સક્ષમ, સેવા યુકે અને સેવા ઈન્ટરનેશનલના સંયુક્ત ઉપક્રમે ભારતમાં કન્યાકુમારીથી કર્ણાવતી (અમદાવાદ) સુધીની ‘રિક્ષા રન ૨૦૧૯’નું આયોજન કરાયું હતું. પૂણેમાં દિવ્યાંગ બાળકો માટે કોક્લિયા પૂણે દ્વારા સ્વરાનંદ પ્રિ-સ્કૂલનું નિર્માણ થઈ રહ્યું છે. તેના લાભાર્થે આ રીક્ષા રન યોજાઈ હતી. તેમાં યુકેના ૭૨, ઓસ્ટ્રેલિયાના ૧૬ તથા યુએસએ અને કેન્યાના એક - એક એમ કુલ ૯૦ મહિલા - પુરુષોએ ભાગ લીધો હતો. તેમાં ૨૬ મહિલાઓ હતી. તેમણે પણ રીક્ષા ચલાવી હતી. ઘણી મહિલા તો આ રનમાં ભાગ લેવા માટે જ રીક્ષા ચલાવવાનું શીખી હતી. ૨૭૦૦ કિ.મીની રીક્ષા રનમાં જોડાયેલા ત્રણ-ત્રણ લોકોએ કુલ ૩૦ રીક્ષામાં પ્રવાસ કર્યો હતો. તેઓ દરરોજ ૨૦૦થી ૨૫૦ કિ.મીનું અંતર કાપવા માટે આઠથી દસ કલાક રીક્ષા ચલાવતા હતા. તમામ ૩૦ રીક્ષાનો કાફલો એકસાથે ચાલતો હતો. તેઓ સવારે ૭ વાગે નીકળીને સાંજે ૫ સુધીમાં નિશ્ચિત સ્થળે પહોંચતા હતા. આ ટીમમાં ૧૭ થી ૭૦ વર્ષની વયના સભ્યનો સમાવેશ થતો હતો. ૧૨ દિવસના આ પ્રવાસ દરમિયાન પેટ્રોલ, જમવા અને રહેવા સહિતનો ખર્ચ ભાગ લેનારે ભોગવવાનો હતો, જેથી ચેરિટીનો ફંડ રેઝિંગનો ઉદ્દેશ સિદ્ધ થાય. સૌએ ૨,૫૦,૦૦૦ પાઉન્ડ એકત્ર કર્યા હતા.
૧૦મી ડિસેમ્બરને મંગળવારે કન્યાકુમારીથી શરૂ થયેલી આ રીક્ષા રન પાંચ રાજ્યો તમિળનાડુ, કર્ણાટક, ગોવા,મહારાષ્ટ્ર અને છેલ્લે ગુજરાતમાં અમદાવાદ (કર્ણાવતી) પહોંચી હતી. આ ઈવેન્ટને સફળ બનાવવામાં વેલજીભાઈ રાબડિયા, હરીશભાઈ ભૂડિયા અને સંજય કેરાઈનું વિશેષ યોગદાન રહ્યું હતું. ૨૦૧૮ના ફેબ્રુઆરીમાં સંજય કેરાઈએ રીક્ષા રનનો વિચાર મિત્રો સમક્ષ મૂક્યો હતો.
રીક્ષા રનનો ઉદ્દેશ સેવા ઈન્ટરનેશનલ તથા સેવા ભારતી દ્વારા ચાલતા કાર્યોની માહિતી પૂરી પાડવાનો તેમજ દિવ્યાંગોને મદદ કરવા માટે લોકોમાં જાગૃતિ કેળવવાનો હતો. અન્ય ઉદ્દેશ માર્ગમાં આવતા તમામ સેવાતીર્થોના દર્શન કરવાની સાથે ત્યાંની સંસ્કૃતિ અને રીતરિવાજથી વાકેફ થવાનો અને તેનો અનુભવ કરવાનો હતો. ત્રિવેન્દ્રમ પહોંચેલા સૌએ ૯મી ડિસેમ્બરે ત્રણ કલાક સુધી રીક્ષા ચલાવવાની પ્રેક્ટીસ કરી હતી.
તેઓ પહેલા દિવસે કન્યાકુમારીથી મદુરાઈ પહોંચ્યા હતા અને ત્યાં મિનાક્ષી મંદિરની મુલાકાત લઈને દર્શન કર્યા હતા. ત્યારબાદ કોઈમ્બતુર, મૈસુર, શિમોગા, હુબલી, ગોવા, કોલ્હાપુર, પૂણે, થાણે, વાપી અને દમણ થઈને તેઓ અમદાવાદ પહોંચ્યા હતા. ગડગ ખાતે તેમણે સેવા સેવા યુકે દ્વારા દિવ્યાંગ લોકો માટે પહેલું સેન્ટર ખોલ્યું હતું તે દિવ્ય અરૂણોદય પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી. પૂણેમાં તેમણે દિવ્ય કોક્લિયા પૂણે પ્રોજેક્ટની મુલાકાત લઈને માહિતી મેળવી હતી. દિવ્યાંગ બાળકો સાથે તેમણે સમય વીતાવ્યો હતો. કેશવસૃષ્ટિમાં જવાહર ખાતે તેમણે દિવ્ય વિદ્યાલયની મુલાકાત લીધી હતી. આ સંસ્થામાં ૧૨૦ દિવ્યાંગ બાળકોને રહેવા, જમવાની સુવિધા પૂરી પડાય છે.
૨૧મી ડિસેમ્બરને શનિવારે બપોરે તેઓ અમદાવાદ આવી પહોંચ્યા હતા. બપોરે ૪ વાગે અમદાવાદના ટાગોર હોલ ખાતે રીક્ષા રનનો સમાપન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન શ્રી નીતિનભાઈ પટેલ, અમદાવાદના મેયર બીજલબેન પટેલ, સક્ષમના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી દયાલસિંહ પરમાર, સેવા ઈન્ટરનેશનલના શ્રી અશોક ગોયલ, સેવા યુકેના મંત્રી શ્રી ભરતભાઈ વદુકુલ મંચ પર ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં તમામ ૯૦ સભ્યોને સમાજકલ્યાણના ઉમદા હેતુ માટેના સાહસ બદલ બીરદાવવામાં આવ્યા હતા. રીક્ષા રનમાં ભાગ લેનારા વિપુલ પટેલ, હીના પીઠડિયા, વિક્ટોરિયા વાઈલ્સ, ભવ્ય શાહ અને સંજય કેરાઈએ પ્રવાસના પોતાના અનુભવોનું વર્ણન કર્યું હતું. સૌનૌ સૂર લગભગ એક જ હતો કે આ રીક્ષા રન દ્વારા તેમને ભારતને નજીકથી જોવાનો, લોકોને મળવાનો, ભારતની સંસ્કૃતિ અને રીત-રિવાજથી વાકેફ થવાનો અવસર સાંપડ્યો હતો. નાયબ મુખ્ય પ્રધાન શ્રી નીતિનભાઈ પટેલે સૌને તેમના સાહસ માટે બીરદાવતા જણાવ્યું હતું કે ભારતીયોની સેવાની ભાવના સમગ્ર વિશ્વમાં પ્રશંસાને પાત્ર છે. ભલે તેઓ બીજા દેશમાં રહે છે. પરંતુ પોતાના દેશના જરૂરિયાતમંદ લોકોની સેવા માટે હંમેશા દોડીને આવે છે. મેયર બીજલબેન પટેલ તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ડો. જયંતિભાઈ ભાડેસીયાએ પણ રીક્ષા રનમાં ભાગ લેનાર સૌની પ્રશંસા કરી હતી.
આ રનને ભારત સરકારના ટ્રાન્સપોર્ટ મંત્રાલય દ્વારા ઘણી મદદ કરાઈ હતી. કોઈપણ પ્રકારની કનડગત ન થાય તે માટે તેમને મંત્રાલય દ્વારા એક પત્ર આપવામાં આવ્યો હતો. તેઓ જ્યાં પહોંચતા ત્યાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત થતું હતું. ભારતના વિવિધ રાજ્યોના લોકોએ કરેલા આદરસત્કાર અને આતિથ્યભાવથી તેઓ ખૂબ પ્રભાવિત થયા હતા.
અંતમાં, રીક્ષા રનને સફળ બનાવવામાં યોગદાન આપનારા અતુલ ઓટોના માર્કેટિંગ હેડ મનોજ જોશી, જીતુભાઈ અને રાહુલભાઈ, ટ્રકચાલક અમરભાઈ યાદવ અને અશોક સાહુ તથા સૌના લગેજનું ધ્યાન રાખનારા અમરભાઈ અને અશોકભાઈનું અને માસિક મિલન ટીમનું સન્માન કરાયું હતું.

