લોકસભા ચૂંટણીઃ પ્રચારની ગરિમા ભૂલાય છે

Wednesday 24th April 2019 06:00 EDT
 

ભારતમાં લોકસભાની ચૂંટણીનું ત્રીજા ચરણ સમાપ્ત થઈ રહ્યું છે ત્યારે ઉમેદવારો અને સ્ટાર પ્રચારકો દ્વારા મતદારોને પ્રભાવિત કરવા અથવા તો વિરોધીની પોલ ખોલવાના પ્રયાસોએ માઝા મૂકી હોય તેમ જણાય છે. ચૂંટણીમાં રાજકીય પક્ષો અને ઉમેદવારો દ્વારા અન્ય હરીફો વિરુદ્ધ આક્ષેપો સ્વાભાવિક છે. શાસક-વિપક્ષ દ્વારા આક્ષેપો નીતિવિષયક મુદ્દાઓ પરત્વે મતદારોનું ધ્યાન દોરવા સુધીના રહે ત્યારે તે લોકશાહીની ભાવનાને મજબૂત બનાવે છે. શાસક નરેન્દ્ર મોદીની સરકાર ભૂતકાળની સરકારોની સરખામણીએ પોતાના પાંચ વર્ષોના શાસનકાળમાં કાર્યસિદ્ધિઓને આગળ ધરીને મત માગી રહી છે ત્યારે કોંગ્રેસ તેમજ મહાગઠબંધનમાં સામેલ પક્ષોના નેતાઓ તેઓ ભવિષ્યમાં મતદારો માટે શું કરશે તે બાબત આગળ ધરીને મત માગી રહ્યા છે.
જોકે, વર્તમાન ચૂંટણીમાં લગભગ બધા જ પક્ષના નેતાઓ જાતિ-જ્ઞાતિવાદી રાજકારણ ખેલી રહ્યા છે. ચૂંટણીની ગરિમા ભૂલીને તેઓ આક્ષેપોના બદલે ગાલીગલોચ પર ઉતરી આવે ત્યારે લોકશાહી પ્રક્રિયાને ભારે લાંછન લગાવે છે. બસપા સુપ્રીમો માયાવતીએ મુસ્લિમ મતદારોએ લાગણીમાં વહીને પોતાના મતોને વહેંચાવા ન દેવા જોઇએની અપીલ સાથે બજરંગબલી અને અલી પણ તેમની સાથે હોવાનો નારો લગાવ્યો હતો. સામા પક્ષે યોગી આદિત્યનાથે સપા-બસપા-કોંગ્રેસને અલી પર ભરોસો છે તો તેમને પણ બજરંગબલી પર વિશ્વાસ હોવાનું જણાવ્યું હતું. ભાજપના નેતા મેનકા ગાંધીએ તો રીતસરની ધમકી જ આપી હતી કે તેમનો વિજય નિશ્ચિત છે, જે તેમને મત નહિ આપે તેમની દશા શું થશે તે વિચારવા જણાવ્યું હતું. સમાજવાદી પક્ષના નેતા આઝમ ખાને સમાજવાદી પક્ષમાંથી ભાજપમાં જોડાયેલાં પૂર્વ અભિનેત્રી જયા પ્રદા વિશે અશ્લીલ ટીપ્પણી કરીને હદ વળોટી દીધી હતી. કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ‘ચોકીદાર ચોર હૈ’ અથવા ‘તમામ મોદી ચોર છે’ કહેવામાં જરા પણ બાકી રાખ્યું નથી.
ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીમાં પ્રથમ જ વખત લોકોને ધર્મના આધારે વહેંચીને મત ઉઘરાવવાની રાજનીતિ પર પ્રહાર કર્યો છે. પંચે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને ૭૨ કલાક અને બસપાના વડા માયાવતીને ૪૮ કલાક સુધી પ્રચાર નહિ કરવાનો કડક નિર્દેશ કર્યો હતો. આ જ રીતે મુસ્લિમ મતદારો સંબંધિત વિવાદાસ્પદ નિવેદન અંગે ભાજપના સાંસદ અને કેબિનેટ પ્રધાન મેનકા ગાંધી સામે ૪૮ કલાક અને સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાન પર ભાજપના ઉમેદવાર જયા પ્રદા વિરુદ્ધ અનુચિત નિવેદન માટે ૭૨ કલાક સુધી પ્રચાર નહિ કરવાનો આદેશ અપાયો હતો.
આ પગલાં પાછળ પણ વાસ્તવમાં સુપ્રીમ કોર્ટનું કડક વલણ જ જવાબદાર છે. સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને શક્તિહીન ગણાવતાની સાથે જ તેનામાં જોમનો સંચાર થયો હોય તેમ જણાય છે. આ પગલાં સંદર્ભે જ સુપ્રીમ કોર્ટે કહ્યું કે ચૂંટણી પંચને તેની શક્તિઓ પાછી મળી ગઈ હોવાનું જણાય છે.
ચૂંટણી આચારસંહિતાના અમલ અથવા તો કોઈ પણ સમયે આવી ટીપ્પણીઓ અનુચિત જ ગણાય. આચાર સંહિતાનો કડક અમલ કરાવવાની જવાબદારી ચૂંટણી પંચની છે. સુપ્રીમ કોર્ટે યોગી અને માયાવતીનાં ભાષણોની ટીકા કરી ચૂંટણી પંચને હજુ સુધી કોઈ કાર્યવાહી કેમ નથી કરી, તેવો પ્રશ્ન કર્યો ત્યારે પંચે સંબંધિતોને નોટિસ ફટકારી તેમજ નેતાઓએ ઉશ્કેરણીજનક ભાષણો નહિ કરવાની ખાતરી આપી હોવાનું જણાવ્યું હતું. શું પંચે આટલી કાર્યવાહીથી સંતોષ માની લેવો જોઈએ?
આવી પરિસ્થિતિમાં પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર ટી. એન. શેષાનનું સ્મરણ ન થાય તો જ નવાઈ, જેમણે પંચની તાકાતનો અહેસાસ કરાવ્યો હતો. ચૂંટણી ખર્ચના હિસાબો અને આચારસંહિતાનો કડક અમલ તેમની જ દેન છે. શેષાને સ્વચ્છ ચૂંટણીના આગ્રહ સાથે ધાક જમાવી એક સમયે સમગ્ર ચૂંટણી મુલતવી રાખવાની ધમકી પણ આપી હતી. નેતાઓને સીધાદોર કરી રાખવા જેવી નૈતિક હિંમત હોય તો જ પંચ પાસે જેટલી પણ સત્તા છે તેનો યોગ્ય ઉપયોગ થઈ શકે. ચૂંટણી પંચ ડંખ ન મારે તો પણ ફૂંફાડો એવો મારે કે રાજકીય નેતાઓ અને પક્ષો પંચથી સતત ડરતા રહે. આ માટે તેની પાસે કાનૂની સત્તા સાથેના નહોર હોવા આવશ્યક છે.


comments powered by Disqus