છેલ્લા એક - બે વર્ષથી અને તેમાં પણ છેલ્લાં છ મહિનામાં લંડનમાં વસતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓના ઘરે ચોરી લૂંટના બનાવો અને તે પણ હિંસક રીતે વધ્યા છે. હવે આ તત્વો ને દિવસ રાતની કે સીસીટીવી કેમેરાની બીક નથી. મકાનના બારી દરવાજા તોડીને મારઝૂડ કરી ને ભયભીત કરીને લૂંટ ચલાવે છે જે ખુબ જ દુઃખદ બાબત છે. તેનું એક કારણ એ પણ છે કે આપણે બાપદાદાના વખતથી ઘરમાં મૂડી તરીકે સોનું રાખતા આવ્યા છીએ. હવે તેમાં દેખાદેખી વધી છે અને આભૂષણોનો દેખાડો વધ્યો છે. કોઈ પણ પ્રસંગે અને વાર તહેવારે સોનું પહેરીએ છીએ.
એક તો આપણે ખૂબ મહેનતથી કમાઈને સારા મકાનો અને ગાડીઓ લીધી હોય.બીજું એ કે મેં હમણાં વેમ્બલી અને સાઉથોલની મુલાકાત લીધી. ત્યાં સોનાચાંદીની દુકાનો એટલી વધી છે કે તે જોઈને પણ આ ચોરી લૂંટ કરનારને ખ્યાલ આવે કે ગુજરાતીઓ અને ભારતીયો સોનાચાંદીની ખરીદી કરે છે. જે લોકો આભૂષણો પહેરીને ગાડીમાં જાય છે તેની નોંધ રાખીને કદાચ આ લૂંટારા ગાડીના નંબર પરથી ઘર શોધી લેતા હોય અને ત્યાં રેકી કરીને લાગ જોઈને ત્રાટકતા હોય એવું મારું માનવું છે. લોકોએ આભૂષણો પ્રસંગે પહેરવા હોય તો જે તે સ્થળે જઈને પહેરવા હિતાવહ છે. બીજું કે તમે બહાર જતા હો કે ઘરે આવતા હો તો સચેત રહીને તમારા ઘરની આજુબાજુ કોઈ અજાણ્યા લોકો તો નથીને તે જોવું. ઘરે પણ જયારે સમય મળે ત્યારે પણ બારીથી કોઈ અજાણ્યા લોકો તમારા ઘર પાસે છે કે નહિ તે નજર રાખવી. ઘરમાં પણ ટીવી જોતા કે કોઈ કામ કરતી વખતે વોલ્યૂમ ઓછું રાખવું. આપણા સંતાનો એ ઘરે કાન પર સંગીત સાંભળવું નહિ જયારે પણ બહારના જરા સરખા અવાજને પણ નકારવો નહીં. ખાસ જોવું કે તે શેનો અવાજ છે ?
હાલ યુકેમાં પોલીસફંડના અભાવને લીધે પોલીસચોકીઓ બંધ થઈ રહી છે. પોલીસની ખૂબ અછત છે. પહેલા કોમ્યુનિટી પોલીસ રસ્તા પર નીકળતા તે બંધ થયા. પોલીસ પર કામનો બોજ વધ્યો અને તેમાં તેઓની બીમારીની રજામાં ખૂબ વધારો થયો છે. આપણે આડોશી પાડોશીઓના મોબાઈલ કે ઘરના નંબરની આપલે કરીને જયારે લાગે કે કોઈ ઘરમાં ઘૂસવાનો પ્રયત્ન કરે છે ત્યારે પહેલા તેમને જાણ કરવી, મદદ માગવી અને પોલીસને જાણ કરવા તેને જ ક્હેવાનું. બની શકે તો આપણે જ્યાં રહીએ છીએ ત્યાં ભારતીયો રહેતા હોય તો તેમના મોબાઈલ નંબર લઈ લેવા અને આપણો નંબર પણ આપવો જેથી મારા માનવા મુજબ મદદ જલ્દી મળે. છેલ્લે એક ઉપાય એ પણ છે કે આપણા ઘરની અંદરના દરવાજાને તાળા લગાવવા. મેં જોયું છે કે ઘણાંના મકાનના અંદરના રૂમને તાળાં હોતા જ નથી. તે ખૂબ આવશ્યક છે. ચોર-લૂંટારા અંદર આવી જાય તો તરત આપણે બધાએ તે રૂમમાં જઈ તાળું મારી દેવું. તે પછી મદદ માટે કાર્યવાહી કરવી. ઘરમાં પૈસા કે કિંમતી વસ્તુઓ રાખવી નહિ. આપણા સ્નેહીજનો અને અન્ય પરિવારજનો નજીક માં રહેતા હોય તો તેમને તાત્કાલિક જાણ કરવી.
