અમેરિકાએ પરમાણુ કાર્યક્રમના સંદર્ભે ઈરાન પર લગાવેલા આકરા પ્રતિબંધોએ નવો તણાવ સર્જ્યો છે. ઈરાનના શસ્ત્રસજ્જ ડ્રોન પર હુમલો કરીને તેને તોડી પાડ્યાનો દાવો અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કર્યો છે, પરંતુ ઈરાને આ દાવો ફગાવી દીધો છે. સવાલ ડ્રોન તૂટ્યું કે નહિ તેનો નથી, પરંતુ આ ઘટનાથી ગત થોડાંક સપ્તાહ સુધી શાંતિપૂર્ણ રહેલાં ખાડી ક્ષેત્રમાં નવેસરથી તંગદિલી સર્જાઈ છે. ઈરાન સાથે અમેરિકી લશ્કરની આ પહેલી સીધી અથડામણ છે, પરંતુ તેની અસર સમગ્ર વિશ્વને થઈ શકે તેમ છે. બીજી તરફ, અમેરિકાએ આ મામલા પછી અમેરિકાના હિતોનું રક્ષણ કરવા સાઉદી અરેબિયામાં અમેરિકન સેનાનો બેઝ વધુ મજબૂત કરવાની તૈયારી આરંભી છે.
અમેરિકા અને ખાસ કરીને તેના પ્રમુખ ટ્રમ્પનું વલણ લડ નહિ તો લડનાર આપ જેવું છે. ટ્રમ્પને ઉંબાડિયા ચાંપવાની આદત છે. અગાઉ, ચીન અને ભારત સાથે તે વેપારયુદ્ધમાં ઉતર્યા અને હજુ પણ તેનો ઉકેલ આવ્યો નથી. આ પછી, તેમણે ઉત્તર કોરિયા સાથે બાથ ભીડી પરંતુ, અચાનક પ્રેમ ઉભરાયો હોય તેમ તેમની સાથે શાંતિવાર્તાની પહેલ પણ કરી આવ્યા.
હકીકત એ છે કે અમેરિકાએ પ્રતિબંધો વધુ કડક બનાવ્યા ત્યારે જ હોર્મુઝની ખાડી થઈને ઓઈલની હેરાફેરી કરતા ટેન્કર્સને સહન કરવાનું આવશે તેવી ચીમકી ઈરાને આપી હતી. અમેરિકી પ્રતિબંધોના કારણે ઈરાનની આર્થિક હાલત ભારે કથળી ગઈ છે. ઈરાનનું ઓઈલ ખરીદનારા દેશો સામે પગલાં લેવાની ધમકીના કારણે ભારત અને ચીન સહિત મોટા ભાગના દેશોએ ઈરાન પાસેથી ઓઈલ ખરીદવાનું બંધ કર્યું છે.
બીજી તરફ, ઈરાની કમાન્ડોએ આંતરરાષ્ટ્રીય જળ માર્ગનું ઉલ્લંઘન કરાયાના આક્ષેપ સાથે બ્રિટિશ ઓઈલ ટેન્કર સ્ટેના ઈમ્પેરો પર કબજો જમાવ્યો છે, પરંતુ બાનમાં લેવાયેલા ૨૩ કર્મચારીમાંથી કોઈ બ્રિટિશ નથી. આ ક્રુ મેમ્બર્સમાં ૧૮ ભારતીય ઉપરાંત, રશિયા, લેટવિયા અને ફિલિપાઈન્સના નાગરિકોનો સમાવેશ થાય છે. બ્રિટિશ ધ્વજ સાથે મુસાફરી કરતા ટેન્કરની માલિકી સ્વીડિશ કંપનીની છે. ભારત ઈરાન સાથે સંપર્કમાં રહીને ભારતીયોને છોડાવવાના પ્રયાસ કરી રહ્યું છે.
ઈરાને બ્રિટિશ ઓઈલ શિપને તત્કાળ મુક્ત કરવાની બ્રિટન, અમેરિકા અને નાટો દેશોની અપીલને ઠુકરાવી શિપ પર કેવી રીતે કબજો જમાવ્યો તેનો વીડિયો પણ જાહેર કરતાં પરિસ્થિતિ વધુ વણસી છે. આ મહિનાના આરંભથી જ યુકે અને ઈરાન વચ્ચે તણાવ વધ્યો હતો.
ઈરાનની ૨૦૦૦ ફાસ્ટ એટેક સ્પીડ બોટ્સના પેટ્રોલિંગ સાથે હોર્મુઝની ખાડી વિશ્વની સૌથી અરાજક અને હિંસાની શક્યતા ધરાવતી શિપિંગ ચેનલ છે, જ્યાંથી ૧૦૦ જેટલા ઓઈલ ટેન્કર્સ દરરોજ આશરે ૨૦ મિલિયન બેરલ ઓઈલનું પરિવહન કરે છે. ઈરાન દાયકાઓથી પોતાની લશ્કરી તાકાત વધારતું આવ્યું છે.
બ્રિટિશ ઓઈલ ટેન્કરની જપ્તી સાથે વિવાદ અને તણાવ વધી રહ્યો છે ત્યારે યુકેમાં ઈરાનના સ્લીપર ટેરરિસ્ટ સેલ્સ દ્વારા હુમલાઓ થવાની ચેતવણી પણ સુરક્ષા એજન્સીઓએ ઉચ્ચારી છે. ત્રાસવાદીઓ ઈરાનના ટેકા સાથે બ્રિટનમાં હુમલા કરાવશે તો સામાન્ય પ્રજાને વધુ સહન કરવાનું આવશે તેમાં કોઈ બેમત નથી.
