અબુધાબીમાં આકાર લેશે યુએઇનું પ્રથમ BAPS મંદિરઃ પૂ. મહંત સ્વામીના હસ્તે શિલાન્યાસ

Wednesday 24th April 2019 06:04 EDT
 
 

BAPSના વડા પૂ. મહંત સ્વામીએ ૨૦ એપ્રિલને શનિવારે મીડલ ઈસ્ટમાં પ્રથમ BAPS હિંદુ મંદિરની શિલાન્યાસ વિધિ કરી હતી. આ મંદિર અબુધાબીમાં આકાર લેશે. પૂ. મહંત સ્વામી ૧૮મીએ યુએઈના સરકારી અતિથિ તરીકે ૧૧ દિવસની મુલાકાતે દુબઈ પહોંચ્યા હતા. અલ મખ્તુમ ઈન્ટરનેશનલ એરપોર્ટ (DWC) યુએઈના મિનિસ્ટર ઓફ ટોલરન્સ શેખ નાહ્યન મુબારક અલ નાહ્યને તેમનું સત્તાવાર સ્વાગત કર્યું હતું. પરંપરાગત રંગબેરંગી વસ્ત્રોમાં સજ્જ બાળકોએ પુષ્પવર્ષા દ્વારા બન્નેનું અભિવાદન કર્યું હતું. બન્ને મહાનુભાવોની વાતચીત દરમિયાન પૂ. મહંત સ્વામીએ યુએઈના શાસકો અને પ્રજા તેમજ તે પ્રાંતમાં રહેતા તમામ લોકોના સારા સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.

૧૯મીએ સવારે પૂ. મહંત સ્વામીએ દુબઈના હરિભક્તોને પૂજા અને દર્શનનો લાભ આપ્યો હતો. ૨૦મીને શનિવારે સવારે તેઓ દુબઈથી અબુધાબી પહોંચ્યા હતા. પૂ. મહંત સ્વામીએ અબુમુરૈખા ખાતે વેદિક મંત્રોચ્ચાર વચ્ચે મીડલ ઈસ્ટમાં પ્રથમ બીએપીએસ હિંદુ મંદિરની શિલાન્યાસ વિધિ કરી હતી. આ વેદિક વિધિ સવારે ૯ વાગે શરૂ થઈ હતી અને આ ક્ષણો ઐતિહાસિક હતી. આ પ્રસંગે ડિપાર્ટમેન્ટ ઓફ કોમ્યુનિટી ડેવલપમેન્ટના ચેરમેન અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલના મેમ્બર ડો. મુઘીર ખામીસ અલ ખાઈલી, મિનિસ્ટર ઓફ ક્લાઈમેટ ચેન્જ એન્ડ એન્વાયર્નમેન્ટ ડો. થાની એહમદ અલ ઝેયૌદી, કેબિનેટ મિનિસ્ટર અને મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર હાયર એજ્યુકેશન એન્ડ એડવાન્સ્ડ સ્કીલ્સ ડો. એહમદ બીન અબ્દુલ્લા હુમૈદ બીલૌલ અલ ફલાસી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. યુએઈ ખાતેના ભારતીય રાજદૂત નવદીપ સુરી, ભારતના કોન્સુલ જનરલ વિપુલ, મંદિર લિમિટેડના ચેરમેન ડો. બી આર શેટ્ટી પણ હાજર હતા. શિલાન્યાસ વિધિ બાદ પૂ. મહંત સ્વામી અને અન્ય મહાનુભાવોએ તેના પર ભારતની ત્રણ પવિત્ર નદીઓના જળનો અભિષેક કર્યો હતો. આ પ્રસંગે બાળકો, પુરુષો અને મહિલાઓ સહિત ૫,૦૦૦ જેટલાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. આશીર્વચન પાઠવતા પૂ. મહંત સ્વામીએ કહ્યું હતું,‘ હવેથી શાંતિ, પ્રેમ અને સંવાદિતાની પ્રાપ્તિ આપણા આ પરિસરમાં જ થશે. આપણે ધન અથવા બુદ્ધિથી શાંતિ ખરીદી શકતા નથી. જે લોકોને શાંતિ ગમે છે તેમને જ શાંતિ મળે છે. અહીંથી જ સારપ અને શાંતિનો વ્યાપ વધે તેવી શુભેચ્છા.’

શિખરબદ્ધ બીએપીએસ હિંદુ મંદિર અબુધાબીના નિર્માણકાર્ય સાથે સંકળાયેલા પૂ. બ્રહ્મવિહારી સ્વામીએ ખૂબ સ્નેહ દર્શાવવા બદલ અને સંપૂર્ણ સહયોગ આપવા બદલ શાહ ખલિફા બિન ઝાયદ અલ નાહ્યન અને ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહ્યન તથા તમામ શાસકો અને અગ્રણીઓનો આભાર માન્યો હતો. દિવસ દરમિયાન આર્ટ ઓફ લિવિંગ, ચિન્મય મિશન, જૈન સમાજ, દુબઈ ગુરુદ્વારા, બ્રહ્માકુમારીઝ, ઈસ્કોન, અયપ્પા સમાજ સહિત અન્ય આધ્યાત્મિક તથા સામાજિક સંસ્થાઓના ૧૭,૦૦૦ જેટલાં શ્રદ્ધાળુઓ અને શુભેચ્છકોએ શિલારોપણ સ્થળની મુલાકાત લીધી હતી. આ એૈતિહાસિક કાર્યક્રમમાં ભારત, યુએસએ, યુકે, યુરોપ, જાપાન, આફ્રિકા, ચીન, સાઉથ ઈસ્ટ એશિયા, ઓસ્ટ્રેલિયા અને અન્ય ઘણાં દેશોમાંથી હરિભકતો, વોલન્ટિયર્સ અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા. આ વિધિ મંદિરના નિર્માણકાર્યની શરૂઆત ગણાય.

ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ અબુધાબી ખાતે ખાસ મજલિસ યોજાઇ હતી, જેમાં યુએઇમાં સાકાર થનારા પ્રથમ બીએપીએસ મંદિરની રૂપરેખા રજૂ કરાઇ હતી. આ પ્રસંગે પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીએ શિખરબદ્ધ બીએપીએસ હિંદુ મંદિર-નિર્માણની ઘોષણાથી માંડીને મંદિર-નિર્માણ અંગેનો ઇતિહાસ અને ભાવિ આયોજન અંગે વિગતવાર રજૂઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે યુએઈના શાસકો દ્વારા સૌપ્રથમ ૨.૫ એકર, બાદમાં પાંચ એકર અને પછી ૧૩.૫ એકર જમીન આપવામાં આવી હતી. આ પછી વધુ ૧૩.૫ એકર જમીન પાર્કિંગ માટે ‘સેવા’માં અપાઈ છે.

૨૧મીએ સાંજે પૂ. મહંત સ્વામી શેખ નાહ્યન ના આમંત્રણ પર તેમને મળવા તેમની શાહી મજલિસ પર પહોંચ્યા હતા, જ્યાં તેમનું ઉષ્માસભર સ્વાગત કરાયું હતું. બન્ને વચ્ચે ધાર્મિક સહિષ્ણુતા અને સંસ્કૃતિ વિશે ચર્ચા વિચારણા થઈ હતી. પૂ. બ્રહ્મવિહારી સ્વામીએ પ્રેમ અને ઉત્સાહપૂર્વક મંદિર અને ધ ગ્રાન્ડ મોસ્ક એમ બન્ને ઉપાસના સ્થળોની માહિતી આપી હતી. બેઠક બાદ પૂ. મહંત સ્વામીએ ભારતીય સમુદાય પ્રત્યે સ્નેહ અને ઉદારતા દર્શાવવા બદલ શુભેચ્છારૂપે પ્રશંસા રૂપે શેખ નાહ્યનને સુવર્ણ મંડિત પવિત્ર અમૃત કળશ ભેટ આપ્યો હતો. શેખ નાયાને જાતે કાર ડ્રાઈવ કરીને પૂ. મહંત સ્વામીને સમગ્ર વિસ્તારની સહેલ કરાવી હતી. શેખ ઝાયદ પૂ. મહંત સ્વામીને ગ્રાન્ડ મોસ્ક ખાતે લઈ ગયા હતા. શેખ ઝાયદ ગ્રાન્ડ મોસ્ક સેન્ટરના ડિરેક્ટર જનરલ ડો. યુસુફ અલોબૈદલીએ પ્રવેશ દ્વાર પાસે પૂ. મહંત સ્વામીને આવકાર્યા હતા. તેમણે તેમજ શેખ નાહ્યને પૂ. મહંત સ્વામી અને તેમની સાથેના ૫૦ સંતોને તે મસ્જિદના વિવિધ પાસા, વિશેષતા અને મહત્ત્વ વિશે માહિતગાર કર્યા હતા. કિબલા વોલ કે જ્યાં અલ્લાહના ૯૯ નામ કુફિક હસ્તલિપિમાં કોતરાયેલા છે ત્યાં પૂ. મહંત સ્વામીએ આદરભાવ વ્યક્ત કર્યો હતો. ૧૦૯૬ સ્તંભ ધરાવતી સ્તંભાવલિ ખાતે શેખ નાહ્યન અને પૂ. મહંત સ્વામીની તસ્વીર લેવામાં આવી હતી. બાદમાં, ગેસ્ટબુકમાં પૂ. મહંત સ્વામીએ વૈશ્વિક સંવાદિતા ફેલાવવા માટે યુએઈની સરકાર અને પ્રજાજનો દ્વારા થઈ રહેલા પ્રયાસોની પ્રશંસા કરી હતી. ત્યારબાદ, શેખ નાહ્યન પૂ. મહંત સ્વામીને ગોલ્ફ કારમાં બેસાડીને શહીદ સ્મારકે લઈ ગયા હતા. પૂ. મહંત સ્વામીએ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. સાંજે પૂ. મહંત સ્વામી હેલિકોપ્ટર મારફતે અબુધાબીથી દુબઈ પધાર્યા હતા.

૨૨મીએ પૂ. મહંત સ્વામીએ હરિભક્તોને પ્રાતઃપૂજા અને દર્શનનો લાભ આપ્યો હતો. પૂજા દરમિયાન તેમણે ૨૧ એપ્રિલે શ્રીલંકામાં થયેલા વિસ્ફોટોના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. પૂ. મહંત સ્વામીએ સદગતોના આત્માની શાંતિ માટે ધૂન પણ કરાવી હતી. પૂ. મહંત સ્વામી ૨૯ એપ્રિલ સુધી યુએઈમાં રોકાશે.


comments powered by Disqus