સોનાક્ષી સિન્હા બનશે દીપા મલિક?

Wednesday 24th July 2019 06:51 EDT
 
 

બોલિવૂડમાં છેલ્લા ઘણા સમયથી રમતવીરોનાં જીવન પર ફિલ્મ બનાવવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ‘ભાગ મિલ્ખા ભાગ’, ‘સૂરમા’, ‘મેરી કોમ’ બાદ હવે ૨૦૧૬માં રિયો પેરાલિમ્પિકમાં શોટપુરમાં સિલ્વર મેડલ જીતીને ઈતિહાસ રચનાર ભારતની દીપા મલિકની બાયોપિક બનવા જઈ રહી છે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં અભિનેત્રી સોનાક્ષી સિન્હા જોવા મળી શકે છે. આ અંગે વાત કરતાં સોનાક્ષીએ જણાવ્યું કે હજુ આ માત્ર ચર્ચા છે. જ્યાં સુધી ફિલ્મ સાઈન ન કરી લઉં ત્યાં સુધી હું કોઈ પણ વાત કરવા માગતી નથી, પરંતુ જો મને ફિલ્મની સ્ક્રિપ્ટ ગમશે તો હું અવશ્ય સાઈન કરીશ અને નિષ્ઠા સાથે પાત્ર ભજવીશ.
બાયોપિકમાં કામ કરવાની ઈચ્છા વિશે સોનાક્ષીએ જણાવ્યું કે, હું ઘણા સમયથી બાયોપિકમાં કામ કરવા માગું છું. હું તે ફિલ્મ પસંદ કરીશ જે મને પડકારરૂપ લાગે અને જેમાં મારા માટે સારી ભૂમિકા હોય. આ વર્ષે રિલીઝ થવા જઈ રહેલી પોતાની ત્રણ ફિલ્મોનું ઉદાહરણ આપતા સોનાક્ષીએ કહ્યું હતું કે, ‘ખાનદાની શફા ખાન,’ ‘મિશન મંગલ’ અને ‘દબંગ-૩’ જેવી ફિલ્મોમાં અભિનયની વિવિધતા રજૂ કરવાની તક મળી છે. નોંધનીય છે કે દીપા મલિકને ૨૦૧૨માં અર્જુન એવોર્ડ અને ૨૦૧૭માં પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.


comments powered by Disqus