બોચાસણમાં ગુરુપૂર્ણિમાએ પૂ. મહંત સ્વામીએ ક્હયું , ‘આપણી પ્રગટની ઉપાસના છે’

Wednesday 24th July 2019 06:09 EDT
 
 

BAPS ના વડા પૂ. મહંત સ્વામી હાલ અટલાદરા ખાતે બિરાજમાન છે. તેઓ ૧૯ જુલાઈએ બોચાસણથી અટલાદરા પધાર્યા હતા. તેમણે બે હરિમંદિરોના ખાતમૂહૂર્ત કર્યા હતા. ૨૧મીને રવિવારે રવિસભામાં ગુરુપૂર્ણિમા દિનની ઉજવણી કરાઈ હતી. પૂ. મહંત સ્વામીએ આશીર્વચનમાં કહ્યું, ‘ આપણને તો શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મળ્યા.તેમણે કેટલાંયના બંધન છોડાવ્યા છે. કેટલાંયનો મોક્ષ કર્યો છે. એમનો દ્રઢ આશરો કરવો.’ રવિસભામાં આશરે ૧૫,૦૦૦ હરિભક્તો હાજર રહ્યા હતા. અટલાદરામાં મોટી સંખ્યામાં હરિભક્તો પૂ. મહંત સ્વામીની પ્રાતઃપૂજા અને સાયંસભામાં ઉપસ્થિત રહીને તેમના દર્શન અને આશીર્વાદનો લાભ લઈ રહ્યા છે. ૨૨મીએ સમીપ દર્શન યોજાયા હતા.

આ અગાઉ ૧૬મીને મંગળવારે બોચાસણ ખાતે પૂ. મહંત સ્વામીના સાનિધ્યમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. સવારે પૂ. મહંત સ્વામીએ ઠાકોરજીની આરતી ઉતારી ગુણાતીત ગુરુપરંપરાની મૂર્તિઓના દર્શન અને પ્રાર્થના કર્યા હતા. આ પવિત્ર દિવસે દેશવિદેશથી ૬૦,૦૦૦થી વધુ હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. ઘણાં હરિભક્તોએ પદયાત્રા, સાયકલયાત્રા કરીને પણ વિશિષ્ટ ગુરુભક્તિ અદા કરી હતી.

ભગવાન સ્વામિનારાયણે ઉપદેશેલા વચનામૃતમાં બતાવવામાં આવેલ સાચા સંતના લક્ષણ એ કેન્દ્રીય વિચારને પુષ્ટ કરતા કાર્યક્રમોની હારમાળા રજુ થઇ હતી. પૂ. મહંત સ્વામીએ આશીર્વચન પાઠવતા કહ્યું,‘ આપણી પ્રગટની ઉપાસના છે. આપણને ભગવાન અને સંતની પ્રાપ્તિ થઈ તેનો કેફ અને બળ રાખવું. તમે અણુ જેટલું કરો તો ભગવાન મેરુ જેટલું માની લે છે.’

આ પ્રસંગે પૂ. મહંત સ્વામીએ પૂ.આદર્શજીવન સ્વામી લિખિત ‘બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજનું જીવનચરિત્ર’(દ્વિતીય ભાગ)નું વિમોચન કર્યું હતું. વધુમાં, રાત્રે ૧.૩૦ થી પરોઢે ૪.૩૦ સુધી પૂ.મહંત સ્વામીની ઉપસ્થિતિમાં ચંદ્રગ્રહણની વિશિષ્ટ સભા થઈ હતી.


comments powered by Disqus