ગેલેક્સી શોઝ – પંકજ સોઢા વર્ષોથી ગુજરાતી નાટક અને બોલિવુડ મ્યુઝિકના કાર્યક્રમો માટે સમગ્ર યુકેમાં જાણીતા છે. યુકેમાં અત્યાર સુધીમાં સૌથી વધુ ગુજરાતી નાટકો પ્રસ્તુત કરવાનો તેમનો વિક્રમ છે.
આવતા મહિનાથી એટલે કે મેથી તેમનું નવું નાટક ‘વાઈફ ઈઝ ઓલ્વેઝ રાઈટ’ લંડન, લેસ્ટર, બર્મિંગહામ અને અન્ય શહેરોમાં ધૂમ મચાવવા આવી રહ્યું છે. નાટકની કથા ખૂબ રમૂજભરી છે. આ નાટકની વાર્તા બે દંપતિ અને તેમના સંતાનોની સાથે વણાયેલી કોમેડી છે.
હિંમત શાહ ભાવનગરમાં રહે છે અને તેમના બાળપણના મિત્ર કશ્યપ મહેતા યુએસએ જઈને વસેલા છે. એક દિવસ કશ્યપ પોતાના પરિવાર સાથે ભારતની મુલાકાતે આવે છે. તેમને હિંમતની પુત્રી અનોખી પોતાના પુત્ર સિદ સાથે લગ્ન માટે યોગ્ય પાત્ર લાગે છે.
પરંતુ, નાટક જેમ આગળ વધતું જાય છે તેમ લાગે છે કે સ્વભાવની દ્રષ્ટિએ સિદ અને અનોખી વચ્ચે આકાશ-પાતાળનું અંતર છે. બન્નેના સ્વભાવ એકબીજાથી ખૂબ જ અલગ છે. પરિવારો વચ્ચે ઘણાં ગૂંચવાડા ઉભા થાય છે. પરંતુ, હવે કશ્યપ અને હિંમત બન્ને પોતાની પત્નીઓની સલાહ લે છે અને પરિસ્થિતિને વણસતી અટકાવે છે. નાટકના દરેક પાત્રના અલગ અલગ સ્વભાવને લીધે જે ગમ્મતભરી પરિસ્થિતિ સર્જાય છે તેને લીધે પ્રેક્ષકોમાં હાસ્યની છોળો ઉડે છે.
માતાપિતા પોતાના સંતાનો માટે લડે છે પરંતુ, એક સાર્વત્રિક નિયમ છે કે દરેક પતિએ છેવટે તો પોતાની પત્ની સામે ઝૂકવું જ પડે છે અને તે કહે તેમ જ કરવું પડે છે. તો નાટકનો બોધપાઠ અને હેપ્પી મેરેજ લાઈફનો ગોલ્ડન રુલ એ છે કે વાઈફ ઈઝ ઓલ્વેઝ રાઈટ...
આ નાટકના દેશ-વિદેશમાં ૨૦૦થી વધુ હાઉસફૂલ શો યોજાઈ ગયા છે.
આગામી ૩જી મેથી ૧૯મી મે સુધી યુકેના વિવિધ સ્થળોએ ૧૦થી વધુ શો યોજાયા છે અને તેમાં ચારથી વધુ શો તો અત્યારથી જ હાઉસફૂલ થઈ ગયા છે. સહપરિવાર જોવા જેવું હાસ્યથી ભરપુર આ નાટકની ટિકિટ ખરીદવા માટે જુઓ જાહેરાત પાન. નં - ૧૯.

