકાય એ માટે ‘'અવયવ દાન" સંબંધી કાયદામાં ફેરફાર થઇ રહ્યો છે. સ્પ્રીંગ૨૦૨૦થી આ નવો કાયદો અમલી બનશે. બધા જ પુખ્તવયના લોકો માટે આ ફેરફાર વિષે જાણવું મહત્વનું છે, જેથી તેઓ પોતાના મૃત્યુ બાદ અવયવોના દાન માટેની જાણકારી આપી શકે.

શું ફેરફાર થઇ રહ્યો છે?

ઇંગ્લેન્ડનો આ નવો કાયદો બાકાત ગૃપ સિવાયના બધા જ પુખ્તવયના લોકોને લાગુ પડશે. તેઓએ તેમના મૃત્યુ બાદ અવયવ દાન ની સંમતિ વિષે રજીસ્ટરમાં જણાવવું પડશે અને અનિચ્છા હોય તો તે વિષે પણ સહી કરી ઇચ્છા દર્શાવવી પડશે.

ચાર બાકાત ગૃપો નીચે મુજબ છે: *૧૮ વર્ષની અંદરના હોય. *જે લોકો આ ફેરફાર વિષે સમજવાની ક્ષમતા ધરાવતા ન હોય. *જે લોકો બાર મહિનાથી ઓછો સમય ઇંગ્લેન્ડમાં રહ્યા હોય અને *જેઓ અહિ સ્વૈચ્છિકપણે રહેતા ન હોય.

કુટુંબના નજીકના સભ્ય જે પોતાના પ્રિય પાત્રને અવયવ દાન આપવા સાથે સંકળાયેલ હોય તે સંકળાવાનું ચાલુ રાખે એ અગત્યનું છે. અને આ અંગે નિષ્ણાત નર્સ કુટુંબના નજીકના સભ્ય સાથે સંપૂર્ણ ચર્ચા-વિચારણા કરશે.

શા માટે કાયદો બદલાઇ રહ્યો છે?

યુ.કે.માં અવયવદાનની ભારે અછત રહી છે. ૨૦૧૭-૧૮માં ટ્રાન્સપ્લાન્ટ માટે અવયવદાનની રાહ જોતા ૪૦૦ લોકો મૃત્યુને ભેટ્યા હતાં. છેલ્લા થોડા વર્ષોમાં અવયવ દાતાઓની સંખ્યામાં થોડો વધારો નોંધાયો છે પરંતુ હજી અછત વરતાય છે.

ખાસ કરીને બ્લેક, એશિયન અને લઘુમતિ (BAME)ગૃપોમાં લોકોને અવયવ દાતા માટે વધુ રાહ જોવી પડે છે. માર્ચ ૨૦૧૮માં યુ.કે.માં ૯૫૯ એશિયનો અવયવ ટ્રાન્સપ્લાન્ટની રાહ જોતા હતા જ્યારે ૨૦૧૭-૧૮માં ૬૯ જીવતા એશિયન દાતા અને ૩૭ દાતા મૃત્યુ બાદ એટલે કે કુલ ૧૦૬ દાતા મળી શક્યા હતા. આ અસમતુલા ઘટાડવામાં નવો કાયદો મદદરૂપ થશે. થોડાંક વર્ષ પહેલા વેલ્સમાં આ કાયદો લાગુ પાડવાથી ઘણો ઘટાડો નોંધાયો છે.

ભવિષ્યમાં મને કઇ પસંદગીઓ મળશે?

બધા જ પુખ્તવયનાઓએ મૃત્યુ બાદ અવયવ દાનનો પોતાના નિર્ણયનો નિર્દેશ રજીસ્ટરમાં સહી કરી દર્શાવવો પડશે અને વર્તમાનમાં પણ! અવયવોના લીસ્ટમાંથી તમારે કયા અંગનું દાન કરવાની ઇચ્છા છે એ સ્પષ્ટ કરવું પડશે. તમારા આ નિર્ણયની જાણ તમારા સ્વજનને કરવી પડશે.

બીજું કે, તમારી ઇચ્છા તમારા મૃત્યુ પછી અવયવ દાન કરવાની ન હોય તો એ અંગે પણ રજીસ્ટરમાં જણાવવું પડશે અને એની જાણ પણ તમારા સ્વજનને કરવાની રહેશે.

આખરે ૨૦૨૦ના સ્પ્રીંગ (વસંત ઋતુ) સુધીમાં તમે નહિ જણાવો તો એમ માની લેવામાં આવશે કે તમારી અવયવ દાન કરવાની ઇચ્છા છે.

આ કાયદાની વધુ જાણકારી હું ક્યાંથી મેળવી શકું?

આ કાયદાકીય ફેરફારની સંપૂર્ણ માહિતી આપતી ઝૂંબેશનો વિધિવત્ શુભારંભ NHS બ્લડ એન્ડ ટ્રાન્સપ્લાન્ટ ( NHSBT) દ્વારા ૨૫ એપ્રિલ ૨૦૧૯ના રોજથી થશે અને કાયદો અમલી બને ત્યાં સુધી ૧ વર્ષ ચાલશે.

વધુ વિગત માટે NHSBT લીંક વેબસાઇટ www.organdonation.nhs.uk અથવા ફોન કરો: 0300 303 2094


comments powered by Disqus