ન્યાયતંત્રને ‘ન્યાય’ કોણ અપાવશે?

Wednesday 24th April 2019 06:01 EDT
 

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ સામે તેમની પૂર્વ જુનિયર આસિસ્ટન્ટ દ્વારા લગાવાયેલા યૌનશોષણના આક્ષેપોએ સોપો પાડી દીધો છે. ચીફ જસ્ટિસ વિરુદ્ધ ડિજિટલ મીડિયા સંસ્થાઓ દ્વારા જાહેર કરાયેલા યૌનશોષણ આક્ષેપોને એક અવાજે ફગાવી દેવામાં સાથી જજીસ અને વરિષ્ઠ વકીલોએ જરા પણ સમય ગુમાવ્યો નથી ત્યારે મહિલા વકીલોએ આવી ફરિયાદ માટે નિશ્ચિત પ્રક્રિયાનું પાલન કરાયું ન હોવાનું જણાવ્યું છે.
ચીફ જસ્ટિસે પોતાની સામેના આક્ષેપોની સુનાવણી અન્ય બે જજ સાથેની બેન્ચમાં કરી તેની સામે પણ વિરોધ ઉઠાવાયો છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ પર મુકાયેલા આરોપોને જોતાં સુપ્રીમ કોર્ટે તેને જાહેર હિતનો અત્યંત મહત્ત્વનો મામલો ગણીને શનિવારે જ સુનાવણી હાથ ધરી હતી. જોકે, આ સુનાવણીનો ઉપયોગ તેમણે આક્ષેપોનો ઉત્તર વાળવામાં જ કર્યો હતો. મામલાની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ જણાવ્યું હતું કે, ન્યાયતંત્ર ભયાનક ખતરામાં છે અને તેઓ આ પ્રકારના વાહિયાત આરોપોનો જવાબ આપવા જેટલી નીચલી કક્ષાએ પણ જવા ઈચ્છતા નથી. ચીફ જસ્ટિસ વિરુદ્ધ જાતીય સતામણીના આરોપો મૂકીને ન્યાયતંત્રની સ્વતંત્રતા છીનવી લેવાનો પ્રયાસ થઈ રહ્યો છે. કેટલાક પરિબળો ન્યાયતંત્રને અસ્થિર કરવા માગે છે. આગામી સપ્તાહોમાં તેઓ સંવેદનશીલ કેસોની સુનાવણી કરવાના હોવાથી આ પ્રકારના આરોપ મુકાયા છે, પરંતુ તેઓ આ પ્રકારના આરોપો સામે ઝૂકી જશે નહિ એવું તેમનું કહેવું છે. જો ન્યાયતંત્ર ખતરામાં હોય તો તેને ‘ન્યાય’ કોણ અપાવશે? તે મહાપ્રશ્ન છે.
ચીફ જસ્ટિસના કહેવા મુજબ તેમના વિરુદ્ધ આરોપો મૂકનારી મહિલા ગુનાહિત ભૂતકાળ ધરાવે છે. તેની સામે બે એફઆઈઆર થયેલી છે અને તે ચાર દિવસ જેલમાં પણ જઇ આવી છે અને ત્રણેક ક્રિમિનલ રેકોર્ડ ધરાવે છે. ચીફ જસ્ટિસના નિવાસે જુનિયર આસિસ્ટન્ટ તરીકે કામ કરતી મહિલાને અયોગ્ય વ્યવહારની એક ઘટના પછી નોકરીમાંથી બરખાસ્ત કરાઈ હતી. આ મહિલાએ સુપ્રીમ કોર્ટના ૨૨ જજને પત્ર પાઠવી આરોપોની તપાસ માટે વિશેષ સમિતિ રચવાનો આગ્રહ કર્યો છે.
હવે સુપ્રીમ કોર્ટમાં આવી ફરિયાદોની તપાસ માટે સમિતિ અસ્તિત્વમાં હોય ત્યારે વિશેષ સમિતિનો આગ્રહ શા માટે? યૌનશોષણ અટકાવવાના ‘સેક્સ્યુઅલ હેરેસમેન્ટ ઓફ વુમન એટ વર્કપ્લેસ (પ્રીવેન્શન, પ્રોહિબિશન એન્ડ રીડ્રેસલ) એક્ટ ૨૦૧૩’માં યૌનશોષણની પરિભાષા તેમજ આવી બાબતોની સુનાવણી વિશે સ્પષ્ટ નિર્દેશો છે. જો આવી વર્તણૂક કામના સ્થળે અથવા કામકાજના સંદર્ભે કરાઈ હોય તો તેની ફરિયાદ ‘ઈન્ટર્નલ કમ્પ્લેઈન્ટ્સ કમિટી’માં થવી જોઈએ. કાયદાના સેક્શન ૧૬ અંતર્ગત ફરિયાદની સુનાવણી સમયે બંને પક્ષકારની ઓળખ ગુપ્ત રખાવી જોઈએ.
ઉલ્લેખનીય છે કે ચીફ જસ્ટિસ ગોગોઈની બેન્ચ સમક્ષ વિવાદાસ્પદ રાફેલ કેસની રિવ્યુ પિટીશન મોદીની બાયોપિક, અયોધ્યા કેસ, લોકપાલ અને લોકાયુક્તની નિમણુંક તેમજ એનઆરસી સહિતના મહત્ત્વપૂર્ણ કેસ છે. એક બાબત નિશ્ચિત છે કે ‘સીઝર્સ વાઈફ શુડ બી અબાવ સસ્પિશિયન’ના આધારે જાહેર, કારોબારી અને ન્યાયિક સંસ્થાઓના ઉચ્ચ પદાધિકારીઓ સામે પણ શંકાની સોય ન તકાવી જોઈએ. આનાથી વિપરીત, એ બાબત પણ સત્ય છે કે માત્ર તેઓ પોતાની કામગીરી નિષ્ઠાપૂર્વક બજાવી ન શકે તે ખાતર જ આવાં આક્ષેપો થતાં હોય તો તે પણ ચલાવી લેવાં ન જોઈએ.


comments powered by Disqus