આઠ દાયકા વટાવ્યા છતાં યુવાનને શરમાવે એવી તાજગીથી સમાજસેવાને સમર્પિત શ્રી મનહરભાઇ મહેતાને ગયા વર્ષે જ એમની સામાજીક સેવાઓની કદરરૂપે વન જૈન સંસ્થાએ હાઉસ ઓફ પાર્લામેન્ટમાં લોર્ડ બોર્નના હસ્તે "લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ"થી નવાજ્યા હતા. ભારતમાં ૧૯૫૮માં મીકેનીકલ એન્જીનીયર બન્યા બાદ ૧૯૬૮માં યુ.કે. સ્થળાંતર કર્યું. એરક્રાફ્ટ ઇન્ડસ્ટ્રીમાં એન્જીનીયર તરીકે લેસ્ટરમાં સ્થાયી થયાં. એ સાથે જ સમાજ સેવા કરવાના એમના સ્વભાવે ૧૯૬૯માં લેસ્ટરમાં નાની સંખ્યામાં વસતા જૈનોને એકત્ર કરી વર્ષમાં આવતા પર્યુષણ પર્વ સહિત અન્ય તહેવારો ઉજવવાનું નાના પાયે શરુ કર્યું. સમય જતા મિડલેન્ડસના બધા જ જૈનો એમની સાથે જોડાયા અને ચાર વર્ષની જહેમત પછી ૧૯૭૩માં જૈન સમાજ લેસ્ટરની સ્થાપના કરી અને શરૂઆતના ચાર વર્ષ એનું ચેરમેનપદ શોભાવ્યું. ત્યારબાદ ટ્રસ્ટી તરીકે ૩૦ વર્ષ સેવા ચાલુ રાખી. આ સંસ્થા કાળક્રમે જૈન સમાજ યુરોપ થઇ. બધા જ જૈન ફિરકાઓને એક છત હેઠળ લાવી લેસ્ટરમાં પ્રથમ જૈન દેરાસર બન્યું એમાં એમનો ફાળો નોંધપાત્ર છે.
૧૯૮૦માં જોબને કારણે હર્ટફર્ડશાયરમાં સ્થળાંતર કર્યું અને લંડન તેમજ લૂટનના જૈન સમાજમાં સક્રિય બન્યા. નિવૃત્ત થયા બાદ ૧૯૯૫થી લંડન આવી વસ્યા. સમાજસેવાનો જીવ એટલે જંપે નહિ! NCVA નેશનલ કાઉન્સિલ ઓફ વણિક એસોસિએશન્સમાં જોડાઇ એના ચેરમેન બન્યા.
સંસ્થાને વધુ કાર્યરત કરવા નવા નવા આઇડીયા લાવ્યા. લગ્નોત્સુક યુવક-યુવતીઓનો મેળો, કાઉન્સિલની ડીરેક્ટરી બહાર પાડી. NCVAનું નામકરણ હવે "ધ વણિક કાઉન્સિલ" થયું છે પરંતુ લોકજીભે જુનું નામ જ છે.
અત્રેની હોસ્પીટલોમાં જૈન ધર્મી દર્દીઓની જરૂરિયાતોને સ્થાન મળે એ માટે મલ્ટીફેઇથ ગૃપમાં જોડાઇ જૈનોનું પ્રતિનિધિત્વ કર્યું. જૈન શાસ્ત્રોક્ત પધ્ધતિએ ફ્યુનરલ થાય એ માટેની વિધિ તૈયાર કરી કેટલાક જૈન પ્રતિનિધિઓને તાલિમ આપી. જૈન આધ્યાત્મિક કેર જેલના કેદીઓને મળે એ માટે ય કાર્યશીલ બન્યા. હેલ્થ સેમિનારોનું આયોજન કરી એ પ્રતિ જાગ્રતતા લાવવા પ્રયાસ આદર્યા. અને હવે હિન્દુ અને જૈનોમાં "અવયવ દાન"ની મહત્તા સમજાય એ માટે પણ NHSની સ્કિમમાં સામેલ થઇ કાર્ય આગળ ધપાવી રહ્યા છે. સેવાના આ ઉમદા ભાવ જ એમની યુવાનીનું રહસ્ય છે. એમના આ કાર્યમાં શ્રીમતીજી વિનોદીબેનનો ફાળો અમૂલ્ય છે. ગયા સપ્તાહે શ્રી મનહરભાઇ, ઇન્સ્ટીટ્યુટ ઓફ જૈનોલોજીના શ્રી નેમુભાઇ ચંદરિયા અને કિડની ફાઉન્ડેશનના શ્રી કિરીટભાઇ મોદીએ "ગુજરાત સમાચાર" અને "એશિયન વોઇસ" કાર્યાલયની મુલાકાત લીધી હતી.
છેલ્લા પાંચ દાયકાથી સમાજ સેવાને સમર્પિત મનહરભાઇ સાચે જ મન હરનારા છે. એમને કોટી કોટી વંદન!

