પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય કોર્ટની લપડાક

Tuesday 23rd July 2019 11:39 EDT
 

હેગસ્થિત ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (આઇસીજે)એ પાકિસ્તાનમાં કેદ ભારતના પૂર્વ નેવી ઓફિસર કુલભૂષણ જાધવ કેસમાં તેને જાહેર કરાયેલી ફાંસીની સજા તાત્કાલિક રદ કરીને નવેસરથી ટ્રાયલ ચલાવવાનો આદેશ આપ્યો છે. તેનાથી ભારતનો પક્ષ સબળ થયો છે અને તેની પ્રતિષ્ઠામાં પણ નોંધપાત્ર વધારો થયો છે. આ કેસનું મહત્ત્વ એટલા માટે વધી જાય છે કે ચીન સહિત કોર્ટના ૧૬માંથી ૧૫ ન્યાયમૂર્તિએ ભારતની તરફેણ કરી છે. એક માત્ર પાકિસ્તાની ન્યાયમૂર્તિએ વિરુદ્ધ ચુકાદો આપ્યો છે. કોર્ટે જાધવને કોન્સ્યુલરની સુવિધા આપવાનો આદેશ કર્યો છે. કોન્સ્યૂલરની નિમણુંક સાથે જાધવને કેસમાં કાનૂની મદદ કરવામાં સરળતા રહેશે.
જોકે, કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી ઉક્તિ અનુસાર પાકિસ્તાન હજુ પોતાના ઉધામાથી બહાર આવતું નથી અને આવશે પણ નહિ. પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને હેગ કોર્ટના ચુકાદાનું તો સ્વાગત કર્યું છે, પરંતુ પાકિસ્તાનનો વિજય થયો હોવાનો દાવો પણ કર્યો છે. કુલભૂષણની મુક્તિનો આદેશ અપાયો ન હોવાના મુદ્દે તેમનો ઈશારો છે. હાલ કુલભૂષણની ફાંસીની સજાનો અમલ નહિ કરીએ, પરંતુ પાકિસ્તાનના કાયદાને જ ધ્યાનમાં રાખીને હવે આગળનાં પગલાં લેવાશે તેવા નિવેદનો પણ સૂચક છે. આવા વિધાનો પરથી જ પાકિસ્તાનના નાપાક ઈરાદાઓ જાહેર થઈ જાય છે. ઇન્ટરનેશનલ કોર્ટના ચુકાદા સાથે ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે બદનામ કરવાની પાકિસ્તાનની વધુ એક કોશિશ નિષ્ફળ નીવડી છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે આઈસીજેના નિર્ણયને અનુસરી ભારતના નિવૃત્ત નૌસેના અધિકારી કુલભૂષણ જાધવને વિયેના કન્વેન્શનના આર્ટિકલ-૩૬ હેઠળ કોન્સુલર એક્સેસના અધિકારોની માહિતી આપવા તેમજ પાકિસ્તાની કાયદાઓ મુજબ કોન્સુલર એક્સેસની પ્રક્રિયા પર કામ કરવાનું જણાવ્યું છે. હકીકતમાં પાકિસ્તાનની મિલિટરી કોર્ટે એપ્રિલ ૨૦૧૭ની સુનાવણી પછી જાસૂસી અને આંતકવાદના આરોપસર જાધવને ફાંસીની સજા જાહેર કરી હતી.
પાકિસ્તાને વિયેના સંધિ અંતર્ગત કુલભૂષણની ધરપકડ અને જેલમાં રાખવા સંદર્ભે ભારતને માહિતી આપવામાં ત્રણ સપ્તાહનો વિલંબ કર્યો હતો. સંધિની શરતો પરિપૂર્ણ કરવામાં આટલો સમય શા માટે ગયો તેનો ખુલાસો પણ પાકિસ્તાન કરી શક્યું નથી.
જાધવ સાથેની ઘટનાઓ જોઈએ તો ભારતીય ગુપ્તચર સંસ્થા ‘રો’ના એજન્ટ હોવાના આરોપસર તેમની ધરપકડ બલૂચિસ્તાનમાંથી કરવામાં આવી હતી. જાધવ તો ઈરાનમાં વેપાર કરતા હતા તો તેઓ બલૂચિસ્તાન કેવી રીતે પહોંચ્યા તેના પૂરાવા પણ પાકિસ્તાન આપી શક્યું નથી. ખરેખર તો તેમનું અપહરણ કરાયું હતું તેમ ભારતે દલીલ કરી હતી. જાધવને મળવા દેવાની અનેક વિનંતી પાકિસ્તાને ધરાર ફગાવી હતી. પાકિસ્તાનનો ઇરાદો જાધવને જાસૂસીના ખોટા આરોપોમાં ફસાવીને ભારતને બદનામ કરવાનો હતો. આ માટે કુલભૂષણે ભારત વતી જાસૂસી કરી હોવાનું દર્શાવતી વીડિયો કબૂલાતો પણ પોતાની પાસે હોવાની દલીલો પાકિસ્તાને કરી દુનિયાને અવળે માર્ગે ચડાવવાની કોશિશ પણ કરી હતી. જોકે, ૨૦૧૬ના ડિસેમ્બરમાં પાકિસ્તાનના જ તત્કાલીન વિદેશ પ્રધાન સરતાજ અઝીઝે કુલભૂષણ વિરુદ્ધ કોઇ નક્કર પુરાવા તેમની પાસે ન હોવાની કબૂલાત કરી હતી, જેનું પાછળથી ખંડન કરાયું હતું.
જોકે ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસના આ ચુકાદા સાથે ભારતનું કામ પૂર્ણ થઇ જતું નથી. આગામી દિવસોમાં કોન્સ્યુલર એક્સેસના જે આદેશ કોર્ટે આપ્યા છે તેનો પણ અમલ કરાવવા પાકિસ્તાન પર દબાણ કરવામાં આવશે. હવે પાકિસ્તાન હેગ કોર્ટના ચુકાદાનો અમલ ના કરે તો ફરી આંતરરાષ્ટ્રીય કોર્ટ અને સાથોસાથ યુનાઈટેડ નેશન્સ સમક્ષ જવાની ચેતવણી ભારતે આપી જ દીધી છે. પાકિસ્તાન દુનિયા સમક્ષ દર્શાવવા માંગે છે કે ભારતીય એજન્સીઓ અમારા દેશમાં વિધ્વંસક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલી છે. જોકે ભારત ઉપરાંત અફઘાનિસ્તાન અને ઇરાનમાં પણ આતંકવાદ ફેલાવવાના પાકિસ્તાનના કાળાં કરતૂતો જગજાહેર થઇ ચૂક્યાં છે. ગમેતેટલા ધમપછાડા છતાં, વિશ્વમાં તેની છાપ કદી નહિ સુધરે તે પણ નિશ્ચિત છે.


comments powered by Disqus